મોરબી તાલુકા સેવાસદનમાં આધારકાર્ડની કામગીરી માટે સુપરવાઈઝરની નિમણુક કરવા માંગ

- text


મોરબી તાલુકા પંચાયતના સદસ્યોએ અધિક કલેકટરને રજુઆત કરી

મોરબી : મોરબી તાલુકા સેવાસદનમાં આધારકાર્ડની કામગીરી માટે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.તેથી મોરબી તાલુકા પંચાયતના સદસ્યોએ અધિક કલેકટરને રજુઆત કરી લોકોએ આધાર કાર્ડની કામગીરી માટે પડતી મુશ્કેલીઓ નિવારવા માટે અગાઉ નિષ્ઠાપૂર્વક કામગિરી કરનાર સામાજિક કાર્યકરની સુપરવાઇઝર તરીકે નિમણુક કરવાની માંગ ઉઠાવી છે.મોરબી તાલુકા પંચાયતના સદસ્યો લતાબેન ઘોડાસરા, બગથળા તાલુકા પંચાયત સદસ્ય રાજેન્દ્રભાઈ અગ્રાવત, માનસર ગ્રામ પંચાયત,તાલુકા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન સવિતાબેન બોપલીયા,નવા-જુના નાગડાવાસ, બેલા (આ) ગ્રામ પંચાયત, તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિ ચેરમેન અનિલભાઈ મોહનભાઇ, વનાળિયા ગ્રામ પંચાયત, બગથળા ગ્રામ પંચાયત,મોડપર ગ્રામ પંચાયત, માળીયા તાલુકા પંચાયતના સદસ્ય ધનજીભાઈ દેવજીભાઈ સરડવાએ અધિક કલેકટરને રજુઆત કરી હતી કે, મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી આધાર કાર્ડ કામગીરી ગોકળ ગાયની ગતિએ ચાલી રહી છે.જેમાં રિજેક્ટ થવાની ફરિયાદ અને લાંબા સમય સુધી વેઈટીંગ રહેતું હોવાથી આધાર કાર્ડની કામગીરી માટે લોકોને પારાવાર મુશ્કેલી ભોગવવી પડે છે.જેના કારણે અમુક લોકો તકનો લાભ ઉઠાવે છે અને લોકો પાસેથી વિવિધ પ્રકારે ગેરકાયદે ચાર્જ વસૂલીને આ કામગીરી કરાવે છે.જેમાં સરકારી કચેરીઓ અને બેન્ક જેવી શાળાઓમાં પણ આ પ્રકારની ફરિયાદો ઉઠે છે.તેથી લોકોની આ મુશ્કેલી નિવરાવવા માટે આધારકાર્ડની કામગીરીમાં સંપૂણ નિપુણ અને બહોળો અનુભવ ધરાવતા બેન્ક ઓફ ઇન્ડિયા શાખામાં ફરજ બજાવતા કાસમભાઈ સુમરાને મોરબી તાલુકા સેવાસદનમાં આધાર કાર્ડની કામગીરી માટે વધારાનો સુપરવાઇઝરનો ચાર્જ સોંપવા અથવા તેમની નિમણુક કરવાની માંગ કરી છે.જોકે તેઓ અગાઉ મોરબી જિલ્લામાં આધાર કાર્ડની કામગીરી બંધ થઈ હતી.ત્યારે તેમણે સંતોષકારક કામગીરી કરી હતી.આથી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

- text