મોરબીમાં ઓટો રીક્ષાનો અરીસો તૂટતાં ખૂની ખેલ ખેલાયો, 4 ઘાયલ 

- text


સબ જેલ નજીક રોંગ સાઈડમાંથી સાઈડ કાપી રહેલા રીક્ષા ચાલકની દાદાગીરી : ચાર શખ્સોએ નવાગામ સુધી પીછો કરી હુમલો કર્યો 

મોરબી : મોરબીના લીલાપર રોડ ઉપર સબ જેલ નજીક રોંગ સાઈડમાંથી સાઈડ કાપી રહેલા રીક્ષા ચાલકનો સાઈડનો અરીસો તૂટી જતા નુકશાનીના પૈસા આપી દેવા તૈયાર હોવા છતાં અન્ય રીક્ષા ચાલકની રીક્ષાનો પીછો કરી ચાર ઈસમોએ લોખંડના પાઇપ, છરી સહિતના હથિયાર વડે હુમલો કરી મહિલા સહીત ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચાડતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે મોરબીના નવાગામ (લગધીરનગર) ગામે રહેતા રીક્ષા ચાલક અશોક નાથાભાઈ ઝંઝવાડિયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી કરણ જેરામ સુરેલા, આરીફ જાનમામદ સુમરા, ઇમરાન જાનમામદ સુમરા અને મકસુદ મહેબુબ ફકીર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે પોતે મોરબીની શાકમાર્કેટથી પેસેન્જર ભરીને જતા હતા ત્યારે સબ જેલ નજીક પેસેન્જર ઉતારવા માટે રીક્ષા સાઈડમાં લેવા જતા પાછળ રોન્ગ સાઈડમાંથી સાઈડ કાપી રહેલ કરણ જેરામ સુરેલાની રીક્ષા સાથે અકસ્માત થયો હતો અને કરણની રીક્ષાનો અરીસો વળી જતા ફરિયાદી અશોકે કરણને ઝઘડો નહીં કરવા કહી પોતે નુકશાનીના પૈસા આપવા તૈયાર હોવાનું કહ્યું હતું. જોકે આરોપી કરણે અશોકનો મોબાઈલ નંબર આપવા કહી જતો રહ્યો હતો.

- text

બાદમાં સાંજના સમયે આરોપી કરણે અશોકને ફોન કરી કહ્યું હતું કે, તું લીલાપર ચોકડી આવ તને મારવો છે જેથી અશોકને ડર લાગતા ચોકડી તરફ જવાને બદલે બીજા રસ્તેથી પોતાના ઘેર નવાગામ જતો હતો ત્યારે લક્ષ્મી ગેઇટ પાસે આરોપી કરણ જેરામ સુરેલા, આરીફ જાનમામદ સુમરા, ઇમરાન જાનમામદ સુમરા અને મકસુદ મહેબુબ ફકીર ત્રણ અલગ અલગ રીક્ષામાં આડા ઉભા રહી અશોકને આંતરવા પ્રયાસ કરતા અશોક રીક્ષાનું કેવું મારી નવાગામ તરફ ભાગતા ત્રણેય રીક્ષામાં પીછો કરી આરોપીઓએ નવાગામ ગામના ઝાંપા પાસેથી અશોકને પકડી પાઇપ, ધોકા, છરી વડે હુમલો કર્યો હતો.

વધુમાં ઝઘડાને કારણે નજીકમાં જ રહેતા અશોકના ભાઈ ભુપત , ભત્રીજો કિશન અને પત્ની સંગીતાબેન આવી જતા ચારેય આરોપીઓએ તેમના ઉપર પણ હુમલો કરી અશોકને હાથમાં છરીના ઘા ઝીકી દીધા હતા અને ભૂપતભાઈને માથામાં પાઇપના ઘા ઝીકી દેતા બેભાન હાલતમાં ભૂપતભાઈ સહીત તમામને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા,

બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અશોકની ફરિયાદને આધારે લીલાપર રોડ મોરબી ખાતે રહેતા આરોપી કરણ જેરામ સુરેલા, આરીફ જાનમામદ સુમરા, ઇમરાન જાનમામદ સુમરા અને મકસુદ મહેબુબ ફકીર વિરુદ્ધ આઇપીસી કલમ 323,324,326,504, 506(2),114 અને જીપી એક્ટની કલમ 135 મુજબ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- text