પુષ્પા ઝુકેગા નહિ સાલા… વાંકાનેરમાં ચોરી કરે તે પહેલાં તસ્કર ત્રિપુટી ઝડપાઇ

- text


આઠ જેટલા ચોરીના ગુનાની કબૂલાત આપનાર મુખ્ય સૂત્રધાર અને તેના બે સાગરીતોને ઝડપી લેવામાં વાંકાનેર તાલુકા પોલીસને સફળતા મળી

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફે આજે વાંકાનેરમાં ચોરીના બનાવને અંજામ આપે તે પહેલાં જ તસ્કર ત્રિપુટીને ઝડપી લીધી હતી. આઠ જેટલા ચોરીના ગુનાની કબૂલાત આપનાર મુખ્ય સૂત્રધાર અને પુષ્પા ઉપનામ ધારી તસ્કર સહિતના બે સાગરીતોને ઝડપી લેવામાં વાંકાનેર તાલુકા પોલીસને સફળતા મળી છે. પોલીસે આ ચોરી ત્રિપુટી પાસેથી ચોરાઉ બાઇક અને મોબાઈલો સહિતનો મુદામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.

વાંકાનેર તાલુકા ઢુવા ચોકડી પાસેથી રીઢા ચોરને તેના સાગરીતોની સાથે તાલુકા પોલીસે ઝડપી લીધા છે અને ચોરની ટોળકી બનાવી ચોરીના ગુન્હાને અંજામ આપે તે પહેલા ઝડપી લેવાયા છે. જેમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફ આજે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન ઢુવા માટેલ રોડ, ભવાની હોટલ પાસેથી આરોપી ગૌતમભાઇ ઉર્ફે ગવો ટપુભાઇ ડાભી (રહે.થાન દલવાડી નગર રૂપાવટી રોડ,જી.સુરેન્દ્રનગર) અમીત ઉર્ફે પુષ્પા દીલીપભાઇ પરમાર (ઉવ.રર રહે મેલડીમાં મંદીર રૂપાવટી ચોકડી, રામા ધણીનો નેસડો જી.સુરેન્દ્રનગર), હિતેશભાઇ દયારામભાઇ કણઝારીયા (ઉવ.૩૫ રહે.થાનગઢ પોલીસ સ્ટેશન પાછળ ભોંયરેશ્વર મહાદેવ મંદિર પાસે જી.સુરેન્દ્રનગર)ને ઝડપી લઈ તપાસ કરતા જુદી જુદી જગ્યાની રેકી કરી અલગ અલગ સમયે અલગ અલગ પ્રકારના મીલ્કત સંબંધીત ગુન્હાઓ કરવા રીઢા ચોરની ટોળકી બનાવી ચોરીઓના ગુનાઓ આચરેલ હોવાનુ ખુલ્યું હતું.

- text

પોકેટ કોપ મોબાઇલ ફોનમાં સર્ચ કરતા મુખ્ય સૂત્રધાર ગૌતમભાઇ ઉર્ફે ગવો ટપુભાઇ ડાભીએ અગાઉ વાહન ચોરીના કુલ-૮ ગુનાઓ આચરેલ હોવાનુ જણાતા આ ત્રણેય ઇસમોએ ચોરની ટોળકી બનાવી ચોરી કરવાના સાધનો ગુલાબી હાથાવાળુ કટર કી.રૂ.૫૦/-, ડીસમીસ કી.રૂ.૨૦/-તથા, અલગ અલગ મો.સા.ની ચાવીઓ નંગ-૫, મોબાઇલ ફોન નંગ.-૬ કી.રૂ.૨૨,૫૦૦, મો.સા.કી.રૂ.૫૦,૦૦૦ મળી કુલ રૂ.૭૨૫૭૦ ના મુદામાલ સાથે ચોરીના ગુન્હાને અંજામ આપવાના ઇરાદે આવતા શંકાસ્પદ હાલતમાં મળી આવતા ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજી.કરવામાં આવેલ છે.તેમજ આરોપીઓએ અલગ અલગ જગ્યાએ વાહન ચોરી તથા મોબાઇલ ચોરી કર્યાની કબુલાત આપી છે.

- text