મોરબી જિલ્લામાં ઠેરઠેર ભક્તિભાવથી નંદલાલાના જન્મોત્સવની ઉજવણી

- text


મોરબીના ભવાની ચોક તેમજ જેતપુર(મચ્છુ), ભાવપર, અણિયારી, વવાણીયા સહિતના ગામોમાં મટકી ફોડ અને રાસ ગરબાની રણઝટ સાથે ભગવાન શ્રી કૃષ્ણના જન્મના વધામણાં કરાયા


મોરબી: મોરબી જિલ્લામાં ગઈકાલે ઠેર-ઠેર કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. મોરબી જિલ્લામાં ઠેરઠેર ભક્તિભાવથી નંદલાલાના જન્મોત્સવની ઉજવણી કરી દરેક વિસ્તારમાં મટકી ફોડ અને રાસ ગરબાની રણઝટ સાથે ભગવાન શ્રી કૃષ્ણના જન્મના વધામણાં કરાયા હતા.


મોરબી શહેરમાં ભવાની ગરબી મંડળ ભવાની ચોક મોરબી દ્વારા ભવાની ચોક ખાતે જન્માષ્ટમીની રાત્રે 12 કલાકે નંદ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. સાથે જ મટુકી ફોડનો કાર્યક્રમ પણ યોજાયો હતો. આ પ્રસંગે સ્પેશિયલ દૂધ થાબડીની કેક કટિંગ કરવામાં આવી હતી. નંદ મહોત્સવમાં ઉપસ્થિત રહેનાર સર્વે ભક્તજનોને દૂધ કોલ્ડ્રીંકસનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. સાથે જ શ્રી કૃષ્ણ પ્રાગટ્યની આરતી ઉતારવામાં આવી હતી. નંદ મહોત્સવમાં નીલ રાયગગલાને બાળ સ્વરૂપ કાનુડો બનાવવામાં આવ્યો હતો. આ તકે રાસ-ગરબાનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને રાસ-ગરબા રમી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી હતી.


મોરબીના જેતપર (મચ્છુ) ગામમાં મહાકાળી મંડળ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાકાળી મંડળના યુવા ગ્રુપ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના વાજતે ગાજતે જોરશોરથી વધામણા કરી મટુકી ફોડી ખૂબ હર્ષ ઉલ્લાસથી કાર્યક્રમને ઉજવવામાં આવ્યો હતો. આ સાથે ભગવાન શ્રી કૃષ્ણના હિંડોળાના દર્શન કરી કૃષ્ણપ્રેમી ભક્તોએ આનંદિત અને ભાગ્યવાન હોવાનો અનુભવ કર્યો હતો.

- text


માળીયા (મી.)ના ભાવપર ગામે કૃષ્ણ જન્માષ્ટમીની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગે ગામ લોકોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી અને ભગવાન કૃષ્ણના જન્મના વધામણાં કર્યા હતા.


જ્યારે અણિયારી ગામે જન્માષ્ટમીની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ક્રેનમાં 100 ફૂટ ઊંચે કાન્હાએ મટકી ફોડી હતી અને ગામમાં નંદ ઘેર આનંદ ભયો.. જય કનૈયાલાલ કી…ના નાદ સાથે મટકી ફોડી ભગવાન કૃષ્ણના જન્મના વધામણાં કર્યા હતા.


હળવદ ભવાની ભુતેશ્વર મંદિરે જન્માષ્ટમીના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથેસાથે કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાધે-કૃષ્ણ અવતાર દ્વારા જન્માષ્ટમી ઉજવણી કરવામાં આવેલ હતી.


માળીયાના દહીસરા જીનામ ખાતે જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જન્માષ્ટમી નિમિતે દહીસરા જીનામ ખાતે સંત શ્રી ખીમ સાહેબ ડાડાની જગ્યાએ મટકી ફોડ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો અને નંદ ઘેર આનંદ ભયો.. જય કનૈયાલાલ કી…ના નાદ સાથે મટકી ફોડી ભગવાન કૃષ્ણના જન્મના વધામણાં કર્યા હતા.


જ્યારે વવાણીયા ગામમાં પણ ઉત્સાહભેર મટકીફોડના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. અને સૌએ ભગવાન શ્રીકૃષ્ણનાં જન્મોત્સવને ઉજવ્યો હતો.


 

- text