અગલે બરસ તું જલ્દી આ : કેમ કરવામાં આવે છે વિનાયકનું વિસર્જન?

- text


અનંત ચૌદશના દિવસે ભક્તિભાવપૂર્વક જળ તત્વના અધિપતિ દેવ શ્રીગણેશની પ્રતિમાને જળમાં વહાવી વિસર્જન કરાય છે


આજે અનંત ચૌદશ એટલે કે ગણપતિ વિસર્જનનો દિવસ. અનંત ચૌદશના દિવસે ‘અગલે બરસ તું જલ્દી આ’, ‘गणपति बप्पा मोरया पुढच्या वर्षी लवकर या’ સાથે વાજતે-ગાજતે ભક્તિભાવપૂર્વક જળ તત્વના અધિપતિ દેવ શ્રીગણેશની પ્રતિમાને જળમાં વહાવી વિસર્જન કરાય છે.

ગણેશ ચતુર્થીના દિવસે લોકો ધામધૂમથી પોતાના ઘરમાં, શેરી-મહોલ્લામાં પંડાલ નાખીને ગણેશજીની સ્થાપના કરી નિત્ય પૂજા-અર્ચના કરે છે. લોકો પોતાના સામર્થ્ય પ્રમાણે પૂરા આદર-સત્કાર સાથે એક, ત્રણ, પાંચ કે દસ દિવસ સુધી દુંદાળા દેવને લાડ લડાવી વિસર્જન કરે છે. સામાન્ય રીતે, ગણેશ મહોત્સવમાં અનંત ચૌદશના દિવસે વિસર્જન કરાય છે.

- text

ગણપતિ જળ તત્વના અધિપતિ હોવાથી વિઘ્નહર્તાની મૂર્તિનું જળમાં વિસર્જન કરવામાં આવે છે. જો ગણેશજીની પ્રતિમા માટીની બનાવેલી હોય તો કૂંડામાં પાણી ભરીને તેમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે. ત્યારબાદ તેમાં માટી નાંખીને છોડ ઉગાડી દેવાય છે. પરંતુ કૂંડામાં ક્યારેય તુલસીનો છોડ ઉગાડવામાં આવતો નથી. કારણ કે તુલસી ભગવાન ગણેશજીને ચઢાવવામાં આવતી નથી. તેમજ ગણેશજીની મોટી મૂર્તિઓને નદી-તળાવ જેવા જળાશયોમાં વિસર્જીત કરાય છે. આજે ગણેશ મહોત્સવના અંતિમ દિવસે જાણીએ ગણેશ વિસર્જનની રસપ્રદ કથા.

કહેવાય છે વેદ વ્યાસજી ભગવાન ગણેશને મહાભારતની કથા સંભળાવતા હતાં અને બાપ્પા તે લખતા હતાં. કથા સંભળાવતી વખતે વેદ વ્યાસજીએ પોતાના નેત્રો બંધ કરી દીધા. તેઓ દસ દિવસ સુધી કથા સંભળાવતા ગયા અને બાપ્પા તેને લખતા ગયાં. પરંતુ જ્યારે દસ દિવસ બાદ વેદ વ્યાસજીએ પોતાના નેત્ર ખોલ્યા તો ગણપતિજીના શરીરનું તાપમાન ખુબ વધી ગયું હતું. વેદ વ્યાસજીએ તેમનું શરીર ઠંડુ કરવા માટે તેમને જળમાં ડૂબકી લગાવી. જેથી તેમનું શરીર ઠંડુ પડી ગયું અને ગણેશજીને શીતળતા પ્રાપ્ત થઈ.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text