દિવસ વિશેષ : હસે તેનું ઘર વસે : હસતાં રહો, રમતાં રહો, સ્વસ્થ રહો, મસ્ત રહો

આજે વિશ્વ હાસ્ય દિવસ : આ દિવસ સૌ પ્રથમવાર 1998માં મુંબઈમાં ઉજવવામાં આવ્યો હતો

લાફ્ટર થેરાપી વડે સ્ટ્રેસમાંથી રાહત મળે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે

મોરબી : આજે મેના પહેલાં રવિવારે સમગ્ર વિશ્વમાં હાસ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે. ચહેરા પરનું હળવું સ્મિત તમામ દુ:ખ દૂર કરી દે છે, આવી સ્થિતિમાં દિલ ખોલીને હસવાથી તમારી ચિંતાઓ દૂર થઈ જાય છે, સાથે જ શરીરમાં સકારાત્મકતાનો સંચાર પણ થાય છે. આ વાતને ધ્યાનમાં રાખીને હવે દરેક જગ્યાએ લાફ્ટર થેરાપીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જ્યાં એક તરફ લોકોને સ્ટ્રેસમાંથી રાહત મળી રહી છે તો બીજી તરફ તેમના શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર પણ થાય છે.

કહેવાય છે કે ‘હસે તેનું ઘર વસે’. મનોવૈજ્ઞાનિક સંશોધનો દર્શાવે છે કે જે બાળકો વધુ હસતા હોય છે તે વધુ હોશિયાર હોય છે. હાસ્ય દરેક વ્યક્તિના શારીરિક અને માનસિક વિકાસમાં ખૂબ મદદરૂપ થાય છે. આજે દરેક વ્યક્તિની અંદર અસંતોષ- બેચેની અને ડર છે. આવી સ્થિતિમાં હાસ્ય સમગ્ર વિશ્વમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરી શકે છે.


વિશ્વ હાસ્ય દિવસનો ઈતિહાસ

વિશ્વ હાસ્ય દિવસની શરૂઆત ભારતમાં થઈ છે. આ દિવસ સૌ પ્રથમવાર 10 મે, 1998ના રોજ મુંબઈમાં ઉજવવામાં આવ્યો હતો. વિશ્વ હાસ્ય દિવસની શરૂઆત લાફ્ટર યોગ ચળવળના સ્થાપક ડો. મદન કટારિયા દ્વારા કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે મે મહિનાના પહેલા રવિવારને વિશ્વ હાસ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ હાસ્ય દ્વારા લોકોમાં પરસ્પર પ્રેમ અને સંવાદિતાને પ્રોત્સાહન આપવાનો છે.


લાફ્ટર થેરાપી વડે તણાવથી રાહત

યોગની સાથે લાફ્ટર થેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં યોગ અને પ્રાણાયામની સાથે લાફ્ટર થેરાપી પણ થોડા સમય માટે કરવામાં આવે છે. યોગ અને પ્રાણાયામ દ્વારા, લોકો સ્વસ્થ રહેવાના માર્ગો શોધે છે, મોટાભાગે આવા લોકો તેમના યોગ કેન્દ્રોમાં આવે છે જેઓ તણાવ અને અસ્તવ્યસ્ત દિનચર્યાને કારણે પરેશાન હોય છે. યોગની સાથે લાફ્ટર થેરાપીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, આ લાફ્ટર થેરાપી દ્વારા ખુલ્લેઆમ હસવાની સાથે તાળીઓ વગાડવાથી પણ શરીરમાં એનર્જીનો સંચાર થાય છે જેના દ્વારા લોકોને તણાવમાંથી રાહત મળે છે.