સફળતાપૂર્વક પાંચ વર્ષ પૂર્ણ કરી મોરબી અપડેટનો છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ

- text


સત્ય, સચોટ અને નિષ્પક્ષ સમાચારો આપી મોરબી અપડેટે જનતાના દિલમાં અનેરું સ્થાન મેળવ્યું : મોરબી અપડેટ દ્વારા હવે સફળતાની ઉડાનમાં દ્વારકા અને જૂનાગઢનો સમાવેશ

મોરબી : સમાચાર એટલે મોરબી અપડેટ અને મોરબી અપડેટ એટલે સમાચાર… આજે સત્ય, સચોટ અને વિશ્વસનીયતાનો પર્યાય બની ચૂકેલા મોરબી અપડેટે સફળતાનાં પાંચ વર્ષ પૂર્ણ કરી છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. મોરબી અપડેટની શરૂઆત એક નાના કદમથી તા. 24 એપ્રિલ, 2017ના રોજ કરવામાં આવી હતી. એક અલગ અંદાજ સાથે માત્રને માત્ર મોરબી જિલ્લાના નાનામાં નાના સમાચારથી લઈ તમામ ક્ષેત્રના સમાચારોને તટસ્થતા અને વિશ્વસનીયતાપૂર્વક જન-જન સુધી પહોંચાડવાની નેમ સાથે ટીમ મોરબી અપડેટ 24×7 પ્રયત્નશીલ રહી છે. મોરબી અપડેટની ટીમે સતત અને સત્ય સમાચારોની સાથે વાચકોનો વિશ્વાસ અને દિલ પણ જીત્યું છે. મોરબી અપડેટ સમગ્ર ગુજરાતમાં જિલ્લા કક્ષાનું છ લાખથી વધુ વાચકો સાથે નંબર વનના ટોચના સ્થાને બિરાજમાન થયું છે.

મોરબી જિલ્લાના સમાચારોને જ પ્રાધાન્ય આપી છેલ્લા પાંચ વર્ષથી ખરા અર્થમાં લોકહૃદયમાં બિરાજમાન થયેલ મોરબી અપડેટે વાંચકોના અપાર પ્રેમને કારણે આજે છઠ્ઠા વર્ષમાં સફળતાપૂર્વક મંગલ પ્રવેશ કર્યો છે. 2017 પછી મોરબીની મીની જળ હોનારત હોય કે પછી જળ સમસ્યા હોય કે મોરબીના લોકોને સ્પર્શતી કોઈપણ બાબત હોય, કોરોનાની મહામારી કે અન્ય આપત્તિના સમયમાં મોરબી અપડેટ હંમેશા સત્યના માર્ગે ચાલી પ્રજાજનોના અવાજને બુલંદ બનાવી સરકારનો કાન આમળવાનું કદી ચૂક્યું નથી. એટલે જ તો આજે સફળતાનાં આ પાંચ વર્ષમાં મોરબી અપડેટ દૈનિક નિયમિત છ લાખ વાંચકોના મોટા પરિવાર સાથે જિલ્લા કક્ષાનું નંબર વનનું સ્થાન મેળવ્યું છે. આજે ફેસબુકમાં 3.67 લાખથી વધુ ફોલોઅર્સ, મોરબી અપડેટની એપ્લિકેશનના અઢી લાખ યુઝર્સ ઉપરાંત વેબસાઇટ પર દરરોજ એક લાખથી વધુ તેમજ 1 લાખથી વધુ વોટ્સએપ યુઝર્સ મોરબી અપડેટ સાથે રોજિંદા જોડાયેલ છે. ઉપરાંત ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ સહિતના માધ્યમથી પણ વિશાળ સંખ્યામાં માત્ર મોરબી જ નહીં વિશ્વભરમાં વસતા અને મોરબી સાથે જોડાયેલા લોકો મોરબી અપડેટ સાથે સતત સંકળાયેલા રહ્યા છે.

એક અંદાજ મુજબ આજે મોરબી જિલ્લાના દર દસ મોબાઈલધારકો પૈકી 8 મોબાઈલમાં મોરબી અપડેટની એપ્લિકેશન ઇન્સ્ટોલ છે. ઉપરાંત, વોટ્સએપ ગ્રુપ મારફતે પણ લોકો બહોળા પ્રમાણમાં મોરબીની પળેપળની હલચલથી માહિતગાર થઈ રહ્યા છે. નોંધનીય છે કે મોરબી અપડેટે પણ હમેંશા લોકોમાં વિશ્વાસ બન્યો રહે તેવા સચોટ અને વિશ્વસનીય સમાચાર જ પ્રસિદ્ધ કરવાની પોતાની નેમ જાળવી રાખી છે અને લોકોની દરેક સમસ્યાનો ઉકેલ લાવવા હર સંભવ પ્રયાસ કરતું રહ્યું છે અને આગળ પણ કરતું રહેશે.

મોરબીને મળેલી સરકારી મેડિકલ કોલેજ છીનવી લઈ હળહળતા અન્યાય સામે અવાજ ઉઠવાનું કાર્ય પણ મોરબી અપડેટ કરી સરકારના ગ્રીન અને બ્રાઉન મેડિકલ કોલેજના પરિપત્રો જનતા સુધી પહોંચાડી ભવિષ્યમાં મોરબીની સરકારી હોસ્પિટલ પણ છીનવાઈ જાય તેમ હોવાનું સત્ય રજૂ કરી જનતાને જાગૃત કરતા સરકારને પોતાનો નિર્ણય ફેરવવા મજબુર થવું પડ્યું છે મોરબી અપડેટ સરકારી મેડિકલ કોલેજ મામલે સાચા લોક પ્રહરીની ભૂમિકા નિભાવી છે. સાથે જ મોરબીમાં જાહેર માર્ગો ઉપર સ્ટંટ કરતા બાઈક ચાલકોનો પ્રશ્ન હોય કે નંબર વગર કાળ બનીને ફરતા ડમ્પર ચાલકોને ત્રાસ, બિસ્માર રસ્તાની બાબત હોય ટીમ મોરબી અપડેટ દ્વારા કોઈની શેહશરમ વગર પ્રજાહિતમાં આવી અનેક બાબતો ઉજાગર કરી છે.

- text

એક સમાચાર માધ્યમ તરીકે માત્ર સમાચાર આપીને જ સંતોષ નહિ માનતા મોરબી અપડેટ દ્વારા મોરબીના હિતમાં આગામી 2025ના વર્ષમાં મોરબી કેવુ હશે, મોરબી માટે કઈ કઈ સમસ્યાઓ હશે, ટ્રાફિક પ્રશ્ન કેવો હશે, ટાઉન પ્લાનિંગ કેવું જોઈશે તે તમામ બાબતોનો ઝીણવટ ભર્યો અભ્યાસ કરી બહાર આવેલા સત્ય સરકાર સુધી પહોંચાડવા મોરબીના બુદ્ધિજીવી નાગરિકોને સાથે રાખી વિઝન 2025 કોન્કલેવનું પણ મોરબી અપડેટ દ્વારા સફળ આયોજન કરી મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી સહિતના મહાનુભાવોને કોન્કલેવમાં અર્ચ્યુઅલી જોડી મોરબીના ઉજ્જવળ ભવિષ્યની ચિંતા વ્યક્ત કરવાની સાથે સુંદર મોરબીની પરિકલ્પના કરવાનું પણ સૌભાગ્ય મેળવ્યું છે.

અત્રે નોંધનીય છે કે મોરબી અપડેટ માત્ર સમાચાર આપીને જ સંતોષ માનવાને બદલે સાચા અર્થમાં સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવામાં પણ પ્રયત્નશીલ રહ્યું છે. મોરબીને એક અલગ ઓળખ અપાવનાર, વૈચારિક ક્રાંતિ માટે જરૂરી મોરબી યુવા જ્ઞાનોત્સવ તેમજ અન્ય સેવાકીય કાર્યો અને આયોજનમાં ચાવીરૂપ ભૂમિકાની સાથે અતિભારે વરસાદ હોય કે પછી એક વર્ષ પહેલાના લોકડાઉન દરમિયાન તંત્ર અને સેવાભાવી સંસ્થાઓ સાથે સંકલન કરવા માટે મોરબી અપડેટે હંમેશા કડીરૂપ બનવાના પ્રયાસો કર્યા છે. કોરોના મહામારીમાં તંત્રને આડેહાથ લઇ મોરબીની ગંભીર વાસ્તવિકતા તંત્ર સમક્ષ મૂકી મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને મોરબી સુધી દોડતા કરી મોરબીને કોરોના ટેસ્ટિંગ લેબ અપાવવા માટે પણ સાચા લોકપ્રહરીની ભૂમિકા મોરબી અપડેટે અદા કરવાની સાથે આદર્શ નિવાસી શાળા ખાતે કોવિડ કેર સેન્ટર સંચાલન કરવામાં પણ અહમ ભૂમિકા નિભાવવા સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે.

આજે મોરબી અપડેટ સફળતાના પાંચ વર્ષ પૂર્ણ કરી છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે આવનારા દિવસોમાં તમામ ફિલ્ડના સચોટ અને તટસ્થ સમાચારો આપતા રહેવાની સાથે કઈંક નવા અંદાજમાં નવા ક્ષેત્રના સમાચારો આપવા કટિબદ્ધ છે. આ પાંચ વર્ષની સફર દરમિયાન આપ સૌ વાંચકોના અપાર પ્રેમ અને મોરબી અપડેટની ટીમના દરેક સભ્યોની લગન અને દિલથી નિ:સ્વાર્થ ભાવે કરેલી મહેનતના કારણે આજે મોરબી અપડેટ ગુજરાતનું જિલ્લા કક્ષાનું સૌથી મોટું નેટવર્ક બની ગયું છે. ત્યારે મોરબી અપડેટને એક નાના બીજમાંથી વટવૃક્ષ બનાવવામાં યોગદાન આપનાર આપ સૌનો ટીમ મોરબી અપડેટ દિલથી આભાર વ્યક્ત કરે છે. 

– ટીમ મોરબી અપડેટ વતી આપ સૌનો ઋણી દિલીપ બરાસરા

 

- text