વાંકાનેર સીટી પોલીસને ગરીબોથી સુગ : સાડાત્રણ માસ વીતવા છતાં ચોરીની ફરિયાદ લેવામાં ઉહું

- text


ધનિકોના ઘરે જઈ એફઆરઆઈ નોંધતી પોલીસની દાનત સામે શંકા

વાંકાનેર : મોરબી જીલ્લામાં વાંકાનેર સિટી પોલીસની પ્રજાલક્ષી કામગીરી જોવા જેવી છે !! રાજકીય અગ્રણી કે પૈસાદાર માણસો ના એક ફોન પર ઘરે એફ. આર. આઈ. લેવા જાય પરંતુ નાના માણસોને સાંભળનારું કોઈ નહીં. ઉચ્ચ અધિકારીઓ સુરક્ષા સેતુ કે મહિલા સુરક્ષા અને સ્વાવલંબનને લગતા પ્રોગ્રામ કરી સ્ટાફને પ્રજાના મિત્રો બની કામગીરી કરવાનું કહે છે પરંતુ લોકલ અધિકારીઓ ફક્ત અને ફક્ત વહીવટી કામગીરીના ભાગરૂપે આ કાર્યક્રમોમાં હાજરી આપે છે પરંતુ પ્રજાલક્ષી કામગીરી કરવામાં જરા પણ રસ ન હોય પ્રજા પોલીસને મિત્રની જગ્યા એ શંકાશીલ નજરે જ જુએ છે, આવી જ એક ઘટનામાં પોલીસ છેલ્લા સાડાત્રણ માસથી ચોરીની ફરિયાદ નોંધવામાં ઉહું કરી રહી હોય પોલીસની કામગીરી શંકાના પરિધમાં આવી છે.

વાંકાનેર સિટીમાં તારીખ ૧૧-૫-૨૦૧૮ ના રોજ દરબારગઢ રોડ પર ભાટિયા શેરીમાં આવેલ મકાનમાં અંદાજિત એક લાખના મુદ્દામાલની ચોરીનો બનાવ બનેલ ઘરના પુરૂષ સભ્યો બહારગામ મજૂરી કરવા ગયેલ હોય ઘરમાં સ્ત્રીઓની જ હાજરીમાં આ બનાવ બનેલ હતો. આ મામલે દક્ષાબેન પ્રતાપભાઈ ચુડાસમા વાંકાનેર સીટી પોલીસ મથકે આ બનાવની જાણ કરવા ગયેલ અને વાંકાનેર સિટી પોલીસ સ્ટાફ ઘરની તપાસ માટે આવેલ અને ઘરની બધી બાબતોની તપાસ અને નિવેદનો લઇ ગયા બાદ આજ સુધી પોલીસ ચોપડે આ ચોરીની કોઈ જાતની FIR લેવામાં આવેલ નથી.

- text

ફરિયાદી અવારનવાર પોલીસ સ્ટેશનના ધક્કા ખાય થાકી ગયેલ અને લાગતા-વળગતા ને ભલામણ માટે ફોન કરેલ પરંતુ આજદિન સુધી વાંકાનેર પોલીસે એફ.આઇ.આર. કરવાની તસ્દી લીધેલ નથી. આ ચોરીમાં ઘરની માલમતા સાથે એક મોબાઇલ સીમ કાર્ડ જેના નંબર 9979043509 ની ચોરી થયેલ જે નંબર પણ પોલીસ સ્ટેશનને આપેલ જેના આધારે આ ચોરીનો ભેદ ઉકેલાય જાય તેમ છે છતાં પણ વાંકાનેર સિટી પોલીસ કેમ તપાસ નથી કરતી તે સમજાતું નથી.

શું સામાન્ય માણસનો અવાજ સાંભળનાર કોઈ નથી ? આ નાના માણસો મજૂરી કરી બે ટંકનું માંડ ભેગું કરતા હોય તેની મરણમૂડી સમાન ઘરના ચાંદીના ઘરેણાં કે રોકડ રકમ ચોરાઈ જાય તો તેના પર કેવી આફત પડે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે, પરંતુ પોલીસ પ્રજાનો મિત્ર છે એ તો સ્લોગન માં જ દેખાય છે અહીં તો પોલીસ જ ફરિયાદી પ્રત્યે દ્વેષભાવ રાખી રહી છે.

- text