મિતાણા ઓવરબ્રિઝ સર્વિસ રોડનો પ્રશ્ન ઉકેલવા માર્ગ અને મકાન વિભાગના પ્રયાસો

- text


ચાર ખેડૂત ખાતેદારો જમીન સંપાદન પ્રશ્ને મચક ન આપતા હાઇવે ચાલુ થવા છતાં સર્વિસ રોડ અધૂરો : સમજાવટના પ્રયાસો અર્થહીન

મોરબી : રાજકોટ – મોરબી હાઈવેના ચારમાર્ગીય પ્રોજેક્ટમાં મિતાણા ઓવરબ્રિઝના સર્વિસ રોડમાં કપાતમાં જતી જમીન આપવાનો ઇન્કાર કરનાર ચાર ખેડૂત ખાતેદારોને માનવવા હજુ પણ પ્રયાસ ચાલી રહ્યા છે. જો કે જિલ્લા કલેકટરના ઢીલા વલણને કારણે હજારો વાહન ચાલકોને સર્વિસ રોડની સમસ્યા નડતર બની રહી હોય આજે માર્ગ અને મકાન વિભાગની ટીમોએ ખેડૂતોને મનાવવા વધુ એક નિરર્થક પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ – મોરબી હાઈવેના ચારમાર્ગીય પ્રોજેક્ટ અંતર્ગત મિતાણા ગામ ખાતે ઓવરબ્રિઝ નિર્માણ કરવામાં આવતા નિયમ મુજબ ઓવરબ્રિઝની બન્ને તરફ સર્વિસ રોડ આપવામાં આવે છે પરંતુ અહીં ચાર જેટલા ખેડૂતોએ જમીન સંપાદન મામલે વિરોધ કરતા એક તરફ સર્વિસ રોડ બની શક્યો નથી પરિણામે મિતાણા ગામમાં જવા માટે તેમજ અહીંથી વાંકાનેર તરફ જતા વાહનોને ફરજીયાત પણે રોન્ગ સાઈડમાં એક જ તરફના સર્વિસ રોડ તરફ ચાલી અકસ્માતના ભયનો સામનો કરવો પડે છે.

- text

બીજી તરફ મોરબી જિલ્લા કલેકટર તંત્ર દ્વારા વાહન ચાલકો માટે જોખમ ઉભું કરતા રોન્ગ સાઈડ સર્વિસ રોડ મામલે જમીન સંપાદન પ્રશ્નને ગંભીરતાથી ન લેવાતા હાઇવે પ્રોજેક્ટના પાંચ વર્ષ વીતવા છતાં આ પ્રશ્ન ઠેરનો ઠેર રહ્યો છે. જો કે આજે મોરબી માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દ્વારા સર્વિસ રોડ જમીન સંપાદન મામલે ખેડૂતોને સમજાવવા વધુ એક પ્રયાસ કર્યો હતો પરંતુ પ્રશ્ન ઉકેલાય તેવા કોઈ સંકેતો મળ્યા ન હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- text