કોરોના વેકસીન માટે રાજકોટની વાટ પકડતા મોરબીના 18 વર્ષથી ઉપરના લોકો

- text


નબળી નેતાગીરી 18થી 44 વર્ષના લોકોનું વેકસીનેશન શરૂ કરાવવામાં નિષ્ફળ : તંત્ર પણ અજાણ

મોરબી : મોરબી જિલ્લામાં હજુ સુધી 18 થી 45 વર્ષના લોકોનું વેકસીનેશન શરૂ ન થતા હાલ કોરોનાની મહામારી સામે રક્ષણ મેળવવા આ વયજુથના લોકો ઓનલાઇન વિકલ્પ શોધી કાઢી રાજકોટની વાટ પકડી છે અને એક અંદાજ મુજબ દરરોજ 400થી વધુ લોકો રાજકોટમાં વેકસીન મુકાવી રહ્યા છે. બીજી તરફ વેકસીનેશન ક્યારે શરૂ થશે એ અંગે ખુદ તંત્ર હજુ અજાણ છે. આવા સંજોગોમાં આગામી ત્રીજી લહેર આવે તો મોરબીવાસીઓ કેવી રીતે લડી શકશે તે મોટો પડકાર છે.

કોરોના મહામારીમાં હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન સુવિધા અને રેમડેસીવીર ઇન્જેક્શન પુરા ન પાડી શકનાર તંત્ર 18થી 44 વર્ષના યુવા વર્ગને વેકસીનેશનમાં વામણું પુરવાર થયું છે ત્યારે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી અનેક લોકો રાજકોટ જઈ કોરોના રસી મુકાવી રહ્યા છે. મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું કે, મોરબીમાં યુવાનોનો મોટો સમુદાય છે. હાલમાં કોરોનાની મહામારીમાં થોડી રાહત છે. પણ આગામી સંભવિત ત્રીજી લહેરમાં કોરોના સામે રક્ષણ મેળવવા માટે ખાસ કરીને યુવા સમુદાયનું અત્યારથી રસીકરણ શરૂ કરી દેવું જોઈએ. પણ ખાટલે મોટી ખોટ છે કે આવડી મોટી સીરામીક નગરીમાં હજુ 18 થી 44 વર્ષના લોકો માટે રસીકરણ શરૂ થયું નથી. અન્ય જિલ્લામાં આ વયજૂથના લોકો માટે રસીકરણ શરૂ થઈ ગયું હોવા છતાં હજુ મોરબીમાં વિલંબ થઈ રહ્યો છે. પરિણામે વેકસીનેશન માટે યુવાનોને રાજકોટના ધક્કા થાય છે.

- text

એક અંદાજ મુજબ સીરામીક ક્ષેત્રે સંકળાયેલા 300 જેટલા લોકો વેકસીન માટે દરરોજ રાજકોટ જતા હોય છે. બીજા લોકો તો અલગ કારણ કે શહેરમાં અન્ય લોકો પણ વેકસીન લેવા રાજકોટ જાય છે. સીરામીક ઉધોગકારો પણ પોતાના મજૂરો અને કારીગરોને વેકસીન માટે દરરોજ પોતાના ખર્ચે વેકસીન માટે રાજકોટ મોકલે છે. રાજકોટ વેકસીન લેવા જવામાં કલાકો બગડે છે. જો ટૂંક સમયમાં 18 વર્ષથી ઉપરના લોકોનું વેકસીન ન શરૂ થાય તો મોરબીમાં અમુક લોકો જ વેકસીન માટે બાકી રહેશે. સીરામીક ઉધોગમાં 5 કે 10 ટકા લોકો 45 વર્ષથી ઉપરના છે બાકી 90 ટકા યુવાનો છે. તેથી, તેઓના માટે કોરોના વેકસીન તાકીદે શરૂ થાય તે માટે સરકારમાં રજુઆત પણ કરી છે. પણ હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.

વાહનો કે અન્ય સગવડ હોય તેવા લોકો રાજકોટનો ધક્કો ખાય છે પણ જે સામાન્ય વર્ગના લોકો છે એ રાજકોટ જઈ શકતા નથી. બીજી બાજુ કોરોના હજુ ખતમ થયો નથી. આ સ્થિતિને ધ્યાને લઈને ઝડપથી વેકસીનેશન શરૂ કરવું જોઈએ તેવું મોરબીના સામાન્ય નાગરિકો પણ ઈચ્છી રહ્યા છે.

મોરબી જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો. જે. એમ. કતીરાએ કહ્યું હતું કે, સરકારે હજુ 8 કોર્પોરેશન અને 3 જિલ્લામાં જ યુવાનો માટે વેકસીનની મંજૂરી આપી છે. ત્યારે મોરબીમાં ક્યારે મંજૂરી આપશે તેની ખબર નથી. સરકાર જ્યારે મોરબી જિલ્લામાં 18 વર્ષથી ઉપરના લોકોને વેકસીનની મંજૂરી આપશે ત્યારે જ વેકસીન આપવાનું ચાલુ કરાશે. આમ, નબળી નેતાગીરીને પાપે મોરબીના લોકોને કોરોના મહામારીમાં વધુ એક અન્યાય સહન કરવો પડી રહ્યો છે.

- text