હળવદના ચિત્રોડી ગામમાં આભ ફાટયું : રસ્તાઓ પર ગોઠણડૂબ પાણી ભરાયા, ઘેટાં તણાયા

- text


એક તરફ ફલકું નદી અને એક તરફ બ્રાહ્મણી નદી વચ્ચે ગામ ટાપુમાં ફેરવાયું

રાત્રે સાડા દસ વાગ્યે પણ રસ્તા ઉપર કેડ સમાણા પાણી

હળવદ : આજે સાંજે હળવદથી 18 કિલોમીટર દૂર આવેલ ચિત્રોડી ગામે આભ ફાટયું હોય તેવી સ્થિતિ વચ્ચે જોરદાર વરસાદ તૂટી પડતા પળવારમાં ગામમાં પાણી પાણીની સ્થિતિ સર્જાઈ હતી. એક તરફ ફલકું નદી અને એક તરફ બ્રાહ્મણી નદી વચ્ચે ગામ ટાપુમાં ફેરવાઇ જતા સાંજે ઘેટાં બકરા લઈને પરત ફરી રહેલા બે માલધારીના ઘેટા બકરા પણ તણાઈ ગયા હતા. જો કે સરકારી તંત્ર હજુ આ બાબતથી અજાણ હોવાનું સામે આવ્યું છે.

હળવદ તાલુકા મથકેથી 18 કિલોમીટર દૂર બ્રાહ્મણી નદી અને ફલકું નદીના કાંઠે વસેલા ચિત્રોડી ગામમાં સાંજે અચાનક ધોધમાર વરસાદ તૂટી પડતા આભ ફાટયું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી અને ભારે વરસાદને પગલે ગામમાં વરસાદી પાણીના ધસમસતા પ્રવાહ ચાલુ થઈ જતા સીમમાંથી પરત ફરી રહેલા કાળુભાઇ ભરવાડ અને વેલાભાઈ ભરવાડના 25થી 30 જેટલા ઘેટાં પાણીના પ્રવાહમાં તણાવા લાગતા ગ્રામજનોએ સમય સુચકતા વાપરી માનવ સાંકળ રચી ઘેટાં બકરા બચાવી લીધા હતા.

આશ્ચર્ય જનક બાબત તો એ છે કે, હળવદ મામલતદારનો ચાર્જ માળીયા મામલતદાર પાસે હોવાથી આ ઘટનાક્રમથી તેઓ અજાણ હોવાનું અને સરપંચ દ્વારા કોઈ જાણકારી આપવામાં ન આવી હોવાનું જણાવ્યું હતું. એ જ રીતે તાલુકા વિકાસ અધિકારી પણ રજા ઉપર હોય આભ ફાટવાની ઘટનાથી સરકારી તંત્ર હજુ અજાણ જ હોવાનું સામે આવ્યું છે.

દરમિયાન ચિત્રોડી ગામના સરપંચ રમેશભાઈ રૂદાતલાનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે, આવો વરસાદ અમે ક્યારેય જોયો નથી. પળવાર જ ગામમાં પાણીના પ્રવાહ વહેવા લાગ્યા હતા અને ચિત્રોડી ગામ અલગ-અલગ ત્રણ વિભાગમાં વહેચાયેલું હોય બે ગામમાં જવાનો માર્ગ પણ ભારે વરસાદમાં તૂટી જવા પામ્યો છે. અને આ લખાય છે ત્યારે 10:50 કલાકે પણ કમરડૂબ પાણી ભરાયેલ હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.

- text

નોંધનીય છે કે, આજે બપોરના સમયે હળવદ તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. અને માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની મગફળી, ધાણા, જીરુંનો અંદાજે રૂપિયા 25 લાખ જેટલો જથ્થો પલાળી નાખ્યા બાદ સાંજના સુમારે હળવદના ચિત્રોડી ગામને મેઘરાજાએ રીતસર ધમરોળી નાખ્યું હતું.

- text