હળવદમાં 12-12 નિર્દોષ લોકોના મોત છતાં ગુન્હો દાખલ કરવામાં ઢીલ

- text


રાજ્યમંત્રી મેરજાએ ત્રણ દિવસમાં તપાસ પૂર્ણ કરી લેવાના નિવેદનથી વિપરીત પોલીસે માત્ર અકસ્માતે મૃત્યુ અંગેની નોંધ દાખલ કરી : હજુ તપાસને અંતે ગુન્હો દાખલ કરાશે તેવી પોલીસની રેકર્ડ

હળવદ : હળવદમાં કઠોર દિલના માણસનું પણ હૈયું હચમચી જાય તેવી કરૂણ દુર્ઘટનામાં 12-12 નિર્દોષ લોકોના મૃત્યુ થવાની ગોજારી ઘટનામાં ત્રણ પરિવાર છિન્નભિન્ન થઈ ગયા હોવા છતાં આ અતિ ગંભીર દુર્ઘટનામાં પોલીસે હજુ પણ બેદરકાર કારખાનેદારો વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો નથી, આશ્ચર્ય તો એ વાતનું છે કે, મોરબીના વતની રાજ્યમંત્રી મેરજાએ ગઈકાલની આ દુઃખદ ઘટનામાં ત્રણ જ દિવસમાં તપાસ પૂર્ણ કરી કોઈપણ દોષિતોને છોડવામાં નહીં આવે તેવી જાહેરાત કર્યાના કલાકો વીત્યા બાદ પણ પોલીસે માત્ર ને માત્ર અકસ્માતે મૃત્યુ અંગેની નોંધ જ કરતા ભારે આશ્ચર્ય સર્જાયું છે.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ જીઆઈડીસીમાં આવેલ સાગર સોલ્ટ નામના કારખાનામાં ગઈકાલે જર્જરિત દીવાલ ઉપર મીઠાની ગુણીઓ ધસી પડતા અહીં રોજીરોટી મેળવવા આવેલા રમેશભાઇ મેઘાભાઇ કોળી ઉ.વ.૪૨ રહે.જી.આઇ.ડી.સી.હળવદ મુળ રહે.સોમાણીવાંઢ તા.રાપર જી.કચ્છ ભુજ, દીલીપભાઇ રમેશભાઇ કોળી ઉ.વ.૨૬ રહે.જી.આઇ.ડી.સી.હળવદ મુળ રહે.સોમાણીવાંઢ તા.રાપર જી.કચ્છ ભુજ, શ્યામભાઇ રમેશભાઇ કોળી ઉ.વ.૧૩ રહે.જી.આઇ.ડી.સી.હળવદ મુળ રહે.સોમાણીવાંઢ તા.રાપર જી.કચ્છ ભુજ, દક્ષાબેન રમેશભાઇ કોળી ઉ.વ.૧૫ રહે.જી.આઇ.ડી.સી.હળવદ મુળ રહે.સોમાણીવાંઢ તા.રાપર જી.કચ્છ ભુજ, શીતલબેન દીલીપભાઇ કોળી ઉ.વ.૨૪ રહે.જી.આઇ.ડી.સી.હળવદ મુળ રહે.સોમાણીવાંઢ તા.રાપર જી.કચ્છ ભુજ , દીપક દીલીપભાઇ કોળી ઉ.વ.૦૩ રહે.જી.આઇ.ડી.સી.હળવદ મુળ રહે.સોમાણીવાંઢ તા.રાપર જી.કચ્છ ભુજ, ડાયાભાઇ નાગજીભાઇ સુસરા/ભરવાડ ઉ.વ.૪૨ રહે.જી.આઇ.ડી.સી.હળવદ મુળ રહે.કુંભારીયા તા.રાપર જી.કચ્છ, રાજીબેન ડાયાભાઇ સુસરા/ભરવાડ ઉ.વ.૪૧ રહે.જી.આઇ.ડી.સી.હળવદ મુળ રહે.કુંભારીયા તા.રાપર જી.કચ્છ, દેવીબેન ડાયાભાઇ સુસરા ઉ.વ.૧૫ રહે.જી.આઇ.ડી.સી.હળવદ મુળ રહે.કુંભારીયા તા.રાપર જી.કચ્છ, રમેશભાઇ નરશીભાઇ પીરાણા ઉ.વ.૫૧ રહે.જી.આઇ.ડી.સી.હળવદ મુળ રહે.સુવઇ તા.રાપર જી.કચ્છ(ભુજ), કાજલબેન રમેશભાઇ પીરાણા ઉ.વ.૨૦ રહે.જી.આઇ.ડી.સી.હળવદ રહે.સુવઇ તા.રાપર જી.કચ્છ(ભુજ) અને રાજેશભાઇ જેરામભાઇ મકવાણા ઉ.વ.૩૭ રહે.જી.આઇ.ડી.સી.હળવદ સહિત 12-12 શ્રમિકોના કાટમાળ હેઠળ ચગદાઈ જતા મૃત્યુ નિપજ્યા હતા.

- text

કમકમાટી ભર્યા આ બનાવમાં ત્રણ પરિવાર એવા હતા કે જેમાં એક પરિવારે છ સભ્યો, બીજા પરિવારે ત્રણ સભ્યો અને ત્રીજા પરિવારે બે સભ્યો અને ગર્ભમાં રહેલ સાતેક માસનું બાળક ગુમાવ્યું હતું. જો કે, સદનસીબે આ ગોજારી દુર્ઘટનામાં સંજયભાઇ રમેશભાઇ કોળી તથા આશાબેન ડાયાભાઇ ભરવાડ બન્નેને શરીરે નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. આ મામલે હળવદ પોલીસે ઘટનાના 22 કલાક બાદ માત્રને માત્ર નારણભાઇ જક્સીભાઇ મકવાણા નામના વ્યક્તિએ કરેલી જાહેરાત અન્વયે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી છે અને હજુ એકાદ બે દિવસ સુધી તપાસ કર્યા બાદ વિધિવત ગુન્હો દાખલ કરવામાં આવશે તેવું જણાવી રહી છે. આ સંજોગોમાં રાજ્યમંત્રીએ ત્રણ દિવસમાં દોષિતો વિરુદ્ધ કડકમાં કડક પગલાં ભરવાની વાતનો આપો-આપ છેદ ઉડી જતો હોય તેવી પ્રતીતિ હાલ તો થઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે પાંચેક વર્ષ પહેલા વાવઝોડામાં આ કારખાનું ધરાશયી થયા બાદ ગઈકાલે જે દીવાલ ધસી પડી એ એક જ દીવાલ બચી હતી અને જર્જરિત થયેલી આ દિવાલના ટેકે જ હજારો ટન મીઠું ભરેલી પ્લાસ્ટિકની બેગ એક ઉપર એક ગોઠવી પંદર ફૂટ કરતા ઉંચો થપ્પો લગાવવામાં આવ્યો હતો એ બેદરકારીનો મોટો પુરાવો હોવાનું સ્પષ્ટ હોવા છતાં પણ પોલીસ આવી નિષ્કાળજી દાખવનારા કારખાનેદારો વિરુદ્ધ ગુન્હો દાખલ કરવામાં કેમ ઢીલી નીતિ અપનાવાઈ રહી છે તે વિચારવા જેવી બાબત છે.

- text