જાણવા જેવું : કેસર, લંગડો, દશેરી સહિતની કેરીની જાતોના નામો કઈ રીતે પડ્યા?

- text


કાગડા, સરદાર, નીલમ, આમ્રપાલી, જમાદાર, મલ્લિકા, નિલેશ, દાડમીયો.. આવા પણ હોય છે કેરીના નામો

કેરી આપણા ભારત દેશનું રાષ્ટ્રીય ફળ છે. કેરીને ફાળોનો રાજા કહેવાય છે. અમૃત ફળ તરીકે ઓળખાય છે. કેરી દેશના લગભગ દરેક રાજ્યોમાં જોવા મળે છે. કેરી કાચી હોય ત્યારે સ્વાદમાં ખાટી લાગે છે, પરંતુ બરાબર પાકી જાય ત્યારે મધુર લાગે છે. આથી, નાના-મોટા સૌને કેરી પ્રિય હોય છે. કેરીને સુધારીને કટકા કરી, ચીરીયાં કરી કે રસ કાઢીને અથવા કાચી કેરીનું શબરત બનાવીને કે મીઠું-મરચું ભભરાવીને કે અથાણું બનાવીને ખાઈ તેનો આનંદ લઇ શકાય છે.

આમ તો કેરીની અનેક જાત હોય છે. દેશમાં મુખ્યત્વે કેસર, હાફુસ, લંગડો, રાજાપૂરી અને પાયરી જેવી કેરીની જાતો પ્રખ્યાત છે. પરંતુ કેરીના અવનવા નામો સાથે તેની વિવિધ જાતો જોવા મળે છે. જેવી કે કાગડા, તોતાપૂરી, દશેરી, સરદાર, નીલમ, આમ્રપાલી, બંગનપલ્લી, વનરાજ, નિલ્ફાન્સો, જમાદાર, મલ્લિકા, રત્ના, સિંધુ, બદામ, નિલેશ, નિલેશાન, નિલેશ્વરી, વસી બદામી, દાડમીયો વગેરે. ત્યારે કેરીની વિવિધ જાતોના નામકરણ સહિતની માહિતી મેળવીએ.

કેસર

સૌરાષ્ટ્ર-કચ્છમાં થતી કેસર કેરીનું નામ તેના રંગના કારણે પડ્યું છે. મુખ્યત્વે તાલાળા ગીરની આ કેરી ઉપરથી લીલી અને અંદરથી કેસરી હોવાના કારણે તેનું નામ કેસર પડ્યું છે. કેસર કેરી ‘કેરીઓની રાણી’ તરીકે ઓળખાય છે. કહેવાય છે કે 1931માં જૂનાગઢના નવાબે સૌપ્રથમ આ કેરી ઉગાડી હતી અને 1934માં તેને કેસર નામ મળ્યું. ગુજરાતીઓ કેસર કેરીના ચાહકો તો છે જ. પરંતુ કેસર કેરી એટલી તો પ્રખ્યાત છે કે વિદેશીઓ તેને સ્ટોર કરીને રાખે છે. જેથી, બારેમાસ ખાઈ શકાય.

લંગડો

લંગડો કેરીની જાતને 250 વર્ષ જૂની માનવામાં આવે છે. આ નામ પાછળ રસપ્રદ કહાણી છે. એવી માન્યતા છે કે 250 વર્ષ પહેલાં બનારસના શિવ મંદિરમાં એક લંગડા પુજારી હતા. એક દિવસ મંદિરમાં એક સાધુએ કેરીના બે છોડા રોપ્યા. વર્ષો પછી જ્યારે તેના પર કેરી આવવા લાગી ત્યારે કાશીના રાજાએ પૂજારી પાસેથી કેરી લઈ લીધી હકીકતે સાધુએ પુજારીને આદેશ આપ્યો હતો કે કેરી કોઈને આપવામાં ન આવે. ધીમે-ધીમે આ કેરીની પ્રજાતિ સમગ્ર બનારસમાં ફેલાઈ ગઈ અને કેરીનું નામ લંગડો પડી ગયું. લંગડો કેરીનો આકાર લંબગોળ હોય છે અને તે પાકી જાય તો પણ રંગ લીલો જ રહે છે.

- text

દશેરી

દશેરી કેરીનું સૌથી વધુ ઉત્પાદન ઉત્તર પ્રદેશમાં થાય છે. કહેવાય છે કે દશહરી કેરીનું સૌથી પહેલું ઝાડ કાકોરી સ્ટેશન નજીક આવેલા દશેરી ગામમાં લગાડવામાં આવ્યું હતું. આ ગામના નામે જ કેરીનું નામ દશેરી પડી ગયું છે. દશેરી 200 વર્ષ જૂની કેરીની જાત છે અને તેને ‘મધર ઑફ મેંગો ટ્રી’ પણ કહેવામાં આવે છે.

હાથીઝુલ

હાથીઝુલ કેરી તેના નામ મુજબ જ ખૂબ વજનદાર છે. સહારનપુરની હાથીઝુલ કેરી સૌથી વધુ વજનદાર કેરી હોય છે. આ કેરીના એક નંગનું વજન આશરે 3.5 કીલો હોય છે. એની થિકનેસ અને વજન વધુ હોવાથી જાણે હાથી ઝુલી રહ્યો હોય તેવું લાગે છે. આથી, તેનું નામ હાથીઝુલ પાડવામાં આવ્યું છે.

રાજાપુરી

રાજાપુરી કેરીનો ઉપયોગ છૂંદો, મુરબ્બો, ગોળકેરી જેવા અથાણા બનાવા માટે થાય છે. ફળની મોટી સાઇઝના કારણે તેને રાજાપુરી કરીકે ઓળખવામાં આવે છે.

તોતાપુરી

તોતાપુરી કેરીનો લીલો રંગ હોય છે અને તેનો આકાર પોપટની ચાંચ જેવો લાગે છે. કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં થતી તોતાપુરી કેરી અન્ય પ્રકારની કેરીઓની જેમ વધારે ગળી નથી હોતી.

બંગનપલ્લી

હાફૂસ કરતાં કદમાં મોટી આ કેરી આંધ્રપ્રદેશના કુન્નુરના બંગનપલ્લેમાં પાકે છે. આથી, તેનું નામ બંગનપલ્લી રાખવામાં આવ્યું છે. લંબગોળ આકારની કેરીની છાલ એકદમ કોમળ હોય છે અને લંબાઈ 14 સેમી જેટલી હોય છે.

હાફુસ

વિશ્વમાં સૌથી વધુ ભારતની કોઈ કેરી પ્રખ્યાત હોય તો તે રત્નાગીરી હાફુસ છે. આ કેરી યૂરોપમાં અલફાન્સોના નામથી ઓળખાય છે અને સૌથી વધુ તેનો નિકાસ યુએસએમાં થાય છે. કેસર પછી સૌથી વધુ મીઠી કોઈ કેરી હોય તો તે હાફુસ છે. મુખ્યત્વે મહારાષ્ટ્રમાં પાકતી હાફુસ કેરી હવે ગુજરાત અને કર્ણાટકના કેટલાક ભાગમાં પણ ઉગે છે.

 

- text