વધુ ને વધુ મતદાન કરજો જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જી.ટી.પંડ્યાની અપીલ

- text


ચૂંટણી કાર્ડના બદલે અન્ય દસ્તાવેજોનો પણ ઓળખના પુરાવા તરીકે ઉપયોગ કરી શકાશે : ચુંટણી સબંધિત
પુછપરછ માટે હેલ્પલાઇન નંબર-૧૯૫૦ પર માહિતી મેળવી શકશે

મોરબી : આગામી તા.1 ડિસેમ્બરના રોજ મોરબી જિલ્લાની ત્રણેય બેઠકો માટે મતદાન થનાર છે ત્યારે મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જી.ટી.પંડ્યાએ લોકશાહીના આ મહાપર્વને રંગેચંગે ઉજવવા તમામ મતદારોને અવશ્ય મતદાન કરવા અપીલ કરી છે.

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત તા.1 ડિસેમ્બરના રોજ મતદાન યોજાનાર છે. મતદારને મતદાન કરવા માટે સગવડતા રહે તે માટે દરેક મતદાર વોટર પોર્ટલ પરથી મતદાનમથક શોધી શકશે. તેમજ ચુંટણી સબંધિત પુછપરછ માટે હેલ્પલાઇન નંબર-1950 પર કોલ કરીને માહિતી મેળવી શકશે. મતદાન મથકમાં કોઇપણ ગેઝેટ લઇ જવાની મનાઇ છે. મતદાનના દિવસે મત આપવા માટે રજા જાહેર કરવામાં આવેલ છે. મતદારોમાં ચૂંટણી પ્રક્રિયા અંગેની જાગૃતતા વધે અને મતદારો ચૂંટણી પ્રક્રિયામાં પોતાની સક્રિય ભાગીદારી નોંધાવે તે માટે મતદાર માર્ગદર્શિકાનું વિતરણ કરવામાં આવેલ છે.બી.એલ.ઓ.દ્વારા આપવામાં આવતી મતદાર માહિતી કાપલી ઓનલાઇન વોટર હેલ્પલાઈન એપથી પણ મેળવી શકાય છે.મતદાન મથકે મત આપવા જતા મતદારે માન્યતા પ્રાપ્ત નીચે જણાવેલ ઓળખ દસ્તાવેજોમાંથી કોઇપણ એક તેમજ મતદારકાપલી સાથે લઇ જવાની રહેશે.

- text

જો કોઈ મતદાર પાસે મતદાર ફોટો ઓળખપત્ર એટલે કે (EPIC/e-EPIC) ના હોય તો પણ આધાર કાર્ડ, મનરેગા જોબ કાર્ડ, પાન કાર્ડ, બેંક/પોસ્ટ ઓફિસે આપેલી પાસબૂક(ફોટોગ્રાફ સાથેની), શ્રમ મંત્રાલયે આપેલ હેલ્થ ઈંસ્યુરંસ સ્માર્ટ કાર્ડ, ડ્રાઈવીંગ લાઈસન્સ, પાસપોર્ટ, કેંદ્ર/રાજ્ય સરકાર/જાહેર ક્ષેત્રના ઉપક્રમો/પબ્લીક લિમિટેડ કંપનીઓએ આપેલ ઓળખપત્ર(ફોટોગ્રાફ સાથે), નેશનલ પોપુલેશન રજિસ્ટર હેઠળ રજિસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયાએ આપેલ સ્માર્ટ કાર્ડ, પેન્શન દસ્તાવેજ(ફોટોગ્રાફ સાથે), સંસદસભ્ય/ધારાસભ્ય/ વિધાન પરિષદના સભ્યોને આપેલ અધિકૃત ઓળખપત્ર લઈ મતદાન કરી શકશે.

આ લોકશાહીના મહાપર્વમાં વધુને વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીને મજબુત બનાવવામાં સહભાગી થાય તેમ જિલ્લા ચુંટણી અધિકારી અને કલેક્ટર જી.ટી. પંડ્યા દ્વારા અંતમાં જિલ્લાના તમામ નાગરીકોને અપીલ કરવામાં આવી છે.

- text