હળવદ ગોઝારી ઘટના અપડેટ : મૃત્યુઆંક 12 થયો, હજુ યુદ્ધના ધોરણે બચવા કાર્ય શરૂ

- text


અત્યાર સુધીમાં 12 લોકોના મૃતદેહ મળ્યા : જેમાં 5 પુરુષ, 4 મહિલા અને 3 બાળકોનો સમાવેશ : હજુ 3 જેસીબી, પાંચ એમયુલન્સ બચાવ કાર્યમાં કામ લાગ્યા

હળવદ : હળવદ જીઆઈડીસીમાં આજે કમકમાટી ભરી દુર્ઘટનામાં મીઠાના પેકિંગના કારખાનામાં અચાનક દીવાલ ધસી પડતા અંદાજે 25થી 30 જેટલા મજૂરો દિવાલના કાટમાળ હેઠળ દટાઈ જવાની ગોઝારી ઘટનામાં હાલમાં 3 જેસીબી, હિટાચીથી કાટમાળ હેઠળ દટાઈ ગયેલા શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. અને પાંચ એમયુલન્સ સ્થળ પર રાખી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં દીવાલ નીચે દબાયેલા 12 લોકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. જેમાં 5 પુરુષ, 4 મહિલા અને 3 માસૂમ બાળકોનો સમાવેશ થાય છે. જ્યારે અનેક ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

જાણવા મળતી વિગતો મુજબ હળવદ જીઆઇડીસીમાં આવેલ સાગર સોલ્ટ નામના મીઠાના કારખાનામાં મીઠાની કોથળી ભરવાની રાબેતા મુજબ કામગીરી ચાલી રહી હતી ત્યારે બારેક વાગ્યાના અરસામાં અચાનક કારખાનાની દીવાલ ધસી પડતા અંદાજે 20થી 25 જેટલા શ્રમિકો દટાઈ જતા તાબડતોબ હિટાચી અને જેસીબીની મદદથી શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવાંમાં આવી છે અને અંદાજે 12 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. હજુ પણ અનેક શ્રમિકો મીઠાની બેગ અને દિવાલના કાટમાળ હેઠળ દટાઈ ગયેલા હોય મૃત્યુ આંક વધવાની આશંકા સેવાઈ રહી છે. જ્યારે આ ઘટનાની જાણ થતાં મોરબી જિલ્લા કલેકટર જે.બી.પટેલ, જિલ્લા પોલીસ વડા ત્રિપાઠી, સ્થાનિક મામલતદાર ભાટી, હલવદના પીઆઇ, પીએસઆઇ સહિત પોલીસ તંત્ર અને સરકારી તંત્ર સ્થળ પર દોડી જઇ સ્થાનિકોની મદદથી યુદ્ધના ધોરણે બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

હાલ જેસીબીની મદદથી પડી ગયેલી દિવાલનો મલબો હટાવવામાં આવી રહ્યો છે. અને સ્થળ પર ઇજાગ્રસ્તોની સારવાર માટે મોરબી જિલ્લાની 2 અને સુરેન્દ્રનગર જિલ્લાની 2 ઇમરજન્સી 108 એમયુલન્સ તેમજ સ્થાનિક સામાજિક સંસ્થાની એમયુલન્સની મદદ લેવામાં આવી રહી છે.
જ્યારે અત્યાર સુધીમાં 12 લોકોના મૃતદેહ મળ્યા છે. અને હજુ લાપતા મજૂરોની શોધખોળ ચાલી રહી છે. અને મૃત્યુઆંક હજુ વધે તેવી દહેશત વ્યકત કરાઈ રહી છે.

- text

હતભાગી મૃતકોની યાદી

1. સુસરા દેવીબેન ડાયાભાઇ ભરવાડ (ઉ.વ. 15)
2. મકવાણા રાજેશભાઈ જેતામભાઈ (ઉ.વ. 39)
3. કોળી દિલીપભાઈ રમેશભાઈ (ઉ.વ. 26)
4. કોળી રમેશભાઈ મેપાભાઈ (ઉ.વ. 42)
5. કોળી શ્યામ રમેશભાઈ (ઉ.વ. 13)
6. ભરવાડ ડાયાભાઇ નાગજીભાઈ (ઉ.વ. 42)
7. પીરાણા રમેશભાઈ નરશીભાઈ (ઉ.વ. 51)
8. પીરાણા કાજલબેન રમેશભાઈ (ઉ.વ. 20)
9. ભરવાડ રાજીબેન ડાયાભાઇ (ઉ.વ. 41)
10. કોળી શીતલબેન દિલીપભાઈ (ઉ.વ. 24)
11. કોળી દીપક દિલીપભાઈ (ઉ.વ. 03)
12. કોળી દક્ષા રમેશભાઈ (ઉ.વ. 15)

- text