મોરબી સીરામીકને પડ્યા પર પાટુ : ભૂતકાળમાં કોલગેસીફાયર વાપરવા બદલ 608 એકમોને અંદાજે રૂ. 400 કરોડનો દંડ

- text


એનજીટીના આદેશને પગલે જીપીસીબીએ ફટકારી નોટિસો : કોલગેસીફાયરના વપરાશ બદલ એક દિવસના રૂ. 5 હજાર લેખે સીરામીક એકમોને રૂ. 40 લાખથી લઈને રૂ. 1 કરોડ સુધીની પેનલ્ટી, 30 દિવસમા પેનલ્ટી ભરી દેવાનો હુકમ

મોરબી : મંદીની ઝપેટમાં આવેલા મોરબીના સીરામીક ઉદ્યોગને પડયા ઉપર પાટુ લાગ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. કારણકે એનજીટીના આદેશ પ્રમાણે જીપીસીબી દ્વારા ભૂતકાળમાં કોલગેસીફાયરનો ઉપયોગ કરનારા 608 એકમોને અંદાજે રૂ. 400 કરોડનો દંડ ફટકાર્યો છે. જો કે આ દંડનીય કાર્યવાહીમા ઘણા એવા નિર્દોષ સીરામીક એકમો પણ છે જેને જાહેરમાં કોલગેસના વેસ્ટનો નિકાલ કર્યો નથી.

તાજેતરમાં એનજીટીના આદેશને પગલે સીરામીક ઉદ્યોગોમાં વપરાતા કોલગેસીફાયરના વપરાશ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જો કે ત્યારબાદથી તમામ સીરામીક એકમો નેચરલ ગેસ તરફ વળી ગયા છે. પરંતુ હવે એનજીટીની નિમાયેલી કમિટીના આદેશ મુજબ સીરામીક એકમો પાસેથી ઇન્ટ્રીમ એનવાયરમેન્ટ કોમ્પોનસેશન ચાર્જ પેટે દંડ વસુલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં સીરામીક ઉદ્યોગોએ ભૂતકાળમાં કોલગેસીફાયરનો વપરાશ કર્યો તેનો દંડ ફટકારવામાં આવ્યો છે.

જીપીસીબી દ્વારા એનજીટીના આદેશને પગલે મોરબીના 608 સીરામીક એકમોને દંડની નોટિસો ફટકારવામાં આવી છે. જેમાં કોલગેસીફાયર વાપરવાના એક દિવસના રૂ. 5 હજાર અને એક વર્ષના રૂ. 18.5 લાખ લેખે પેનલ્ટી ફટકરાઈ છે. સીરામીક ઉદ્યોગોને રૂ. 40 લાખથી લઈને એક કરોડ સુધીની પેનલ્ટી મળી છે. આ નોટિસમાં જ્યારથી જે તે સિરામિક ઉદ્યોગે કોલગેસીફાયરનું ઈન્સ્ટોલેશન કરાવ્યું હોય ત્યારે થી લઈને જ્યારે તેને કોલગેસીફાયર બંધ કર્યુ ત્યાં સુધીનો સમયગાળો ગણી લેવામાં આવ્યો છે. જીપીસીબી દ્વારા તમામ નોટિસોમા કુલ અંદાજીત રૂ. 400 કરોડનો દંડ ફટકરાયો હોવાનું જાણવા મળ્યું છે. નોટિસમાં આ દંડ દિવસ 30મા ભરી દેવાનો હુકમ કરવામાં આવ્યો છે.

- text

હાલ મોરબીનો સીરામીક ઉદ્યોગ મંદીનો માર સહન કરી રહ્યો છે. તેવામાં આવડા મોટા દંડથી ઉદ્યોગની કમર તૂટી જાય તેવી દહેશત જોવા મળી રહી છે. વધુમાં ઉદ્યોગકારો એવું પણ જણાવી રહ્યા છે કે કોલગેસીફાયર પ્રદુષણ ફેલાવતું નથી તેવું ટ્રાયલ રન જોઈને કોલગેસીફાયરને મંજુર કરાયો હતો. બાદમાં ઉદ્યોગોએ તેનો વપરાશ શરૂ કર્યો હતો.ઉપરાંત હાલ દંડનીય કાર્યવાહી થઈ છે. તેમાં અનેક નિર્દોષ ઉદ્યોગો પણ ભોગ લેવાયા છે. અનેક ઉદ્યોગો એવા પણ હતા જે વેસ્ટનો નિકાલ નિયમ મુજબ જ કરતા હતા. જાહેરમાં જે વેસ્ટનો નિકાલ કરતા તેની સાથે નિર્દોષોને પણ દંડ ફટકારવામાં આવી રહ્યો છે. હાલ આ ઉદ્યોગ ઘણી સમસ્યા સામે ઝઝૂમી રહ્યો છે. તેવામાં ભૂતકાળમાં વાપરેલા કોલગેસીફાયર ઉપર દંડ ફટકારવાની કાર્યવાહીથી સીરામીક ઉદ્યોગોને આર્થિક માર સહન કરવો પડશે.


સીરામીક ઉદ્યોગને પતાવવા માટેનું ષડયંત્ર ?

ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ જે સીરામીક ઉદ્યોગ વિશ્વફલક ઉપર ચમકેલો છે. તેને સ્થાનિક કક્ષાએથી એક પછી એક મુશ્કેલીઓ આવી રહી છે. આ ઉદ્યોગ અર્થતંત્રમા મહત્વનો ભાગ ભજવે છે. અને હજુ વધુ મજબૂત બને તે નક્કી છે. ત્યારે આ ઉદ્યોગને પ્રોત્સાહન મળવાને બદલે કોઈને કોઈ રીતે હેરાન કરવામાં આવી રહ્યો છે. જેના પરથી લાગી રહ્યું છે કે સીરામીક ઉદ્યોગને પતાવવા માટેનું કોઈ ષડયંત્ર રચાયું છે.


- text