મોરબીની આર.ઓ.પટેલ મહિલા કોલેજ દ્વારા એડવેન્ચર કમ ટ્રેકિંગ કેમ્પ યોજાયો

- text


મોરબી : કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત રેવાબેન ઓધવજીભાઈ મહિલા કોલેજ દ્વારા ત્રિદિવસીય એડવેન્ચર કમ ટ્રેકિંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં બહોળી સંખ્યામાં સ્ટુડન્ટસ ઉત્સાહભેર જોડાયા હતા.

કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા આયોજિત કેમ્પમાં પ્રથમ દિવસે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલ પોળોના જંગલમાં મુલાકાત લીધેલ હતી. પોળોના જંગલમાં ભીમ પર્વત પર ટ્રેકિંગ કરેલ હતું. ટ્રેકિંગ દરમિયાન ત્યાંના નાના-મોટા ઝાડ તથા પશુ પંખીના અવાજ તથા સરીસૃપ પ્રાણીઓ વિશેની ઝીણવટભરી માહિતી મેળવેલ હતી. પોળોના જંગલોમાં આવેલ પૌરાણિક મંદિરો જેવા કે જૈન મંદિર, શિવ મંદિર, વિરેશ્વર મહાદેવનું મંદિર વગેરેની મુલાકાત લીધેલ હતી. પર્વત માળાની વચ્ચે કુદરતી રીતે રચાયેલ વણજ ડેમની પણ મુલાકાત લીધી હતી. અંબિકા એક્ઝોટિકા રિસોર્ટમાં જુદી જુદી એડવેન્ચર એક્ટિવિટી તથા વોટરપાર્કનો પણ લ્હાવો લીધો હતો.

બીજા દિવસે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના દેરોલ ગામ પાસે આવેલ તિરુપતિ ઋષિવન એડવેન્ચર પાર્કમાં જુદી જુદી રોમાંચક એડવેન્ચર એક્ટિવિટી કરવામાં આવેલ હતી. રાત્રિ રોકાણ મીરા હોટેલમાં કરવામાં આવેલ હતું.જ્યાં રાત્રીના સમયે ગરબા રમવાનો લ્હાવો લીધો હતો.

ત્રીજા દિવસે ભારતભરની 51 શક્તિપીઠ માની 1 શક્તિપીઠ એટલે અંબાજીની પણ મુલાકાત લીધેલ હતી. અંબાજી ખાતે આવેલ ગબ્બર પર્વતના પગથિયાં પગપાળા ચડીને પર્વત પર બિરાજમાન અંબાજી માતાના દર્શન કરેલ હતા, કુંભારીયા ખાતે આવેલ જૈન દેરાસરની પણ મુલાકાત લીધેલ હતી તદુપરાંત અંબાજી માતાજીના મંદિરે માતાજીના દર્શન કરીને મંદિર પરિસરમાં આવેલ ચાચરના ચોકમાં ગરબે રમવાનો પણ લ્હાવો લીધો હતો. સાંજના સમયે અંબાજીમાં “છેલ્લો દિવસ” ગુજરાતી મુવીના કલાકારો સાથે અણધારી મુલાકાત થયેલ હતી અને બધા સ્ટુડન્ટ યાદગીરી સ્વરૂપે બધાં કલાકારો સાથે ફોટા પણ પડાવેલ હતા.

ત્રીદિવસીય એડવેન્ચર કમ ટ્રેકિંગ કેમ્પનું સફળતાપૂર્વક આયોજન થાય તે માટે ક્રિષ્ના ટ્રાવેલ્સ દ્વારા ભારતબેન્ઝ કંપનીની બે AC કોચ લક્ઝરી બસ પૂરી પાડવામાં આવેલ હતી.તો આ તકે ક્રિષ્ના ટ્રાવેલ્સના માલિક મહેન્દ્રસિંહ જાડેજા તથા લાલભાઈનો પણ આભાર માનવામાં આવ્યો હતો. ત્રીદિવસીય એડવેન્ચર કમ ટ્રેકિંગ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થાય તે માટે કોલેજના કોમર્સ ડિપાર્ટમેન્ટના HOD મયુરભાઈ હાલપરા તથા અધ્યાપકગણમાં હાર્દિકભાઈ દલસાણીયા, સોનલબેન કાચરોલ અને વંદનાબેન ઓડિયા ભારે જહેમત ઊઠાવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text