કાનાભાઈ જાગેલા જ છે ! તૂટેલા રોડ રસ્તા, ભૂગર્ભના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ : કાંતિલાલ

- text


 

વરાપ નીકળતા જ મોરબીના રોડ રસ્તા માટે તાબડતોબ કામગીરી : વહીવટદાર એન.કે.મુછાર

કાલથી જ શહેરના મુખ્ય માર્ગો ઉપર સિમેન્ટથી ગાબડા બુરાશે, કચરા માટે વધારાના ટ્રેકટર, ડમ્પર : ચીફ ઓફિસર હર્ષદીપ આચાર્ય

મોરબી : વરસાદની સીઝનમાં મોરબીમાં રોડ રસ્તા તૂટવાની સાથે ભૂગર્ભ ગટરો છલકાવી, ગટરના પાણી વહેવા, સફાઈનો અભાવ સહિતના પ્રશ્ને મોરબીના લોકોએ સોશિયલ મીડિયાને માધ્યમ બનાવી વેદના ઠાલવવાનું શરૂ કરી લોકલાડીલા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને જાગો કાનાભાઈ જાગોનો ટોણો મારતા જ આજે કાનાભાઈએ વીડિયો સંદેશ થકી કાનાભાઈ જાગેલા જ હોવાનું જણાવી ટૂંક સમયમાં તમામ પ્રશ્નોનો ઉકેલ આવવાની સાથે મોરબીના નગરજનોને આગામી થોડા મહિનામાં એટલે કે ઓક્ટોબર માસથી ન ભૂતો ન ભવિષ્યતિ રિઝલ્ટ મળશે તેવી ખાતરી આપી હતી.

મોરબીમા ઓણ સાલ સારા વરસાદ બાદ ગંદકીએ માઝા મૂકી છે તો બીજી તરફ મોરબી શહેર અને જિલ્લામાં ગારા કીચડ વાળા અને મસમોટા ગાબડા પડેલા રોડ રસ્તાથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠતા હવે આ બધી સમસ્યાનો એક માત્ર ઉકેલ હરહમેશ એક ઘા અને બે કટકા જેવી નક્કર વાતો કરતા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ એક માત્ર આશા હોવાની લાગણી સાથે છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા ઉપર સતત જાગો કાનાભાઈ જાગોના મેસેજ મૂકી રહ્યા છે.

આ સંજોગોમાં આજે એટલે કે ગુરુવારે રાત્રે કાંતિલાલ અમૃતિયાએ એક વીડિયો મેસેજ મારફતે જણાવ્યું કે, કાંતિલાલ જાગેલા જ છે… કાંતિલાલ અડધી રાત્રે મોરબીમા જ આંટા મારતા હોય છે, અમુક રતન દુખિયાઓના ભૂગર્ભ અને સફાઈના કોન્ટ્રાકટ બંધ થઈ જતા પાલિકા કેમ બદનામ થાય તેવા પ્રયાસો કરી અડધી રાત્રે આવા તત્વો કુંડીના ઢાંકણા ઉચકાવી ગોદળા અને કોથળા નાખી લોકોને હેરાન કરવા મથી રહ્યાનું વીડિયોમાં જણાવ્યું હતું.

આ ઉપરાંત કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે તેઓ સતત ગાંધીનગરથી કેમ મોરબીને વધુ લાભ મળે તે માટે પ્રયત્નો કરી રહ્યા છે. અગાઉ મોરબી પાલિકાની સ્થિતિ ખરાબ હતી જે હાલમાં સુધરી છે અને કોઈપણ જાતના દેખાડા વગર આગામી થોડા મહિનામાં મોરબીના લોકોને ન ભૂતો ન ભવિષ્યતિ એવા વિકાસ કામો વગર ખાતમુહૂર્ત અને લોકાર્પણે ભેટ મળનાર હોવાનું તેમને જણાવી બગીચા સહિતના પ્રકલ્પો આપવાનું જણાવ્યું હતું.

- text

બીજી તરફ ધારાસભ્ય કાંતિલાલની સાથે મોરબી પાલિકાના વહીવટદાર એન.કે.મુછારે પણ વીડિયો સંદેશમાં હાલમાં ચોમાસાને કારણે સમગ્ર રાજ્યમાં આવી સ્થિતિ હોવાનું અને વરસાદ વિરામ લે તો જ રોડ રસ્તા રીપેર કરવા શક્ય બને તેમ હોવાનું જણાવી સત્વરે મોરબીના માર્ગો રીપેર થશે તેમ જણાવ્યું હતું.

આ સાથે જ મોરબી પાલિકાના ચીફ ઓફિસર હર્ષદીપ આચાર્યે પણ મોરબીમાં સફાઈ બાબતે તંત્ર પ્રયત્નશીલ હોવાનું અને આજરાત્રિથી વધારાના ટ્રેકટર ડમ્પર કામે લગાડયા હોવાનું જણાવી પાલિકા સફાઈ કામગીરી વધુ સારી રીતે કરી શકે તે માટે નવા ટ્રેકટર, લોડર સહિતના સાધનો ખરીદવા માટે કાર્યવાહી ચાલુ હોવાનું જણાવ્યું હતું.

આમ મોરબીની જનતા સોશિયલ મીડિયામાં જાગૃત થતા જ મોરબીના લોકલાડીલા નેતા ધારાસભ્ય કાંતિલાલની સાથો સાથ વહીવટીતંત્ર ઉપર પણ પ્રજાના અવાજનો પડઘો પડ્યો હોવાનું ફલિત થઈ રહ્યું છે.

- text