કિશોરવયમાં 103 ટકા અને 18થી 44 વર્ષની વયજૂથમાં 99.5 ટકા કોરોના રસીકરણ

- text


પ્રિકોશન પેઈડ ડોઝ માટે મોરબીની એક પણ હોસ્પિટલે રસ ન દાખવ્યો : 45 વર્ષથી વધુ વયના 98.61 ટકા લોકો કોરોના સામે સુરક્ષિત બન્યા

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાં મહામારીની બીજી લહેર ઘાતક નીવડ્યા બાદ શહેર અને જિલ્લામાં આરોગ્ય વિભાગે હાથ ધરેલી કોરોના રસીકરણ ઝુંબેશને ધારી સફળતા મળી છે. ખાસ કરીને કિશોરવયમાં પ્રથમ ડોઝમાં 103 ટકા અને 18થી 44 વર્ષની વયજૂથમાં 99.5 ટકા કોરોના રસીકરણ થયું છે તો 45 વર્ષથી વધુ વયના 98.61 ટકા લોકો કોરોના સામે બીજો ડોઝ પણ મુકાવી લઈ સુરક્ષિત બન્યા છે.

કોરોના મહામારીની પ્રથમ લહેરમાં મોરબીમાં કોરોને તરખાટ મચાવ્યા બાદ બીજી લહેરમાં કોરોના ઘાતક બનીને ત્રાટકતા શહેર અને જિલ્લામાં ટપોટપ મોતનો સિલસિલો શરૂ થયો હતો. આ બીજી ઘાતક લહેરની સ્થિતિ જોતા મોરબી જિલ્લામાં કોરોના વેક્સિનેશન ઝુંબેશ શરૂઆતથી જ વેગવંતી બની હતી જો કે સમગ્ર જિલ્લામાં આરોગ્ય વિભાગને માળીયા તાલુકા સિવાય અન્યત્ર ધાર્યા મુજબના પરિણામો મળ્યા હતા.

આરોગ્ય વિભાગના સતાવાર આંકડા મુજબ જિલ્લામાં 45 વર્ષથી વધુ ઉંમરના 2,94,780 નાગરિકોને વેક્સીન માટે લાયક ગણવામાં આવ્યા હતા જે પૈકી 2,56,360 એટલે કે 87 ટકા લોકોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો અને જેમાંથી બીજા ડોઝ માટે 2,54,486 લોકો પ્રથમ ડોઝ લીધા બાદ બીજા ડોઝ માટે 2,50,971 લોકોએ બીજો ડોઝ પણ લઈ લેતા તંત્રએ 98.61 ટકા સફળતા મેળવી છે.

- text

એ જ રીતે 18થી 44 વર્ષની વયજૂથમાં મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા 5,07,360 લોકોના લક્ષ્યાંક સામે 5,04,662ને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપી 99.5 ટકા સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. 18થી 44 વર્ષની વયજૂથમાં બીજા ડોઝમાં 5,26,454 નાગરિકો લાયક બન્યા બાદ ત પૈકી 5,09,259 લોકોએ બીજો ડોઝ પણ મેળવી લેતા આરોગ્ય વિભાગને 96.7 ટકા સફળતા મળી છે.

મોરબી આરોગ્ય વિભાગને કોરોના વેક્સિનેશન ઝુંબેશમાં સૌથી વધુ સફળતા 15થી 17 વર્ષની વયજૂથમાં મળી છે જેમાં 58,273ના લક્ષ્યાંક સામે 60,273 કિશોર-કિશોરીઓને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે અને તંત્રને 103 ટકા સિદ્ધિ મળી છે જયારે બીજા ડોઝમાં 58,449 લક્ષ્યાંક સામે 53,554 લોકોએ બીજો ડોઝ મેળવી લેતા 91.6 ટકા સિદ્ધિ મળી છે.

જ્યારે 12થી 14 વર્ષની વયજૂથમાં 39,327 બાળકો સામે 30,781 બાળકોને પ્રથમ ડોઝ અને 10,702 બાળકોને બીજા ડોઝ માટે લાયક ગણ્યા બાદ હાલમાં 945 બાળકોને બીજો ડોઝ પણ આપી દેવામાં આવ્યો છે. એ જ રીતે 60 વર્ષથી વધુ વયના 35,227 નાગરિકો ત્રીજા ડોઝ માટે લાયક બન્યા હતા જેમાંથી 18796 નાગરિકોને ત્રીજો ડોઝ આપી દેવામાં આવ્યોછે.

જો કે, મોરબી જિલ્લામાં પેઈડ પ્રિકોશન ડોઝ માટે હોસ્પિટલોમાં ઉદાસીનતા જોવા મળી રહી છે. મોરબી જિલ્લામાં પેઈડ વેક્સિનેશન માટે લોકો આગળ આવતા ન હોય આજદિન સુધીમાં એક પણ હોસ્પિટલ પેઈડ પ્રિકોશન ડોઝ માટે તૈયાર થઈ નથી.

- text