મોરબી જિલ્લામાં ટેકાના ભાવે કપાસ ખરીદીમાં કૌભાંડ ચાલતું હોવાનો પૂર્વ ધારાસભ્યનો આક્ષેપ

- text


પૂર્વ ધારાસભ્યએ સીસીઆઈના સૌરાષ્ટ્રના હેડને ફોન ઉપર ખખડાવ્યા હોવાનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

મોરબી : મોરબી જિલ્લામાં ટેકાના ભાવે કપાસ ખરીદીમાં કૌભાંડ ચાલતું હોવાના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આક્ષેપ કર્યા છે.જેમાં તેઓએ સીસીઆઈ દ્વારા ખેડૂતોને બદલે વેપારીઓનો માલ લેવામાં આવતો હોવાના આરોપ લગાવ્યો છે.અને આ મામલે તેઓએ સીસીઆઈના સૌરાષ્ટ્રના હેડને ફોન પર ખખડાવ્યા હોવાનો એક ઓડિયો કલીપ પણ વાયરલ થઈ છે.

મોરબી જિલ્લામાં હાલ ટેકાના ભાવે કપાસની ખરીદી ચાલી રહી છે. જેમાં કૌભાંડના આક્ષેપ સાથે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ સીસીઆઈના સૌરાષ્ટ્ર હેડ શ્રીવાસ્તવને ફોન ઘુમાવ્યો હતો. જેમાં તેઓએ અધિકારીને જણાવ્યું હતું કે ખેડૂતોની બદલે વેપારીઓનો માલ ખરીદવામાં આવી રહ્યો છે. તેઓએ હડમતીયાનો દાખલો આપતા કહ્યું કે ત્યાંના બે જિનનો માલ 480 લેખે ખરીદવામાં આવ્યો છે. જ્યારે માળિયાના એક પણ ખેડૂતનો માલ ખરીદવામાં આવ્યો નથી.

- text

વધુમાં તેઓએ ફોનમાં જણાવ્યું કે ખેડૂતોના કાગળોનો વેપારીઓ ઉપયોગ કરી કપાસ વેચીને કમીશન મેળવી રહ્યા છે. સીસીઆઈના નીચેના માણસો આ કૌભાંડમાં સંડોવાયેલા છે. બાદમાં પૂર્વ ધારાસભ્યએ અધિકારીને પણ ખુલ્લું જણાવ્યું કે તમને કેટલી ટકાવારી મળે છે. ત્યારબાદ અધિકારી અકળાય ઉઠે છે અને તમે કોઈ પણ હોય આવી રીતે વાત ન કરી શકો તેમ જણાવે છે. બાદમાં ફોન કટ થઈ જાય છે. હાલ આ ફોન રેકોર્ડીંગની ઓડિયો કલીપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.

ખેડૂતોએ જાગૃત થશે તો તેમનો હક્ક કોઈ નહિ છીનવી શકે : કાંતિભાઈ અમૃતિયા

પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું કે સીસીઆઈના નીચલા વર્ગના માણસો ખેડૂતોની બદલે વેપારીઓનો માલ ખરીદી રહ્યા છે. પ્રથમ ખરીદી કેન્દ્રમાંથી ખેડૂતનો માલ પાછો મોકલવામાં આવે છે. બાદમાં આ જ માલ વેપારી ખરીદે છે અને તે વેચીને કમીશન મેળવે છે. વેપારી પોતાના સગા- વ્હાલા ખેડૂતોના નામના ઓનલાઇન ડોક્યુમેન્ટ મેળવીને આ કારસ્તાન આચરે છે. જેમાં તેમને 150 પ્રતિ મણ ફાયદો થાય છે. ખેડૂતોએ જાગૃત થવાની જરૂર છે. જો તેઓ જાગૃત હશે તો તેઓનો હક્ક કોઈ છીનવી શકશે નહીં.

- text