ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના શપથ લેતો વાંકાનેર ક્ષત્રિય સમાજ

- text


વાંકાનેરમાં ક્ષત્રિયનું મહાસંમેલન યોજાયું, જરૂર પડ્યે હિન્દુત્વવાદી પાર્ટી પણ ઉભી કરાશે

વાંકાનેર : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ ચરમસીમાએ છે ત્યારે ગઈકાલે વાંકાનેર ખાતે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન મળ્યું હતું જેમાં એક અવાજે ભાજપ વિરુદ્ધ મતદાન કરવા શપથ લેવામાં આવ્યા હતા. સાથે જ ક્ષત્રિય આગેવાનોએ ન માત્ર ક્ષત્રિય સમાજ બલ્કે તમામ સમાજને સાથે લઈ 7મીએ ભાજપ વિરુદ્ધ મતદાન કરાવવા આહવાન કર્યું હતું.

પરસોતમ રૂપલાના અશોભનીય નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભડકેલી રોષની ચિંગારી હવે વિકરાળ આગ બની છે ત્યારે વાંકાનેરમાં ગઈકાલે મળેલા ક્ષત્રિય સંમેલનમાં વાંકાનેરના ક્ષત્રિય અગ્રણી નારૂભા ઝાલા (ખેરવા)એ ભાજપ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, ભાજપ હિન્દુત્વની વાતો અમોને ન શીખવાડે ક્ષત્રિય સમાજનો ઇતિહાસ બોલે છે, ઋષિમુનિઓ ગૌમાતા અને સ્ત્રીઓની રક્ષા માટે ક્ષત્રિયોએ બલિદાન આપ્યા છે ત્યારે ક્ષત્રિય સમાજની બહેન બેટીઓ માટે અશોભનિય વાતો કરનાર પરસોતમ રૂપાલાની ટીકીટ રદ કરવાની ક્ષત્રિય સમાજની માંગ પણ ભાજપ સ્વીકારી ન હોવાનું જણાવી રોષ ઠાલવ્યો હતો, સાથે જ આવનાર દિવસોમાં જરૂર પડ્યે હિન્દુત્વવાદી પાર્ટી ઉભી કરવા પણ જણાવ્યું હતું.

- text

બીજી તરફ ક્ષત્રિય અગ્રણી રાજભા ઝાલાએ જણાવ્યું હતું કે, ભાજપની શીર્ષસ્થ નેતાગીરી ક્ષત્રિય સમાજની એક માંગ નથી સ્વીકારી ત્યારે આગામી 7મીએ ક્ષત્રિય સમાજ સોએ સો ટકા મતદાન કરશે અને ક્ષત્રિય સમાજના તમામ મતદારો પણ અન્ય સમાજના લોકોને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા પ્રયાસ કરશે તેમ જણાવ્યું હતું.

- text