ઘુડખર અભયારણ્ય ફરીથી પર્યટકો માટે ખુલ્યું મુકાયું

- text


શિયાળામાં વિદેશી પક્ષીઓ પણ મોટી સંખ્યામાં અભયારણ્યની મહેમાનગતિ માણે છે

હળવદ : મોરબી જિલ્લાને અડીને આવેલા ઘુડખર અભ્યારણ્ય પર્યટકો માટે 16 ઓક્ટોબરથી ખુલ્લુ મુકવામાં આવ્યુ છે. આ અભયારણ્યમાં ઘુડખર પ્રાણીના વસવાટ સાથે વિદેશી પક્ષીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં મહેમાન ગતિ માણે છે. કચ્છનું આ ઘુડખર અભયારણ્ય પ્રવાસીઓ માટે 15 જુન સુધી ખુલ્લુ મુકાયું છે. ગત વર્ષે આશરે 16થી 18,000 લોકો ઘુડખર અભયારણ્યની મુલાકાતે આવ્યા હતા.

આ અભયારણ્ય કચ્છના નાના રણ તરીકે જાણીતા વિસ્તારમાં આવેલું છે. કચ્છનું નાનું રણ ૪૯૫૩ ચોરસ કિલો મીટરના વિસ્તારમાં ફેલાયેલ છે. આ રણમાં આવેલ ઘુડખર એક દુર્લભ્ય પ્રાણી છે. અને બીજે ક્યાંય જોવા નથી મળતા, જે આ કચ્છના નાના રણમાં જોવા મળે છે. હાલ શિયાળાની સિઝન શરૂ થવાની તૈયારીમાં છે. આ રણની અંદર વિદેશમાંથી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે. અને તેને જોવા માટે દર વર્ષે હજારોની સંખ્યામાં પર્યટકો ઉમટી પડે છે. વિદેશી પક્ષીઓ હજારો કિલોમીટર દૂરથી અહીં આવે છે. તેનું કારણ અહીયાનું વાતાવરણ તેમજ તેમને પૂરતા પ્રમાણમાં ખોરાક પણ મળી રહે છે.

સરકારના વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીને બચાવવા અને લોકોને સમજણ આપવાના હેતુથી શિયાળામાં નિ:શુલ્ક શિબિરનું આયોજન થાય છે. ૧૫ જૂન સુધી આ અભયારણ્ય પ્રવાસી માટે ખુલ્લું રહેશે. છેલ્લા વર્ષોમાં આ રણની અંદર મુલાકાત લેનાર પ્રવાસીની સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે. ગત વર્ષે મુલાકાત લેનાર 16,000થી 18,000 લોકો પૈકી 2000 જેટલા વિદેશી મુલાકાતીઓ પણ હતા. ગત વર્ષે 25 થી 30 લાખ રૂ. જેટલી આવક આ વિભાગને થયેલ છે.

ચાલુ વર્ષે માર્ચ મહિનામાં છેલ્લે થયેલ ગણતરી મુજબ ઘુડખરની સંખ્યા 6082 જેટલી નોંધાયેલ છે. ઉલ્લેખનીય છે કે આ વખતે સમગ્ર રાજ્યમાં સારો વરસાદ પડયો છે. જેના કારણે રણમાં હજુ પણ પાણી ભરાયા છે. જેથી, પ્રવાસીઓ માટે રણની અંદર જવું મુશ્કેલ છે. હજુ પાણીને ઓસરતા લગભગ 20 દિવસ જેટલો સમય લાગે તેમ છે. અને આ વખતે સારો વરસાદ થયેલ હોવાથી વિદેશી પક્ષીઓની સંખ્યા વધે તેવી શક્યતા દેખાઈ રહી છે.

- text

અભયારણ્ય દ્વારા પ્રવાસીને અપીલ પણ કરવામાં આવી છે કે આ વખતે કોરોનાના કારણે લોકો સરકારની ગાઈડ લાઇન મુજબ અને માસ્ક, સોસીયલ ડિસ્ટન્સ જાળવવું અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવામાં આવે. દેશની પ્રાણી સંપતિ અને ધરોહર ગણાતું ઘુડખરને નિહાળવુ દુર્લભ છે. કોરોના સંક્રમણના લીધે અભયારણ્ય ઘણાં લાંબા સમયથી બંધ રહેતા હવે ખુલ્લુ મૂકવામાં આવ્યું છે ત્યારે પર્યટકો તેમજ પશુ-પ્રકૃતિ પ્રેમીઓમાં ખુશીની લાગણી ફેલાઇ ગઈ છે. અને તેમની આતુરતાનો અંત આવ્યો છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text