મોરબીની ઘડિયાળ ઉધોગ મંદીના ભરડામાં : માત્ર 20 ટકા જ ડિમાન્ડ

- text


અનેક નાના ઉધોગોમાં ઉત્પાદન સામે ડિમાન્ડ ન હોય ફરજીયાત અઠવાડિયામાં બે ત્રણ દિવસની રજા રાખવી પડે તેવી સ્થિતિ

મોરબી : મોરબીના ઘડિયાળ ઉધોગમાં હાલ ભંયકર મંદીનો માહોલ છે. જો કે મોરબીમાં આવેલા મોટા પાંચેક ઉધોગગૃહોનું ભારતભરમાં અને વિશ્વમાં મોટાપાયે ટર્ન ઓવર હોવાથી આ મોટા ઉધોગોને મંદીની ઓછી અસર થઈ છે. પણ નાના અનેક ઉધોગનો માત્ર ડોમેસ્ટિક માર્કેટ ઉપર આધાર હોય ઘડિયાળની જે માંગ હોવી જોઈએ એ માંગ બિલકુલ છે જ નહીં. આ ઉધોગમાં ઘડિયાળની માત્ર 20 ટકા જ ડિમાન્ડ છે. ડિમાન્ડ ઓછી હોય સામે રોજ ઉત્પાદન વધતું હોય અને માલના સંગ્રહ માટે બહુ જ ટૂંકી જગ્યા હોવાથી ઉત્પાદન ઓછું કરવા માટે નાના ઉધોગોને ફરજીયાત અઠવાડિયામાં બે ત્રણ દિવસ રજા રાખવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જો આવી જ મંદી રહી તો નાના ઉધોગોના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ ઉભો થશે એવી કપરી સ્થિતિ છે.

મોરબીના ઘડિયાળ ઉધોગના પાંચેક મોટા ઉધોગગૃહ પૈકી એક સોનમ કલોકના જયેશભાઈ શાહે જણાવ્યું હતું કે, હાલ સમગ્ર વિશ્વમાં મંદી છે. એટલે થોડી ઘણી અસર આ ઉધોગને પણ કરે છે. પણ મોટા ઉધોગગૃહને મંદીની અસર ઓછી છે. આ મોટા ઉધોગોનું લેવાલ જળવાઈ રહે છે. જેમાં એક મહિને કદાચ જરાય ડિમાન્ડ ન હોય અને માલનો ભરાવો થઈ જાય તો બીજા મહિને તેજી આવતા બધું સરભર થઈ જાય છે. આખી ઘડિયાળ ઇન્ડસ્ટ્રીઝનું રોજનું અંદાજે 1 લાખ ઘડિયાળનું ઉત્પાદન છે અને મહિને 50 કરોડનું ટર્ન ઓવર થાય છે. વાર્ષિક 600 કરોડનું ટર્ન ઓવર થાય છે.જ્યારે મોટા ઉધોગોનું પાંચેક કરોડનું અંદાજે એક્સપોર્ટ થાય છે. એટલે એક્સપોર્ટમાં બહુ કોઈ ફરક પડ્યો નથી. પણ બધા ઉધોગોમાં મંદી હોય એટલે મોટા ઉધોગોમાં 30 ટકા ડિમાન્ડ ઓછી છે.

- text

મોરબી કલોક એસોસિએશનના પ્રમુખ શશાંક દંગીએ જણાવ્યું હતું કે, ઘડિયાળ ઉધોગની હાલ મંદીને કારણે બહુ જ ખરાબ પરિસ્થિતિ છે. કુલ આશરે 120માંથી ઘડિયાળના 80 ટકાથી વધુ નાના ઉધોગ છે. મોટા ઉધોગોનું એક્સપોર્ટ લેવાલીમાં હોય એમાં ઘડિયાળ ઉધોગનું કુલ માર્કેટમાં 95 ટકા હિસ્સો ડોમેસ્ટિક માર્કેટનો છે. એટલે 5 ટકા જ એક્સપોર્ટ થાય છે.ભારતના માર્કેટમાં ભયંકર મંદી છે. એને કારણે ઘડિયાળના 95 ટકા મેન્યુફેક્ચરિંગમાં ખૂબ જ મંદી છે. એનું કારણ એ છે કે છેલ્લા ચાર મહિનામાં લગ્નના પાંચ જેટલા મુહૂર્ત નીકળ્યા હોય લગ્ન ગાળો જોઈએ તેવો જામ્યો જ ન હોય લગ્નમાં જે ઘડિયાળ ગિફ્ટમાં અપાતી હોય એમાં મોટો કાપ મુકાયો હતો. એટલે ઘડિયાળ ઉધોગની રનીગ જે ડિમાન્ડ હોવી જોઈએ એના કરતાં 80 ટકા ડિમાન્ડ ઓછી છે. ઉપરથી હાલ કમુરતા હોય ઘડિયાળની ડિમાન્ડ ઘટી જવાથી ઘડિયાળ ઉધોગમાં વર્ષોથી બુધવારે એક રજા આવે એમાં હવે બે ત્રણ દિવસની વધુ રજા રાખવી પડે એવી સ્થિતિ છે. કારણ કે ઉધોગોમાં માલનું સતત ઉત્પાદન થતું હોય સામે ડિમાન્ડ ન હોય તો ટૂંકી જગ્યામાં ઉત્પાદિત માલ રાખવો ક્યાં એના કારણે રજાઓ રાખવી પડે છે.

- text