મોરબીમાં ભરબજારે ધોળે દહાડે લેબર કોન્ટ્રાક્ટરનું અપહરણ

- text


 

કારખાનામાં કામ કરતી સગીરા બહેનપણી સાથે કપડાંની ખરીદી કરવા જતી રહેતા કોન્ટ્રાકટર શોધવા ગયો ને બે શખ્સ અને યુવતીએ અપહરણ કર્યું

મોરબી : મોરબીમાં રેન્જ આઈજીના કાયદો વ્યવસ્થાની સ્થિતિના ઇન્સ્પેકશન વખતે જ લોકોની અવરજવરથી ભરચકક એવા તખ્તસિંહજી રોડ ઉપરથી મોરબીના લેબર કોન્ટ્રાક્ટરનું નજીવા કારણસર એક યુવતી અને બે શખ્સોએ સ્કોર્પિયો કારમાં અપહરણ કરતા સનસનાટી મચી ગઇ છે, જો કે અપહરણકારોને ભીંસ પડતા યુવાનને મોરબી રેલવે સ્ટેશન નજીક મુક્ત કરી દીધો હતો. નોંધનીય છે કે, જે કોન્ટ્રાક્ટરનું અપહરણ થયું હતું તે યુવાનનું થોડા સમય પહેલા ઉત્તરપ્રદેશમાં પણ અપહરણ કરતા ધારાસભ્યની જાગૃતતાથી મુક્તિ થઈ હતી.

મોરબીમાં ભરબજારે ધોળે દહાડે લેબર કોન્ટ્રાક્ટરનું અપહરણ થવા અંગેની ઘટનાની વિગતો જોઈએ તો શહેરના પંચાસર રોડ ઉપર મુનનગર ચોક પાસે રહેતા અને લાતીપ્લોટ શેરી નંબર 5 અને 6ની વચ્ચે આવેલ સૂર્યા પ્લાસ્ટિક નામના કારખાનામાં લેબર કોન્ટ્રાકટ ધરાવતા હિતેશભાઈ બાબુલાલ રામાવતના કારખાનામાં કામ કરતી સગીરા આજે કારખાને કોઈને જાણ કર્યા વગર તેની બહેનપણી માયા રહે. વવાણીયા સાથે બજારમાં ખરીદી કરવા ચાલી જતા સગીરાની માતાએ લેબર કોન્ટ્રાકટર હિતેશભાઈને કહ્યું હતું કે, તેમની પુત્રી હાલ તખ્તસિંહજી રોડ ઉપર આવેલ નવયુગ સિલેક્શન પાસે હોય તેમને કારખાને પરત લઈ આવો.

બીજી તરફ સગીરાની માતાના કહેવાથી હિતેશભાઈ રામાવત સગીરાને લેવા માટે નવયુગ સિલેક્શન જતા ફરી ફોન આવ્યો હતો કે, સગીરા મહેશ્વરી કોલ્ડડ્રિંક્સ પાસે આવે છે ત્યાંથી લઈ આવો. જો કે સગીરા માયા સાથે કોલ્ડડ્રિંક્સની દુકાને આવતા હિતેશભાઈએ સગીરાને કારખાનેથી કેમ જતી રહી તેમ કહેતા માયા સાથે ખરીદી કરવા આવી હોવાનું કહેતાં હિતેશભાઈએ હવે ખરીદી કરી લીધી હોય કારખાને પરત આવવા કહેતા તેણીએ ના પાડી હતી અને હજુ કપડા લેવા છે તેમ કહેતા ફરી નવયુગ સિલેક્શન નામની દુકાને ગયા હતા.

- text

જો કે સગીરા નવયુગ સિલેક્શનમા આવતા હિતેશભાઈને શંકા ગઈ હતી અને તેને સગીરાને કહ્યું હતું કે, તમેં અહીં આવ્યા હોય એવું મને નથી લાગતું મારે સીસીટીવી ચેક કરવા જોશે તેમ કહેતા જ માયા નામની યુવતી સાઈડમાં ગઈ હતી અને ફોન કરી સલીમ તેમજ રફીક નામના શખ્સોને બોલાવી લીધા હતા હિતેશભાઈ તરફ ઈશારો કરી કહ્યું હતું કે આને જ આપણો પ્લાન બગાડી નાખ્યો છે. તેમ કહેતા બન્ને શખ્સોએ હિતેશભાઈ ઉપર હુમલો કરી યુવતી સહિતના ત્રણેય શખ્સોએ સ્કોર્પિયો ગાડીમાં બેસાડી અપહરણ કર્યું હતું. જો કે સરાજાહેર બનેલી ઘટના અંગે કોઈએ પોલીસને જાણ કરતા સીટી એ ડિવિઝન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પરંતુ અપહરણકાર હિતેશભાઈને લઈ રેલવે સ્ટેશન તરફ ભાગ્યા હતા જ્યા આગળ જતા હિતેશભાઈના ભાઈ અને અન્ય લોકો આવી જતા અપહરણ કરનારા લોકો હિતેશભાઈને ઉતારી નાસી ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, જેમનું અપહરણ થયું હતું તેવા હિતેશભાઈ રામાવતનું તાજેતરમાં ઉત્તરપ્રદેશ ખાતે પણ અપહરણ થયું હતું અને ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની જાગૃતતાથી તેમની મુક્તિ થઈ હતી. આ સંજોગોમાં આજે ફરી હિતેશભાઈનું અપહરણ બાદ મુક્તિનો ઘટનાક્રમ સર્જાતા મોરબી સીટી દ ડીવીઝન પોલીસ મથકમાં માયા, સલીમ અને રફીક નામના અપહરણ કરનારા વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

 

- text