ફૂટપાથ મળે તો કહેજો ! મોરબી શહેરના મુખ્ય રસ્તાઓ ઉપરથી ફૂટપાથ અદ્રશ્ય

- text


શહેરમાં કેટલાક મુખ્યમાર્ગોની ફૂટપાથ દબાણોને લીધે દબાયેલી, નહેરુ ગેઇટ ચોક, પરાબજાર, શનાળા રોડ સહિતની મુખ્ય બજારમાં પગ મુકવાની જગ્યા નથી

મોરબી : સૌરાષ્ટ્રની સૌથી મોટી અને એ ગ્રેડની મોરબી નગરપાલિકા હદ વિસ્તારના રસ્તાઓ ઘણા વર્ષોથી સતત વધતા વાહનો સહિતના અતિશય ટ્રાફિકને કારણે સાંકડા છે ત્યારે લોકો જેનો પર ચાલે તે રસ્તાઓ પર ફૂટપાથ બનાવવામાં વર્ષોથી તંત્ર વામણું પુરવાર થયું છે. શહેરી વિસ્તારના મુખ્ય વિસ્તારમાં બહુ જ ઓછી ફૂટપાથ છે. જેમાંથી અમુક ફૂટપાથ દબાણોને કારણે દબાયેલી છે.નહેરુ ગેઇટ ચોક, પરાબજાર, શનાળા રોડ સહિતની મુખ્ય બજારમાં પગ મુકવાની જગ્યા નથી ફૂટપાથ અદ્રશ્ય થતા લોકોને ફરજીયાત પણે ધમધમતા ટ્રાફિક વચ્ચે ચાલવું પડે છે.

મોરબી શહેરમાં અગાઉ રાજવીકાળ વખતે બનાવેલા રસ્તાઓ હવે ખૂબ જ ટૂંકા પડી રહ્યા છે. કારણ કે એ સમયની વસ્તી અને વાહનો પણ બહુ ઓછા હતા. હવે વાહનો એટલા વધ્યા છે કે લોકો માટે મુખ્ય રસ્તાઓ ઉપર ચાલવાની જગ્યા જ રહી નથી. એટલું જ નહીં વાહન પાર્કિંગનો અભાવ છે. એટલે ફૂટપાથની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. મુખ્યમાર્ગો પર ફૂટપાથ બહુ જ ઓછી છે. જેમાં નગરપાલિકા હદ વિસ્તારમાં 287 કિમિ વિસ્તારમાં રસ્તાઓ પથરાયેલા છે. જેમાં મુખ્યમાર્ગો સહિત શેરી ગલી વિસ્તારના રસ્તા પણ આવી જાય છે.

મોરબી શહેરમાં 287 કિમિ વિસ્તારમાં રસ્તાઓમાં મુખ્ય બજાર અને વધુ વાહનોની અવરજવર ધરાવતા વાવડી રોડ, નવલખી રોડ, સર્કિટ હાઉસ સહિતના 30થી 35 કિમીના મુખ્ય રસ્તાઓમાં માત્ર 5 કિમિ રસ્તામાં જ ફૂટપાથ છે. બાકી ક્યાંય ફૂટપાથ નથી.હાલમાં માત્ર પાંચ કિમીની ફૂટપાથ ઉપરાંત 10-15 વર્ષ અગાઉ અન્ય માર્ગો પણ ફૂટપાથ હતી. પણ નવા રોડ બનતા ગયા એમ ફૂટપાથ કપાતી ગઈ. આથી ભરચકક ગણાતા શનાળા-રવાપર રોડ, સાવસર પ્લોટ, અયોધ્યાપુરી મેઈન રોડ, જુના બસ સ્ટેન્ડ રોડ અને સામાકાઠા તરફ જવાના રોડ પર પણ ફૂટપાથ નથી. આથી લોકો ચાલે તો ક્યાં ચાલે ?

- text

2001માં ભૂકંપ આવ્યો ત્યારે શહેર અને સામાંકાંઠાને જોડતો એકમાત્ર પાડાપુલ હતો. ત્યારબાદ બાજુમાં નવો મયુરપુલ બન્યો તેમાં ખાસ મોટી ફૂટપાથ છે. જ્યારે વર્ષો જૂનો પાડાપુલને ભૂકંપમાં મોટું નુકશાન થયું હતું અને આ પુલની ફૂટપાથ તૂટી ગઈ હતી. ત્યાં આડશ મૂકીને નવી ફૂટપાથ બનાવી જ નથી. આ ઉપરાંત દાયકાઓથી એકેય નવી ફૂટપાથ બની નથી. ખરેખર શહેરના જુના રસ્તાઓ છે. તે હવે પહોળા કરવાની ખાસ જરૂર છે. જો કે બજારોમાં દુકાનો હોવાથી ત્યાં રસ્તા પહોળા કરવાનું કામ સરળ નથી.

- text