મોરબીની 22 જેટલી સનમાઈકા ફેકટરીઓની શુક્રવારથી એક સપ્તાહની હડતાળ

- text


કાચા માલમાં અસહ્ય ભાવ વધારાને લઈને વર્કડાઉનની જાહેરાત: અંદાજે ત્રણ હજાર શ્રમિકો-કર્મચારીઓ એક સપ્તાહ સુધી બેરોજગાર થશે

મોરબી: મોરબીમાં આવેલી આશરે 22 જેટલી લેમીનેટ્સ (સનમાઈકા) બનાવતી ફેકટરીઓ આજે શુક્રવારથી સાત દિવસ સુધી વર્કડાઉન પર ઉતરી જતા આ ફેક્ટરીઓમાં કામ કરતા અંદાજે 3000 શ્રમિકો-કર્મચારીઓ બેરોજગાર બન્યા છે. કાચા માલના સપ્લાયરોએ કાર્ટેલ રચી અસહ્ય ભાવ વધારો ઝીંકતા તેના વિરોધમાં આ હડતાળ કરવામાં આવી છે.

સનમાઈકા બનાવતી સૌરાષ્ટ્રમાં અંદાજે 27 જેટલી ફેકટરીઓ આવેલી છે. જેમાંથી આશરે 22 જેટલી તો માત્ર મોરબીમાં જ છે. સનમાઈકા બનાવવામાં વપરાતા મુખ્ય ઘટક એવા
એગજોમન ક્રાફ્ટની 12 મિલ તથા ફોર્મલ ડી.એચ. કેમિકલના સૌરાષ્ટ્રમાં ત્રણ પ્લાન્ટે કાર્ટેલ કરીને 25થી 30 ટકા ભાવ વધારો કરતા સનમાઈકા ફેકટરી સંચાલકોએ એના વિરોધમાં આ હળતાલનું એલાન કર્યું છે.

- text

ઉલ્લેખનીય છે કે મોરબીમાં આવેલી આશરે 22 જેટલી ફેક્ટરીઓમાં સરેરાશ એક ફેકટરી દીઠ એક લાખ શીટનું ઉત્પાદન ગણતા અંદાજે 22 લાખ શીટનું ઉત્પાદન ઠપ્પ થઈ ગયું છે. એક ફેકટરીમાં સરેરાશ 120 કર્મચારીઓની ગણતરી કરતા આશરે 3 હજાર કર્મચારીઓ બેરોજગાર થયા છે. હવે જોવું રહ્યું કે, એક સપ્તાહની આ હડતાળ બાદ સનમાઈકા ફેકટરીના માલિકોની માંગણી સંતોષાય છે કે નહીં.

- text