ઉછીના પૈસાની ઉઘરાણીમાં ત્રણ શખ્સોએ ટુર ટ્રાવેલ્સના ધંધાર્થીને માર માર્યો

- text


હિસાબ કરવા બોલાવી પૈસા ચૂકવવાને બદલે હિસાબ કરી નાખ્યો

મોરબી : મોરબીમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થીએ મિત્રતાના દાવે આપેલા પૈસા પરત આપવાને બદલે પિતા પુત્ર સહિતના ત્રણ શખ્સોએ હિસાબ કરવા બોલાવી લાકડી, બેટ અને છરી વડે હુમલો કરી જાનથી મારી નાંખવા ધમકી આપતા સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નવલખી રોડ ઉપર કુબેરનગર પાસે રામનગર સોસાયટીમાં રહેતા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થી જયવીરસિંહ ભરતસિંહ પરમારે અરવિંદસિંહ જટુભા જાડેજા રહે-મોરબી વિધ્યુતનગર વાળાને દાઉદ ઉમર જામની ઓળખાણને હિસાબે વચ્ચે રાખી ઉછીના પૈસા આપ્યા હતા. જે પૈસા પરત આપવાનું કહેતા આરોપીઓને સારું નહિ લાગતા જયવીરસિંહ ભરતસિંહ પરમારને હિસાબ કરી લેવા માટે બહાર બોલાવ્યા હતા.

- text

બાદમાં આરોપી અરવિંદસિંહ જટુભા જાડેજા દાઉદ ઉમર જામ અને દાઉદના પુત્ર રાયધન દાઉદ જામે હિસાબ મામલે તકરાર કરી બોલાચાલી બાદ ત્રણેય શખ્સોએ લાકડાના ધોકા, બેટ અને છરી વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત જયવીરસિંહને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

વધુમાં મોરબી સિટી બી ડિવિઝન પોલીસે જયવીરસિંહની ફરિયાદને આધારે હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપનાર ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩, ૩૨૪,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી આરોપી દાઉદ જામની અટકાયત કરી છે જ્યારે બે આરોપી હજુ પકડવાના બાકી છે.

- text