ઓરેવા ગ્રુપ તેના કર્મચારીઓનો વેકસીનનો ખર્ચ જાતે જ ઉઠાવશે, સરકાર ઉપર આર્થિક ભારણ ઘટાડવા પ્રેરણાદાયી પહેલ

- text


 

પીપીપી મોડલ મુજબ કોવિડ -19 રસીનો ખર્ચ ઉઠાવી સરકાર ઉપર આર્થિક બોજ ઘટાડવા જયસુખભાઈ પટેલનો સરાહનીય નિર્ણય

મોરબી : કોરોનાની વેકસીન આવ્યે તેને છેવાડાના માનવી સુધી પહોંચાડવા સરકારે અત્યારથી જ એક્શન પ્લાન ગોઠવી લીધો છે. દરેક નાગરિકોને વેકસીન પુરી પાડવાથી સરકાર ઉપર આર્થિક ભારણ પણ વધવાનું છે. તેની સામે ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખભાઈ પટેલે સરાહનીય પહેલ કરી છે. જેમાં તેઓએ રાજ્ય સરકારને પત્ર લખી ઓરેવા ગ્રુપના તમામ કર્મચારીઓનો વેકસીનનો ખર્ચ જાતે જ ઉપાડવાની તૈયારી દાખવી છે.

સરકાર કોરોના વાયરસ સામે સામૂહિક રસીકરણ ઝુંબેશની તૈયારી કરી રહી છે. દેશના દરેક જરુરીયાતમંદ લોકો સુધી કોવિડ વેક્સીન પહોચી શકે તેના માટે સરકારના આદેશથી તમામ સરકારી તંત્ર તનતોડ પ્રયાસ કરી રહ્યા છે. એઇમ્સના અગ્રણી આરોગ્ય ચિકિત્સક તેમજ ઘણા મહાનુભાવોએ પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ અને સાથ સહકારની ભાવનાથી આ મહા અભિયાનમાં કામ કરવા આહવાન કર્યું છે. જેથી રસીકરણનું મહાઅભિયાન સરળ અને આર્થિક બોજ રહિત બને.

મોરબી સ્થિત વિશ્વવિખ્યાત અજંતા ઓરેવા ગ્રુપમાં હજારો કર્મચારીઓ કાર્યરત છે. માત્ર મોરબી જ નહિ પણ આજુબાજુના 60 કિલોમીટર સુધીના વિસ્તારમાં પથરાયેલ ઘણા બધા ગામોના કર્મચારીઓ ઓરેવા ગ્રુપ સાથે જોડાયેલા છે. ત્યારે અજંતા ઓરેવા ગ્રૂપે ગુજરાત સરકારને પત્ર લખીને તેના કર્મચારીઓ માટે કોવિડ -19ની રસીકરણનો ખર્ચ ઉઠાવવાની કંપનીએ ઈચ્છા વ્યક્ત કરી છે અને સરકારની ગાઈડલાઈન મુજબ કંપનીના પ્રસ્તાવને આગળ ધપાવી રાજ્યના માર્ગદર્શનની પણ અપેક્ષા સેવી છે.

- text

કર્મચારીઓને કંપનીના ખર્ચે રસી અપાવવા અજંતા ઓરેવા ગ્રુપ જવાબદાર બિઝનેસ સમૂહ તરીકે તેમની ફરજ બજાવી વિશાળ અને પડકારજનક રસીકરણ અભિયાનમાં સહભાગી થવા માંગે છે. અજંતા ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખભાઈ પટેલ જણાવે છે કે પીપીપી મોડલ હેઠળ આ પ્રકારે સામુહિક પ્રયાસ દરેક સ્ટેટની દરેક કંપનીઓ દ્વારા કરવામાં આવે તો નબળી આર્થિક શક્તિ ધરાવતા કર્મચારીઓને કોવીડની રસી સરળતાથી મળી શકે અને સરકાર પર રહેલ આર્થિક ભાર હળવો કરી શકાય.અને સાથે સાથે બધા જનસમુદાયને રસી સમયસર મળી શકે.

- text