અન્ય રાજ્યોમાં લોકડાઉનથી સિરામિક ઉદ્યોગ લોક : મોરબીના 300થી વધુ કારખાના બંધ

- text


ગેસના વપરાશમાં 40 ટકાનું ગાબડું : દિલ્હી, મુંબઈ સહિતના રાજ્યોમાં લોકડાઉન લંબાતા હજુ પણ અનેક યુનિટ બંધ થવાની તૈયારીમાં

મોરબી : સિરામિક હબ મોરબીને કોરોનાનું ગ્રહણ નડતા હાલમાં 300થી 350 જેટલા સિરામિક યુનિટના શટર પડી ગયા છે. તેવામાં કોરોના સંક્રમણને પગલે દિલ્હી, મુંબઈ સહિતના અન્ય રાજ્યોમાં લોકડાઉન લંબાતા હજુ પણ અનેક યુનિટો બંધ થવાની તૈયારીમાં છે. બીજી તરફ એક પછી એક સિરામિક યુનિટ બંધ થઇ રહ્યા હોય ગેસનો વપરાશ 40 ટકા કરતા પણ વધુ ઘટી જવા પામ્યો હોવાનું પણ બહાર આવ્યું છે.

નોટબંધી, જીએસટી બાદ મોરબીના સિરામિક ઉદ્યોગની ગાડી માંડ પાટે ચડી છે ત્યારે કોરોનાની પ્રથમ લહેર બાદ દેશ વિદેશમાંથી સિરામિક ટાઇલ્સ અને સેનેટરીવેર્સ પ્રોડક્ટની ભારે ડિમાન્ડ નીકળતા સિરામિક ઉદ્યોગની ગાડી પૂર જોશમાં દોડવા લાગી હતી પરંતુ કોરોનાની બીજી લહેરમાં દેશભરમાં લોકડાઉન થતા હાલમાં સિરામિક ઉદ્યોગમાં કોરોના ગ્રહણ નડ્યું છે અને ડોમેસ્ટિક ડિમાન્ડ તળિયે પહોંચી જતા એક મહિના પહેલા 100 જેટલા કારખાના બંધ થયા બાદ ચાલુ માસે 300થી વધુ એકમોમાં પ્રોડક્શન સદંતર બંધ થઇ જવા પામ્યું છે.
.
મોરબી સીરામીક એસોશિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારીયાએ જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેર બાદ હાલમાં ડિમાન્ડ નહિવત થઇ જતા મોટાભાગના એકમોમાં પ્રોડકશનમાં કાપ લાદવામાં આવ્યો છે, અને 40 ટકા જેટલા સિરામિક એકમો હાલમાં બંધ થઇ જવા પામ્યા છે. ખાસ કરીને મહારાષ્ટ્ર, દિલ્હી, બંગાળ અને સાઉથના રાજ્યોમાં લોકડાઉન લંબાતા ડોમેસ્ટિક માર્કેટમાં વ્યાપાર બંધ થયો છે. જો આવીને આવી પરિસ્થિતિ રહેશે તો હજુ પણ અનેક યુનિટો બંધ થઇ જાય તેમ હોવાનું પણ તેમને ઉમેર્યું હતું.

- text

દરમિયાન અગ્રણી સીરામીક ઉદ્યોગપતિ મુકેશભાઈ ઊંઘરેજાએ જણાવ્યું હતું કે કોરોના મહામારીને પગલે હાલમાં માત્ર એક્સપોર્ટ ઓર્ડર માટે જ કામ ચાલી રહ્યું છે. વોલ ટાઇલ્સ અને ડબલ ચાર્જમાં 40 ટકાથી વધુ એકમો બંધ થઇ ગયા છે અને માત્ર જીવીટી, પીજીવીટીના એકમો જ ચાલી રહ્યા છે. સિરામિક એકમો બંધ થવાથી ગેસની ખપત પણ ચાલુ માસે 40થી 45 ટકા ઘટી ગઈ છે. સામાન્ય સંજોગોમાં 76 લાખથી વધુના ગેસ બિલ સામે ચાલુ માસે 43 લાખ જેટલું જ બિલ હોવાનું તેમને ઉમેર્યું હતું.

આમ, કોરોના મહામારીની બીજી લહેર મોરબીના સિરામિક ઉદ્યોગ માટે રીતસર ઘાતક સાબિત થઇ રહી છે. જો આવનાર દિવસોમાં હજુ પણ અન્ય રાજ્યોમાં લોકડાઉન લંબાશે તો શ્રમિકોને બેઠાબેઠ વેતન ચુકવતા મોરબીના સિરામિક ઉદ્યોગ માટે કફોડી સ્થિતિ ઉદભવે તેમ હોવાનું સિરામિક ઉદ્યોગકારો જણાવી રહ્યા છે.

- text