મોરબીમાં માઝા મુકતા વ્યાજખોરો, યુવાનને જાહેરમાં માર માર્યો

- text


40 હજારના 30 હજાર ચૂકવ્યા છતાં 80 હજારની ઉઘરાણી કરી મારી નાખવા ધમકી

મોરબી : મોરબીમાં પઠાણી વ્યાજ વસુલતા વ્યાજખોરો હવે બેખૌફ બન્યા હોય તેવી સ્થિતિ વચ્ચે તાજેતરમાં કારખાનેદાર યુવાનના સોનાના દાગીના પડાવી લઈ ગામ મુકવા મજબુર કર્યાની ઘટના હજુ તાજી જ છે ત્યાં શુક્રવારે 40 હજારનું 80 હજાર વ્યાજ વસૂલવા બે વ્યાજખોરોએ વ્યાજે નાણાં લેનારના ભાઈને નવા બસસ્ટેન્ડ નજીક જાહેરમાં માર મારી જાનથી પતાવી દેવા ધમકી આપતા બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

વ્યાજખોરીના આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીની ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા દશરથભાઈ સુરેશભાઈ ડાભી નામના યુવાને સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી વ્યાજખોર દિવ્યેશ રબારી અને વિશાલ રબારી રહે.શનાળા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, બે મહિના પહેલા તેમના ભાઈ જ્યેન્દ્રએ આરોપીઓ પાસેથી ઉંચા વ્યાજે રૂપિયા 40 હજાર લઈ બાદમાં 30 હજાર ચૂકવી આપ્યા હોવા છતાં વ્યાજખોરોએ 80 હજારની ઉઘરાણી કરતા એક મહિનામાં પૈસા આપી દેવા ફરિયાદી દશરથભાઈએ ફોનમાં વાયદો કર્યો હતો.

જો કે, વ્યાજખોરોને એક મહિનામાં પૈસા ન ચૂકવી શકતા શુક્રવારે દશરથભાઈ નવા બસસ્ટેન્ડ પાસે જતા આરોપી દિવ્યેશ અને વિશાલ રબારીએ ભૂંડા બોલી ગાળો આપી ઢીકા પાટુનો મૂંઢ માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા સીટી એ ડિવિઝન પોલીસે બનાવ અંગે દશરથભાઈની ફરિયાદને આધારે બન્ને વ્યાજખોરો વિરુદ્ધ નાણાં ધીરધારની કલમો તેમજ આઇપીસી મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text