મોરબી : જિલ્લા પંચાયત કચેરીમાં પાણી પ્રશ્ને મહિલાઓનો બેડા સાથે મોરચો

- text


રફાળેશ્વરની મહિલાઓએ આગેવાનો સાથે ડીડીઓને રજૂઆત કરી : તાત્કાલિક પાણી મળે તેવી વ્યવસ્થા કરવા ડીડીઓનું ટીડીઓએ ફરમાન

મોરબી : રફાળેશ્વર ગામની મહિલાઓએ પાણી પ્રશ્ને જિલ્લા પંચાયત કચેરીમાં બેડા સાથે મોરચો માંડી ગ્રામ પંચાયતે પાણી સહિત વિકાસ કાર્યમાં સતત આડોડાઈ કરતું હોવાનો બળાપો ઠલાવ્યો હતો. તેમજ ડીડીઓને આવેદન આપીને પાણી સહિત વિકાસના કામો યોગ્ય રીતે કરવાની રજૂઆત કરી હતી. આથી ડીડીઓએ ટીડીઓને આ બાબતે ઘટતી કાર્યવાહી કરવાનું ફરમાન કર્યું છે.

ADVT.

રફાળેશ્વર ગામની મહિલાઓ બેડા સરઘસ સાથે પાણી પ્રશ્ને જિલ્લા પંચાયત કચેરીમાં ડીડીઓ પાસે રજૂઆત કરવા પહોંચી ગઈ હતી. મહિલાઓએ ડીડીઓને આવેદન આપીને જણાવ્યું હતું કે, છેલ્લા બે માસથી ટીપુય પાણીનું આવતું ન હોવાથી ભારે મુશ્કેલી પડી રહી છે. જાબુડીયા ગ્રામ પંચાયતની આ આડોડાઈને કારણે મહિલાઓને છતે પાણીએ મુશ્કેલી ભોગવવી પડતી હોવાનું રોષભેર જણાવ્યું હતું. જાબુડીયા ગ્રામ પંચાયત વર્ષોથી પ્રતિ વર્ષ બે વખત રફાળેશ્વરમાં બે મેળાના આયોજન કરે છે. પરંતુ મેળાની આવકની કમાણી લઈને રફાળેશ્વર ગામના વિકાસ ક્લામો કરતું નથી તેવો આક્ષેપ કર્યો હતો.

- text

આ ઉપરાંત આવકજાવકનાં દાખલા કાઢવામાં મંત્રી તથા સરપંચ ઉદ્દાત ભાવ દાખવી કાઢી આપતા નથી. ગ્રામ પંચાયતનો ઘોર ઉપેક્ષાને કારણે રફાળેશ્વર ગામમાં સુવિધા ન મળતા ગામની હાલત બદતર થઈ ગઈ છે. આ અંગે ખોડાભાઈ પાચીયાએ મોરબી અપડેટને જણાવ્યું હતું કે, અગાઉ રફાળેશ્વર ગામ પંચાયતને જાંબુડિયા ગ્રામ પંચાયતમાંથી અલગ કરવાની રજૂઆત કરી હતી. તેથી જનતાનાં કામ કરવામાં સરપંચ અને મંત્રી આડોડાઈ કરતા હોય છે. આથી આ બાબતે યોગ્ય પગલા નહીં લેવાય તો આત્મ વિલોપનની ચીમકી આપી હતી અને ડીડીઓ એમ.એમ. ખટાણાએ મહિલાઓની રજૂઆત શાંતિથી સાંભળી ને તેમના પાણી સહિતનાં વિકાસ કામો બાબતે ટીડીઓને યોગ્ય કાર્યવાહી કરવાનો આદેશ કર્યો હતો.

- text