Morbi: પાણી માટે પોકાર: દલવાડી સર્કલ પાસે આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લોકો તરસ્યાં

- text


12 દિવસથી પાણી ન આવતું હોવાની ફરિયાદ; રહીશોએ પાલિકા કચેરીમાં કર્યા ઉગ્ર સૂત્રોચ્ચાર, રામધૂન બોલાવી

મોરબી: ઉનાળાની ગરમીમાં સરકાર લોકોને કામ વગર બહાર ન નીકળવાની સલાહ આપે છે પણ ઘરમાં પીવાનું પાણી જ ન આવતું હોય તો લોકોને રસ્તા પર આવવુ પડે છે. આવી જ કંઇક હાલત મોરબીમાં દલવાડી સર્કલ પાસે આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં રહીસોની છે.

સ્થાનિક રહીસોને પીવાના પાણીનું ખૂબ મૂશ્કેલીઓ પડે છે. એક તરફ મચ્છુ ડેમમાં નર્મદાનું પાણી નાંખવામાં આવે છે પણ ઘરમાં લોકોનાં નળમાં પાણી આવતું નથી.પાણીની સમસ્યાથી ત્રસ્ત થયેલા રહીશો નગરપાલિકા ખાતે પહોંચ્યા હતા અને પાણી આપવાની માંગ સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા.

પાણીના પ્રશ્ને નગરપાલિકા કચેરી ખાતે આવેલા રહીશોએ પાલિકા હાય હાય.. ચીફ ઓફિસર હાય હાય… વહીવટદાર હાય હાય અને કાંતિ અમૃતિયા હાય હાય…ના નારા લગાવ્યા હતા.સ્થાનિક રહીશો સાથે રજૂઆત કરવા પહોંચેલા સામાજિક કાર્યકર રાજુભાઈ દવેએ મોરબી અપડેટને જણાવ્યું હતું કે, આવાસ યોજનામાં છેલ્લા 12 દિવસથી પાણી આવ્યું નથી. જ્યાં સુધી પાણી નહીં આપે ત્યાં સુધી કોઈપણ રહીશો પાલિકા કચેરીમાંથી જવાના નથી. પ્રધાનમંત્રી આવાસ યોજનાના રહીશોએ જણાવ્યું કે, આ કાળઝાળ ગરમીમાં પાણી વિના કેમ ચાલે? લાઈન તૂટી ગઈ હોવાનું બહાનું આપવામાં આવી રહ્યું છે. પરંતુ એક-બે દિવસ હોય તો સમજ્યા પણ આ તો 12-12 દિવસથી પાણી આપવામાં નથી આવતું. પાણી વિના નાના બાળકોને ખૂબ તકલીફ પડી રહી છે.

- text

જો કે, રજૂઆત કરવા પહોંચેલા રહીશોની વાત સાંભળવા પાલિકામાં કોઈ અધિકારી જ ન હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. કેમ કે જવાબદાર અધિકારી કચેરીમાં હાજર ન હોય રહીશોએ કચેરીમાં જ બેસીને રામધૂન બોલાવી હતી અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

- text