બંદૂકને કોરોના! મોરબી જિલ્લામાં કમરે ફટાકડી ટીંગાડવાનો ક્રેઝ ઘટી ગયો

- text


કોરોના કાળમાં હથિયાર પરવાના મેળવવા માટેની અરજીનું પ્રમાણ ઘટ્યું : મોરબીમાં અંદાજે 650 જેટલા લોકો ધરાવે છે બંદૂકડી!

મોરબી : મોરબી જિલ્લામાં બંદૂકને પણ કોરોના થયો હોય તેમ કોરોના કાળમાં કમરે ફટાકડી લટકાવવાનો શોખ ઘટી ગયો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. છેલ્લા ત્રણેક માસમાં હથિયાર પરવાનો મેળવવા માટે માત્ર પાંચ કે છ અરજીઓ જ થઇ છે, હાલ જિલ્લામાં અંદાજે કુલ 650 લોકો સ્વ રક્ષણનો હથિયાર પરવાનો ધરાવે છે.

સિરામિક હબ મોરબી જિલ્લામાં નાણાંકીય હેરફેર અને અન્ય કારણોસર સ્વ રક્ષણ માટે હથિયાર પરવાનો મેળવી કમરે બંદૂકડી લટકાવવાનો શોખ ખુબ જ ફૂલ્યો ફાલ્યો છે અને સમગ્ર જિલ્લામાં અંદાજે 650 જેટલા લોકો હાલમાં હથિયાર પરવાનો ધરાવતા હોવાનું જિલ્લા કલેકટર કચેરીના સત્તાવાર સુત્રોમાંથી જાણવા મળે છે. જો કે કોરોના મહામારી વચ્ચે છેલ્લા ત્રણેક માસમાં સ્વ રક્ષણ માટે હથિયાર પરવાનો મેળવવાના શોખમાં જાણે ઓટ આવી હોય તેવી સ્થિતિ હાલમાં પ્રવર્તી રહી છે.

- text

સ્વ રક્ષણ માટે હથિયાર પરવાનો આપવાની કામગીરી કરતી જિલ્લા કલેકટર કચેરીની મેજિસ્ટ્રેરિયલ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા મુજબ માર્ચથી મે માસ દરમિયાન નવો હથિયાર પરવાનો મેળવવા માત્ર પાંચ કે છ જેટલી જ અરજીઓ થવા પામી છે. નોંધનીય છે કે કોરોના મહામારીમાં જિલ્લા કલેકટર સિવિલ હોસ્પિટલની મુલાકાત વેળાએ પૂર્વ ધારાસભ્યે હથિયાર પરવાના આપવામાં ચાલતી લાલીયાવાડી અંગે જાહેરમાં તંત્રની ટીકા કરી હતી ત્યારે જોગાનું જોગ આ બે માસમાં નવી અરજીઓ ઘટી હોવાનું પણ સૂચક મનાઈ રહ્યું છે.

- text