દિવસ વિશેષ : માન્યતા છે કે ત્રેતાયુગમાં બ્રહ્માજીએ નૃત્ય વેદ તૈયાર કર્યુ, ત્યારથી દુનિયામાં નૃત્યની ઉત્પતિ થઈ

આજે ઇન્ટરનેશનલ ડાન્સ ડે : જાણો.. તેનો ઈતિહાસ અને ડાન્સ કરવાના ફાયદા

મોરબી : નૃત્ય એ માનવ સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. દુનિયાભરમાં દર વર્ષે તા. 29 એપ્રિલના રોજ ઇન્ટરનેશનલ ડાન્સ ડે ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસની ઉજવણીની શરૂઆત 29 એપ્રિલ, 1982ના રોજથી કરવામાં આવી રહી છે. યુનેસ્કોની સહયોગી ઇન્ટરનેશનલ થિયેટર ઓર્ગેનાઇઝેશનની ઇન્ટરનેશનલ ડાન્સ કમિટીએ 29 એપ્રિલને ડાન્સ ડે તરીકે સ્થાપિત કર્યો છે. મહાન સુધારક જીન-જ્યોર્જ નાવારેના જન્મની યાદમાં આ દિવસને આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

દુનિયાભરમાં ઇન્ટરનેશનલ ડાન્સ ડેની ઉજવણીનો હેતુ લોકોમાં નૃત્યના મહત્વને જાગૃત કરવાનો છે. આ ઉજવણીનો મુખ્ય હેતુ લોકોમાં નૃત્યનાં મહત્વ પ્રત્યે જાગરુકતા ઉત્પન્ન કરવાનો તથા વિશ્વભરની સરકારોને, નૃત્યનું શિક્ષણ આપતી સવલતો ઉભી કરવા માટે મનાવવાનો છે. અને નૃત્યને દુનિયામાં પ્રોત્સાહન આપવાનો અને તેના મહત્વને જણાવવાનો છે.


ભારતીય પ્રાચીન કલા નૃત્ય

ભારતીય નૃત્યના ઘણા સ્વરૂપો છે. જેમ કે કથકલી, મોહિનીઅટ્ટમ, ઓડિસી, કથક, ભરતનાટ્યમ, કુચિપુડી વગેરે. માન્યતા છે કે ત્રેતાયુગમાં દેવતાઓની વિનંતી પર બ્રહ્માજીએ નૃત્ય વેદ તૈયાર કર્યુ, ત્યારથી દુનિયામાં નૃત્યની ઉત્પતિ થઈ. કહેવાય છે કે નૃત્ય વેદની રચના જ્યારે પૂરી થઈ ગઈ ત્યારે નૃત્યનો અભ્યાસ ભરત મુનિના સો પુત્રોએ કર્યો. ભારતમાં નૃત્ય કલા હજારો વર્ષો જૂની છે.


ડાન્સ કરવાના ફાયદા

1. ડાન્સ કરવાથી ફેટ ખૂબ ઝડપથી ઘટે છે. જો દરરોજ 30 મિનિટ સુધી ડાન્સ કરો તો 150 કેલેરી સુધી ફેટ બર્ન થાય છે.

2. ડાન્સ કરવાથી બ્રેઈન ખૂબ એક્ટિવ રીતે કામ કરે છે. જે લોકો ડાન્સ કરે છે તેમનો બ્રેઈન રિએક્શન ટાઈમ ખૂબ જ સારુ હોય છે. ડાન્સ કરતા લોકોની યાદશક્તિ ખૂબ સારી રહે છે.

3. જ્યારે તણાવમાં હોવ ત્યારે ડાન્સ જરૂર કરવો જોઈએ કારણ કે તણાવ અને ડિપ્રેશનની બીમારીમાં ડાન્સ કરવો ખૂબ ફાયદાકારક હોય છે. ડિપ્રેશનની બીમારી સારી કરવા માટે ડાન્સ થેરેપીનો ઉપયોગ કરવામાં આવે છે. ડાન્સ કરવાથી વ્યક્તિની નકારાત્મક ભાવના ઓછી થાય છે.

4. ડાન્સ કરવાથી શરીર લચીલુ થાય છે અને હાડકા પણ મજબૂત થાય છે. ડાન્સ કરવાથી શરીરના સમગ્ર અંગની એક સાથે કસરત થઈ જાય છે.

5. દરરોજ નિયમિતપણે ડાન્સ કરવાથી શરીરની એનર્જી વધે છે અને થાક જેવી સમસ્યા દૂર થઈ જાય છે. જો હંમેશા થાકેલા રહો છો તો તમારે પોતાની લાઈફસ્ટાઈલમાં ડાન્સને સામેલ કરવો જોઈએ. ડાન્સ કરવાથી બ્રેઈન એક્ટિવ રહે છે અને શરીર પણ બેવડી ગતિથી કામ કરે છે.

6. ડાન્સ કરવાથી ખુશી મળે છે. આનાથી ભાવનાત્મક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થાય છે, તેથી આપણે નિયમિત અમુક સમય માટે ડાન્સ કરવો જોઈએ.