મોરબીમાં રીક્ષા ચાલકોએ ભાડામાં બમણો ભાવવધારો કર્યો

- text


શહેરી વિસ્તારમાં ભાડું રૂ. 10માંથી 20 કરી દેતા લોકોની રાડ ફાટી ગઈ 

મોરબી : મોંઘવારી આસમાને આંબી ગઈ છે. તેમાંય પણ હવે પેટ્રોલ ડીઝલની સાથે ગેસના ભાવ પણ ભડકે બળતા રીક્ષા ચાલકોને પણ હવે મોંઘવારી નડી હોય તેમ મુસાફર ભાડામાં વધારો કરી દીધો છે. મોરબી શહેરી વિસ્તારોમાં રીક્ષાના ભાડામાં ડબલ ગણો ભાવવધારો ઝીકી દેવાયો છે. શહેરીમાં જે જે વિસ્તારમાં રૂ. 10 નું રીક્ષા ભાડું હતું, તેનું ડબલ કરીને રૂ. 20નું રીક્ષા ભાડું કરી નાખતા સામાન્ય અને મધ્યમવર્ગના લોકોની રાડ ફાટી ગઈ છે.

મોરબીમાં આજથી રીક્ષા ચાલકોએ પેસેન્જર ભાડામાં ડબલગણો વધારો કરી દીધો છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં રીક્ષામાં અવર – જવર માટે પહેલા મોરબી શહેરથી સામાંકાંઠે જવા માટે પહેલા રીક્ષા ભાડું રૂ. 10 નું હતું તેમાં વધારીને રૂ.20 નું રીક્ષા ભાડું કરી દેવાયુ છે. હવેથી શહેરના જુના બસ સ્ટેન્ડ અથવા નહેરુ ગેટ ચોકથી સામાકાંઠે નટરાજ ફાટક, હાઉસીંગ બોર્ડ, ત્રાજપર ચોકડી,માળીયા ફાટક એમ શહેરથી સામાકાંઠના કોઈપણ સ્થળે જવા માટે રૂ.20નું રીક્ષા ભાડું ચૂકવવું પડશે. આ ઉપરાંત ગાંધીચોકથી શનાળા, દલવાડી સર્કલ, નરસંગ ટેકરી, રવાપર સહિતના સ્થળે જવું હોય તો રૂ.20નું રીક્ષા ભાડું ચૂકવવું પડશે.

- text

આ ઉપરાંત મોરબીથી વાંકાનેરનું રીક્ષા ભાડું અગાઉ રૂ. 40 હતું. હવે એમાં રૂ.10 નો વધારો કરી 50નું ભાડું કરી દેવામાં આવ્યું છે. જ્યારે મોરબીથી ઢુંવા જવા માટે પહેલા રૂ.30નું ભાડું હતું. તેમાં પણ વધારીને હવે રૂ. 40 કરી દેવામાં આવ્યા છે. શહેરી વિસ્તારમાં મોટાભાગના સામાન્ય અને મધ્યમ લોકો રિક્ષામાં અવરજવર કરતા હોય છે. જ્યારે મોરબી-વાંકાનેર વચ્ચે સીરામીક કારખાનામાં મોટાભાગના શ્રમિકો અવર – જવર કરવા માટે રીક્ષાનો ઉપયોગ કરતા હોય છે. મજૂરીના ભાવ વધે કે ના વધે પણ શ્રમિકોને આ રીક્ષા ભાડું તો ચૂકવવું જ પડશે. સામાં છેડે રીક્ષા ચાલકોએ પોતાની મજબૂરી જણાવી હતી કે, પહેલા ગેસમાં ભાવ વધ્યા તો પણ ભાડું વધાર્યું ન હતું. પણ હવે ગેસના ભાવે ભારે કરી છે એટલે આ ભાડું વધારવું પડ્યું છે.

- text