મોરબી : નીંભર તંત્રના પાપે લોકો જાતે જ ગટર સમસ્યા ઉકેલવા મજબુર બન્યા

- text


મહેન્દ્રપરા અને માધાપરમાં બે માસથી ગટરની ભયંકર સમસ્યા હોવા છતાં તંત્ર સતત ઉઠા ભણાવતા અંતે કંટાળીને લોકોએ ગટરના પાણીનો નિકાલ કર્યો

મોરબી : મોરબીમાં નિભંર તંત્રના પાપે ગટરના ગંદા પાણી ભરવવાની સમસ્યા એટલી હદે વકરી છે કે, લોકોને પોતાના આરોગ્યના હિતને ધ્યાને લઈને જાતે જ ગટરની સમસ્યાનો ઉકેલ લાવવા મજબૂર બનવું પડ્યું છે.જેમાં મોરબીના મહેન્દ્રપરા અને માધાપર વિસ્તારમાં છેલ્લા બે માસથી લોકો ગટરની ગંદકીની ભયાનક યાતનાનો સામનો કરી રહ્યા છે.ગટરના ગંદા પાણી ભરવવાની ભયંકર સમસ્યા હોવા છતાં તંત્ર માત્ર ઉઠા જ ભણાવતા આખરે કંટાળીને લોકોને ગટરના ગંદા પાણીનો નિકાલ કરવો પડ્યો હતો.હવે તંત્રને શરમ આવશે ખરી તે કહેવું પણ મુશ્કેલ છે. મોરબીના માધાપર અને મહેન્દ્રપરા વિસ્તારમાં ગટરની ભયંકર ગંદકીએ પાલિકા તંત્રની બેદરકારીને કારણે માજા મૂકી છે.છેલ્લા બે માસથી આ વિસ્તારમાં ગટરની સમસ્યાએ આડો આંક વાળી દીધો છે.વરસાદને કારણે ગટરના ગંદા પાણી લોકોના ઘર સુધી છેક પહોંચી ગયા છે. ભૂગર્ભ ગટર ચોકઅપ હોવાથી પાણીનો નિકાલ ન થતા વરસાદથી મિશ્રિત ગટરના ગંદા પાણી આ વિસ્તારની શેરીઓમાં અને લકોના ધર પાસે ભરાઈ ગયા છે.તેથી માથું ફાડી નાંખે તેવી દુર્ગધ ફેલાઈ છે અને મચ્છરોનો ભારે ઉપદ્રવ થવાથી લોકો પર આરોગ્યનો મોટો ખતરો ઉભો થયો છે. એકંદરે તંત્રની અક્ષમ્ય બેદરકારીના પાપે આ બન્ને વિસ્તારના લોકો નર્કથી બદતર યાતના ભોગવી રહ્યા છે.

- text

ગટરના પાણી સતત ભરાયેલા રહેતા મહેન્દ્રપરા વિસ્તારના મુખ્ય રોડ પણ નાલા પાસે ખાડો પડી ગયા છે.જેના કારણે આ નાલું જોખમી બની જતા અનેક વાહનો તેમાં ફસાય છે.આ ઉપરાંત આ વિસ્તારના એક નિવૃત પાલિકાના કર્મચારીનું અવસાન થયા બાદ ઘર અને શેરીમાં ગંદા પાણી ભરાયા હોવાથી તેમની અંતિમક્રિયા કરવામાં મોટી સમસ્યા ઉદભવી હતી અને પાલિકાએ મોતનો.મલાજો પણ જાળવી શક્યું ન હતું.જ્યારે માધાપર વિસ્તારની પણ આવી જ ભયંકર દશા છે.જ્યાં ઘણા સમયથી ગટરના ગંદા પાણી ભરાયેલા છે.અનેક રજૂઆતો કરવા છતાં પાલિકા તંત્રના પેટનું પાણી હલ્યું નથી. તંત્ર મશીન મંગાવ્યું છે તેવા જ ઉઠા ભણાવે છે.જોકે મશીન આવી ગયું છતાં તંત્ર આળસ દાખવતા આખરે લોકોને જ પોતાની સમસ્યા ઉકેલવાનો પ્રયાસ કરવો પડ્યો હતો.જેમાં માધાપર મેઈન રોડ પર સ્થાનિક લોકોએ ગટરના ઢાંકણા ખોલીને ગટરના પાણીનો નિકાલ કર્યો હતો.ત્યારે તંત્રને હવે શરમ આવશે ખરી ?

- text