મોરબી જિલ્લાના માલધારીઓને આધુનિક પશુપાલન તરફ રાહ ચીંધતી માલધારી શિબિર

- text


તાલિમ શિબિરમાં માલધારીઓને આધુનિક ઢબે ઘેટાં-બકરાં પાલન, રોગો અને તે માટેના પગલાં, તેમના આહાર માટેની સમજ અપાય છે

મોરબી : સાતત્યપૂર્ણ વિકાસ માટે બધા ક્ષેત્રો એકસાથે ચાલે તે અનિવાર્ય છે. રાજ્ય સરકાર પણ તમામ ક્ષેત્રનો વિકાસ થાય તે માટે કટિબદ્ધ છે ત્યારે માલધારી સમાજ પણ પશુપાલન ક્ષેત્રે આધુનિકતા તરફ વળે તે માટે વિવિધ આયોજનો હાથ ધરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ઘેટાં-બકરાં પાલનને આધુનિક ઢબે વિકસાવવા અને માલધારીઓ શ્રેષ્ઠ અને વધુ સંખ્યામાં ઘેટાં-બકરાં પાલન તરફ વળે તે માટે પશુપાલન ખાતા દ્વારા વિવિધ સ્થાનો પર માલધારી શિબિરોનું આયોજન કરવામાં આવે છે.

- text

આ શિબિરોમાં માલધારીઓને આધુનિક પદ્ધતિથી પશુપાલન કરવા માટે વિવિધ પદ્ધતિઓ દ્વારા તાલિમ આપીને સમજ આપવામાં આવે છે. માલધારી શિબિર માલધારીઓ અને પશુપાલકો માટે માર્ગદર્શક બની રહે છે. આ શિબિરમાં તાલિમાર્થીઓને પશુપાલન ખાતા સાથે સંકળાયેલ વિવિધ યોજનાઓ, કાર્યક્રમો અને શિબિરોનું આયોજન કરવામાં આવે છે. મદદનીશ પશુપાલન કચેરી, મોરબી દ્વારા પાનેલી ફાર્મ ખાતે પાટણવાડી અને ડુમ્બા ઓલાદના નર ઘેટાં અને ઝાલાવાડી ઓલાદના નર બોકડાનો ઉછેર કરી સંવર્ધન કરી ગામડાઓમાં માલધારીઓને ફાળવવામાં આવે છે. પશુપાલન વિભાગ દ્વારા વિવિધ મેળાઓમાં પણ પશુ પ્રદર્શન, ચાર્ટ દ્વારા પશુપાલન અંગે જાણકારી અને પશુપાલન વિભાગ દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમો આયોજન કરી માલધારીઓને પ્રત્યક્ષ ભાગ લેવા માટે આમંત્રણ પાઠવવામાં આવે છે.
વાર્ષિક આયોજન મુજબ પશુપાલન કચેરી દ્વારા વર્ષ દરમિયાન ૬ માલધારી શિબિરનું આયોજન કરવામાં આવે છે. આ શિબિરમાં માલધારીઓને આધુનિક ઢબે ઘેટાં-બકરાં પાલન, રોગો અને તે માટેના પગલાં, તેમના આહાર માટેની સમજ જેવા અનેકવિધ પાસાઓ ઉપર સમજ આપીને માલધારીઓને આધુનિક પશુપાલન તરફ વાળવામાં આવી રહ્યા છે. પશુપાલન વિભાગ દ્વારા અત્યાર સુધી ત્રણ માલધારી શિબિરનું આયોજન પૂર્ણ થઇ ચૂક્યું છે. આ શિબિર સાવડી (ટંકારા), ખોડાપીપર (પડધરી), તીથવા (વાંકાનેર) જેવા સ્થાનો પર શિબિર યોજાઇ ગઇ છે જ્યારે આગામી તા.૨૧મી સપ્ટેમ્બરના ચકમપર (મોરબી), તા.૮મી ઓક્ટોબરના વેણાસર (માળિયા), તા.૧૨ઓક્ટોબરના રોજ વાલાસણ (વાંકાનેર)માં શિબિરનું આયોજન કરવામાં આવેલ છે.

- text