ટ્રક પાછળ બોલેરો ઘૂસી જતા એકનું મોત,એક ઇજાગ્રસ્ત

- text


હળવદ હાઇ-વે ઉપર કોયબા ચેકપોસ્ટ નજીક વહેલી સવારે સર્જાયો અકસ્માત

હળવદ : હળવદ હાઇ-વે પર આવેલ કોયબા ગામના પાટીયા નજીક પોલીસ ચેકપોસ્ટ પાસે આજે વહેલી સવારે મધ્ય પ્રદેશના બે યુવાનો બોલેરો કાર લઈ કચ્છ તરફ જતા હતા ત્યારે આગળ જઈ રહેલ ટ્રક પાછળ બોલેરો કાર ઘુસી જતા એકનું મોત નિપજ્યું છે જ્યારે બીજાને ઈજા પહોંચતા સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ આજે વહેલી સવારે હળવદ હાઇ-વે પર આવેલ કોયબા ગામના પાટીયા નજીક પોલીસ ચેકપોસ્ટ પાસે અમદાવાદ તરફથી બોલેરો કારમાં સવાર રતનભાઇ મોહનભાઈ પરમાર ઉંમર વર્ષ 18 રહે જાબવા મધ્ય પ્રદેશ અને તેનો કૌટુંબિક ભાઈ ક્રિષ્નાભાઈ કૈલાશભાઈ પરમાર કચ્છ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેઓની બોલેરો કાર આગળ જઈ રહેલી ટ્રક પાછળ ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રતનભાઇ મોહનભાઈનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું જ્યારે ક્રિષ્નાભાઈ કૈલાશભાઈને ઈજા પહોંચતા હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.બનાવની જાણ હળવદ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ હાઈ-વે ઉપર ટ્રાફિક જામ દૂર કર્યો હતો સાથે જ ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે આ બનાવની પ્રાથમિક તપાસ હળવદ બીટ જમાદાર વિજયભાઈ છાસિયા ચલાવી રહ્યા છે.

- text

- text