મોરબીમાં શાળાકક્ષાથી લઈ જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભનું આયોજન

- text


૩૩ પ્રકારની રમતો માટે ૬૦૧૮૩ સ્પર્ધકોની નોંધણી : એથ્લેટીક્સમાં સૌથી વધુ ૩૪૬૭૭ સ્પર્ધકો

મોરબી : મોરબી જિલ્લામાં આગામી તા. ૧૯ થી ૩ નવેમ્બર દરમિયાન આયોજિત થનારા ખેલ મહાકુંભની તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે ત્યારે આ ખેલ મહાકુંભમાં શાળા, ગ્રામ્ય, તાલુકા અને જિલ્લાકક્ષાના આયોજનમાં કુલ ૩૩ પ્રકારની રમતો માટે ૬૦૧૮૩ સ્પર્ધકોની નોંધણી થઈ છે જેમાં એથ્લેટીક્સમાં સૌથી વધુ ૩૪૬૭૭ સ્પર્ધકો નોંધાયા છે.

જિલ્લા રમત ગમત અધિકારી કચેરી મોરબી દ્વારા આગામી તા. ૧૯ થી ૩ નવેમ્બર દરમિયાન શાળાકક્ષાથી માંડી જિલ્લાકક્ષાના ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે, આ સ્પર્ધાઓ માટે મોરબી જિલ્લામાં કુલ ૬૦૧૮૩ સ્પર્ધકોની નોંધણી થઈ છે.

ખેલ મહાકુંભના આયોજન અંગે વિગતો આપતા મોરબી જિલ્લાના રમત ગમત અધિકારી પ્રવિણાબેન પડોધરાએ જણાવ્યું હતું કે, તા. ૧૯ થી ખેલ મહાકુંભની શરૂઆત થશે જેમાં ૧૯ થી ૨૧ તારીખ દરમિયાન શાળા અને ગ્રામ્યકક્ષા, તા.૨૨ થી ૨૬ તાલુકા કક્ષાએ ખેલ મહાકુંભ અને ૨૦ ઓક્ટોમ્બરથી ૩ નવેમ્બર દરમિયાન જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવશે.

- text

જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભમાં કુસ્તી, ફૂટબોલ, ટેબલ ટેનિસ, બાસ્કેટ બોલ, ચેસ, સ્વિમિંગ સહિતની વિવિધ ૨૧ રમત ગમતનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વધુમાં ખેલ મહાકુંભમાં ૯ વર્ષથી લઈ ૬૦ વર્ષ સુધીના સ્પર્ધકો જુદી – જુદી વયજૂથની સ્પર્ધાઓમાં ભાગ લેશે, મોરબી જિલ્લામાં ખેલ મહાકુંભમાં જુદી જુદી રમતોમાં કુલ ૬૦૧૮૩ સ્પર્ધકો નોંધાયા છે, જેમાં હળવદ તાલુકામાં ૧૧૭૯૩, વાંકાનેરમાં ૧૦૮૦૯, મોરબીમાં ૨૨૨૩૧, માળીયા (મી.)માં ૫૬૧૫ અને ટંકારા તાલુકામાંથી ૯૭૪૧ સ્પર્ધકોએ નોંધણી કરાવી છે, નોંધનીય છે કે જુદી જુદી રમતો પૈકી મોરબી જિલ્લામાં ૩૪૬૭૭ સ્પર્ધકોએ એથ્લેટીક્સ ગેમમાં એન્ટ્રી કરાવી છે.

- text