આવ્યા માંના નવલા નોરતા : આજથી નવરાત્રિનો પ્રારંભ, માત્ર પૂજા-આરતી કરીને શક્તિની ભક્તિ કરાશે

મોરબીમાં કોરોનાએ નવરાત્રી મહોત્સવની ઉજવણીના રંગમાં ભંગ પાડ્યો : ઇતિહાસમાં પ્રથમ વખત અર્વાચીન અને પ્રાચીન રાસ-ગરબાના જાહેર આયોજનો રદ

વર્ષોથી જમાવટ કરતી પ્રાચીન ગરબીઓમાં એકદમ સાદાઈથી નવરાત્રી મહોત્સવની ઉજવણી કરાશે

મોરબી : કોરોનાના કહેરના કારણે આ વખતે તમામ તહેવારોની ઉજવણીનો રંગ ફિક્કો પડી ગયો છે. કોરોનાના સંક્રમણથી બચવા લોકોને તમામ તહેવારોની ઉજવણી ઘરે બેઠા જ કરવી પડે છે. ત્યારે આજથી માં આદ્યશક્તિની ઉપાસનાનું મહાપર્વ નવરાત્રી શરૂ થઈ રહ્યું છે. પણ કોરોનાએ આ નવરાત્રી મહોત્સવની ઉજવણીના રંગમાં ભંગ પાડી દીધો છે. મોરબીમાં પ્રથમ વખત અર્વાચીન અને પ્રાચીન રાસ ગરબાના જાહેર આયોજનો રદ કરવામાં આવ્યા છે અને વર્ષોથી જમાવટ કરતી પ્રાચીન ગરબીઓમાં એકદમ સદાયથી નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

મોરબીમાં વર્ષોથી શહેરની મધ્યે યોજાતી શક્તિ ચોક ગરબી અને મંગલભુવન ગરબી ભારે જમાવટ કરે છે. આ પ્રાચીન ગરબીઓ જોવા આખું નગર ઉમટી પડે છે. આ ઉપરાંત, શહેરના મોટાભાગના વિસ્તારોમાં પ્રાચીન ગરબીઓ વર્ષોથી યોજાઈ છે. આજના જમાનામાં અર્વાચીન દાંડિયા રાસના ક્રેઝ વચ્ચે પણ પ્રાચીન ગરબીઓનું મહત્વ હજુ પણ જળવાઈ રહ્યું છે. આ પ્રાચીન ગરબીઓ અત્યાર સુધીમાં કયારેય બંધ રહી નથી.

આ વખતે કોરોનાનું વિઘ્ન આવી પડતા તમામ પ્રાચીન ગરબીઓના જાહેર રાસ ગરબા રદ કરવા પડ્યા છે. આવી સ્થિતિ વચ્ચે પણ માં શક્તિની ઉપાસના જળવાઈ રહે તે માટે પ્રાચીન ગરબીના આયોજકોએ એકદમ સાદાયથી નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવાનું આયોજન કર્યું છે. મોટાભાગની પ્રાચીન ગરબીઓના જાહેર રાસ ગરબા મોકૂફ રખાયા છે. તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં નવરાત્રી દરમિયાન ગૌશાળા માટે યોજાતા પ્રાચીન નાટકો પણ રદ કરાયા છે.

મંગલભુવન ગરબી 61 વર્ષમાં પ્રથમ વાર બંધ રહેશે, માત્ર માતાજીનું પૂજન કરાશે

61 વર્ષ પ્રાચીન મંગલભુવન ચોક ગરબીના જીલેષભાઈએ જણાવ્યું છે કે આ વર્ષે મંગલભુવન ગરબી 60 વર્ષ પૂર્ણ કરી 61માં વર્ષમાં પ્રવેશ કરી રહી છે. ત્યારે આ વખતે એકદમ સાદાઈપૂર્વક નવરાત્રિની ઉજવણી કરવામાં આવશે. માતાજીની સ્થાપના કરીને અને માત્ર ગરબા ગાઈ તેમજ આરતી કરીને માતાજીની આરાધના કરાશે. મંગલભુવન ગરબી 61 વર્ષમાં પ્રથમ વાર બંધ રહેશે. એટલે કે કોરોનાના લીધે બાળાઓ ગરબે નહિ ઘૂમી શકે. ઉલ્લેખનીય છે કે રાજાશાહીના સમયમાં મોરબીના મહારાજ લગધીરસિંહ અને તેમના પરિવારજનો પણ આ ગરબીને નિહાળવા આવતા હતા. અને માતાની ભક્તિ કરતા હતા.

સામાકાંઠે વિનામૂલ્યે યોજાતી ગરબીમાં માત્ર ગરબા ગાઈને માતાની આરાધના કરાશે

મોરબી શહેરના સામાકાંઠે ફ્રી સ્ટાઇલ અર્વાચીન રાસોત્સવ ગરબી મંડળ આશરે 20 વર્ષથી નવરાત્રીનું આયોજન કરે છે. આ આયોજન માટે લોકો પાસેથી ફાળો ઉઘરાવવામાં આવતો નથી. અને તેનું આયોજન વિનામૂલ્યે કરવામાં આવે છે. ગરબીના આયોજક જયરાજસિંહ જાડેજાએ પણ આ વખતે સાદાઈથી માતાજીની આરાધના કરવાનું જણાવ્યું છે. સરકારની ગાઇડલાઇનને અનુસરીને માત્ર માતાજીની આરતી-પૂજા કરીને નવરાત્રી ઉજવવામાં આવશે. આ ગરબી પણ ભૂતકાળમાં ક્યારેય બંધ રહી નથી.

38 વર્ષ જૂની શક્તિ ચોક ગરબી પરંપરા જાળવવા માતાની સ્થાપના કરાશે

38 વર્ષ જૂની શક્તિ ચોક ગરબીના આયોજક ક્રિપાલસિંહે જણાવ્યું છે કે કોરોનાને લઈને આ વખતે નાનું સ્ટેજ બનાવવામાં આવ્યું છે. જેના પર માતાજીની સ્થાપના કરી માત્ર ગ્રુપના સભ્યો દ્વારા પાંચ ગરબા ગાયને આરતી કરી માં શક્તિનું સ્તુતિગાન કરાશે. સ્ટેજને પણ ડેકોરેટ કરવામાં આવ્યું નથી. તેમજ સરકારના આદેશ મુજબ ગરબા રમાશે નહિ. અને ભાતીગળ પરંપરા જાળવવા માતાની સ્થાપના કરી પૂજન-અર્ચન કરાશે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate