થર્ડ ફાયરિંગ અને યુવી પ્રિન્ટીંગ સિરામિક યુનિટો માટે ભગવાન બન્યા તારણહાર

- text


કોરોના કાળમાં પણ બાંગ્લાદેશ, નેપાળ અને ડોમેસ્ટિક માર્કેટમાં ઈશ્વર, અલ્લાહની પ્રિન્ટવાળી ટાઇલ્સની ડિમાન્ડ : 8000 જેટલા લોકોને મળે છે રોજગાર

મોરબી : વૈશ્વિક મહામારી કોરોનાની બીજી લહેરમાં દેશવ્યાપી લોકડાઉનને કારણે સીરામીક હબ મોરબીને જબરો ફટકો પડયો છે અને 40 ટકાથી વધુ સિરામિક એકમોમાં તૈયાર માલનો ભરાવો થતા શટડાઉન જેવી સ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે ડેકોરેટિવ ટાઇલ્સ એકમો કે જેઓ ઈશ્વર, અલ્લાહ, સહિતના તમામ ધર્મના ભગવાનોની ટાઇલ્સ બનાવે છે તેવા થર્ડ ફાયરિંગ અને યુવી પ્રિન્ટિંગ સિરામિક યુનિટોને જરાપણ મંદીનું ગ્રહણ નડયું નથી અને દેશમાં જ નહીં બલ્કે બાંગ્લાદેશ અને નેપાળ સહિતના દેશમાં જબરું એક્સપોર્ટ પણ કરી રહ્યા છે.

સિરામિક ક્લસ્ટર મોરબીમાં હાલમાં અતિ આધુનિક ટેકનોલોજી ધરાવતા એકએકથી ચડિયાતા ટાઇલ્સ, સેનેટરીવેર્સ યુનિટો વચ્ચે પણ હેન્ડમેઇડ ડેકોરેટિવ ટાઇલ્સ બનાવતા આઠ જેટલા એકમો આવેલા છે. થર્ડ ફાયરિંગ અને યુવી પ્રિન્ટિંગ યુનિટના નામે ઓળખાતા આ ડેકોરેટિવ ટાઇલ્સ એકમોમાં વિશેષતઃ દરેક ધર્મ, પંથને અનુરૂપ ભગવાનના પિક્ચર્સ વાળી અદભુત ટાઇલ્સ, ગોલ્ડ – સિલ્વર બોર્ડર, વિટ્રોસા બોર્ડર, ગ્લાસ હાઈલાઈટર્સ સહિતની અનેક વેરાયટી ટાઇલ્સ બનાવવામાં આવે છે અને કામગીરીમાં આજે પણ મશીનના બદલે અનેક ઓપરેશનમાં હેન્ડવર્ક કરવામાં આવે છે.

ડેકોરેટિવ ટાઇલ્સ સહિત અનેક વેરાયટી ટાઇલ્સ બોર્ડરનું ઉત્પાદન કરતા સેરા ડેકોરેટર્સના ઉદ્યોગપતિ કહે છે કે, હાલમાં વોલ, ફ્લોર અને વિટરીફાઇડ ટાઇલ્સ એકમોમાં મંદીનો માહોલ છે પરંતુ અમારા ડેકોરેટિવ પ્રોડક્શનમાં જરા પણ મંદીના અણસાર નથી, હાલમાં ડોમેસ્ટિક ઉપરાંત બાંગ્લાદેશ અને નેપાળ સહિતના રાજ્યમાં ડેકોરેટિવ ટાઇલ્સ ઉપરાંત ગોડ પિક્ચર ટાઇલ્સની વિવિધ વેરાયટીઓની સારી એવી ડિમાન્ડ છે અને મોરબીમાં આવેલા થર્ડ ફાયરિંગ અને યુવી યુનિટો દિવસ રાત ધમધમી રહ્યા છે.

વધુમાં મોરબીમાં ડેકોરેટિવ ટાઇલ્સનું ઉત્પાદન કરતા આઠેક એકમો આવેલા છે અને આ તમામ એકમો ઉપરાંત સાઈડવર્ક મળી થર્ડ ફાયરિંગ અને યુવી પ્રિન્ટિંગક્ષેત્રે 8000 જેટલા લોકો રોજગારી મેળવી રહ્યા છે. સામાન્યરીતે સિરામિક ટાઇલ્સની પેટી 80 રૂપિયાથી લઈ શરૂ થતી હોય છે ત્યારે હાલમાં વિવિધ ગોડ ટાઇલ્સ રૂપિયા 8થી લઈ 6000 રૂપિયા પ્રતિ સેટના ભાવે વેચાણ થતું હોવાનું તેઓ ઉમેરે છે.

- text

નોંધનીય છે કે ગરીબનું કાચું પાકું બાંધકામ હોય કે ધનિક વર્ગનો બંગલો હોય જે તે ધર્મને અનુસરતી વ્યક્તિ પોતાના ધર્મ, પંથને અનુસરી પોતાના ઘર, ઓફીસ કે અન્ય વ્યવસાયિક સ્થળે પોતાના ભગવાનની ડેકોરેટિવ ટાઇલ્સ, હાઈલાઈટર્સ સહિતની ચીજોનો ઉપયોગ કરતા હોય છે અને દેશ બહાર પણ આ પરંપરા મુજબ ગોડ ટાઇલ્સની ડિમાન્ડ રહેતી હોવાથી ડેકોરેટિવ ટાઇલ્સ ઉદ્યોગને મંદીનો સામનો કરવો પડ્યો નથી અને કોરોના કાળમાં ભગવાન ખરાઅર્થમાં તારણ હાર બન્યા છે.

મોરબીના ડેકોરેટિવ ટાઇલ્સ વર્કમાં વિટ્રોસા બોર્ડર, ગ્લાસ હાઈલાઈટર્સ, વિટ્રોસા ગોડ પિક્ચર્સ, ચાઇના પેન્સિલ બોર્ડર, લેમીનેશન ઝરી ગોડ પિક્ચર્સ, ડીઝીટલ ગોડ પિક્ચર્સ, થ્રિડી ક્રિસ્ટલ ટાઇલ્સ, ચાઇના ગોલ્ડન રંગોલી, હાઈ ગ્લોઝ ટાઇલ્સ, ગોલ્ડન હાઈલાઈટર્સ એન્ડ બોર્ડર, પ્લાસ્ટિક ડીઝીટલ મૂર્તિ, ડીઝીટલ બોર્ડર ટાઇલ્સ સહિતની અનેક વેરાયટીઓનું પ્રોડક્શન થાય છે અને તેમાં વિશેષતઃ મશીનને બદલે માનવ કલાકારીની છાપ સ્પષ્ટ પણે જોવા મળે છે.

- text