ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ અને અમિત ચાવડાએ મોરબીમાં સંબોધી જંગી જાહેર સભા

- text


આ બેઇમાન સામે ઈમાનદારની અને ગદ્દાર સામે વફાદારની લડાઈ છે : અમિત ચાવડા

ગદ્દારને તેનું સાચું સ્થાન બતાવી દેવાનો ત્રણ તારીખે અવસર છે : રાજીવ સાતવ

મોરબી : ચૂંટણી પ્રચાર બંધ થવા આડે હવે માત્ર ત્રણ દિવસ બાકી રહ્યા છે ત્યારે ગુરુવારે રાત્રે મોરબીના બાપાસીતારામ ચોકમાં કોંગ્રેસની વિશાળ જાહેર સભા યોજાઇ હતી. આ જાહેર સભામાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને રાજ્યસભાના સાંસદ રાજીવ સાતવ અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, ધારાસભ્યો તેમજ લલિત કગથરા સહિતના નેતાઓએ જનતા જનાર્દનને સંબોધી હતી.

કોંગ્રેસના ઉમેદવાર જ્યંતીલાલ પટેલ માટે લોક સમર્થન મેળવવા યોજાયેલી કોંગ્રેસની આ જાહેર સભામાં વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ અને જાહેર જનતા ઉમટી પડતા બાપા સીતારામ ચોક ખાતે જાણે માનવ મહેરામણ ઊભરાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર જયંતીભાઈ પટેલે આ તકે જણાવ્યું હતું કે, હું તમારો નેતા નહીં સેવક બનવા માટે આવ્યો છું. પચાસ વર્ષોથી મોરબીમાં રહું છું, મોરબીનો જ છું અને મોરબીનો જ રહેવાનો છું. જયંતીલાલ પટેલે ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા પર શાબ્દિક પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, પાંચ વર્ષ સુધી આપની સેવા કરવાનો મેન્ડેટ તમે તેમને આપ્યો હતો, તે રૂપિયાની લાલચમાં વેચાઈ ગયા અને રાતોરાત મોરબીની જનતાને ભગવાન ભરોસે છોડી ભાજપમાં ભળી ગયા. જયંતીલાલ પટેલે ગુજરાતની ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, મોરબીના ઉદ્યોગકારોને ભાજપની સરકાર ડરાવી ધમકાવીને પોતાના તરફે મતદાન કરવા જણાવી રહી છે. સિરામિક ઉદ્યોગની પરેશાની વખતે 22 દિવસના અંદોલન બાદ જ્યારે ઉદ્યોગકારોને ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા ત્યારે બંધ રૂમમાં બેસાડીને તેઓને ધમકાવવામાં આવ્યા હતા અને આંદોલન સમેટી લેવા માટે જણાવ્યું હતું. આ લોકશાહીના સિદ્ધાંતોની બિલકુલ વિરોધી બાબત છે. જે ભારતીય જનતા પાર્ટીનું કલ્ચર છે. સિરામિક ઉદ્યોગકારોને હિંમત આપતા જયંતીલાલ પટેલે જણાવ્યું હતું કે, આપે કોઈનાથી ડરવાની કે ગભરાવાની જરૂર નથી. બે વર્ષ માટે મને ધારાસભ્ય પદે ચૂંટીને મોકલી જુઓ એટલે તેઓને હું બતાવીશ કે એક ઈમાનદાર ધારાસભ્યોનો પાવર કે તાકાત કેવી હોઈ શકે. કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, જો આપ મને ધારાસભ્ય પદે ચુંટીને મોકલશો તો મારા ત્રણ કાર્યો મુખ્ય રહેશે જેની આજે હું ખાતરી આપું છું. જેમાં પહેલું કામ ધારાસભ્ય તરીકે મને મળનારો પગાર, ભાડા ભથ્થા હું મોરબી માળીયાની ગરીબ જનતા માટે વાપરીશ. મારું બીજું કાર્ય આરોગ્ય ક્ષેત્રે મોરબીનું પછાતપણુ દુર કરવાનું રહેશે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સરકારી હોસ્પિટલની કથળેલી સ્થિતિ હું સૌથી પહેલા સુધારીશ. ત્રીજું કાર્ય શિક્ષણ ક્ષેત્રે સરકારી શાળાઓ, હાઈસ્કૂલો અને કોલેજનું સ્તર સુધરે એ માટે સંનિષ્ઠ પ્રયાસ કરીશ. ગુજરાતના શિક્ષણ માફિયાઓ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીની આ સરકારે કુલડીમાં ગોળ ભાંગીને કોરોના કાળ દરમિયાન બંધ પડેલી શાળાઓ તરફથી માત્ર ૨૫ ટકા ફી માફી કરી અને ૭૫ ટકા ફી ઉઘરાવવાની ખુલ્લેઆમ છૂટ આપી. તે શિક્ષણ લેતા બાળકો અને તેમના વાલીઓ સાથે અન્યાય છે. જયંતીભાઈ પટેલે વિશાળ જનસમુદાયને કોંગ્રેસને જીતાડવા માટેની અપીલ કરતા અંતમાં જણાવ્યું હતું કે, આ પહેલાની ચૂંટણીમાં આપના થોડા આશીર્વાદ ઓછા પડ્યા હતા પરંતુ મને લાગે છે કે આ પેટાચૂંટણીમાં આપના ખૂબ ખૂબ આશીર્વાદ મળશે અને ગાંધીનગર ખાતે એક નેતા બનીને નહીં આપનો સેવક બનીને હું મોરબીનું તમામ જાતનું હિત નિષ્ઠાપૂર્વક નિભાવીશ.

આ તકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે પાર્ટી છોડી ગયેલા અને હાલ ભાજપમાંથી ચૂંટણી લડતા બ્રિજેશ મેરજા પર વાકબાણ ચલાવ્યા હતા અને મેરજાને એક ગદ્દાર વ્યક્તિ ગણાવ્યા હતા. રાજીવ સાતવે પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે, રાજીનામું આપ્યા બાદ બ્રિજેશ મેરજાના નિવેદન પ્રમાણે કોંગ્રેસમાં કામ થતાં ન હોવાથી તેઓએ રાજીનામું આપ્યું હતું. આ બ્રિજેશ મેરજાનું જૂઠાણું છે એમ કહીને રાજીવ સાતવે જણાવ્યું હતું કે જનતાનું કામ કરવા માટે છાતીમાં દમ હોવો જોઈએ, અવાજ ઉઠાવવા માટે દમ હોવો જોઈએ. પણ ગદ્દાર હોય છે તેનામાં આવો દમ હોતો નથી. 2017માં અમે મેરજા પર ભરોસો મૂક્યો અને મોરબીની જનતાએ કોંગ્રેસ પર ભરોસો મૂક્યો. પણ બ્રિજેશ મેરજાએ ભરોસો તોડીને રૂપિયાની લાલચમાં ભાજપમાં ભળી ગયા. આવા ગદ્દારને પાઠ ભણાવવાની 3 તારીખ નક્કી થઈ છે એટલે કચકચાવી એક નંબરનું બટન દબાવજો. મોરબી ક્યારે બે નંબરના કામ કરતું નથી અને કોંગ્રેસનો ઉમેદવાર એક નંબર પર છે. આથી મોરબીની તાસીર પ્રમાણે એક નંબરનું કોંગ્રેસના પંજાના નિશાન વાળુ બટન દબાવી જયંતીલાલ જેરાજભાઈ પટેલને જંગી બહુમતીથી વિજય બનાવશો એવી અપીલ કરીને રાજીવ સાતવે અંતમાં કહ્યું હતું કે, ભાજપ આત્મનિર્ભર બનવાની વાતો કરે છે પણ અત્યારે તેના અડધા મંત્રીમંડળમાં કોંગ્રેસમાંથી ગયેલા ગદ્દારો મંત્રી પદે રહેલા છે.

- text

સભામાં અમિત ચાવડાએ ગુરુવારે અવસાન પામેલા ભાજપના દિગ્ગજ નેતા કેશુભાઈ પટેલને શરૂઆતમાં શબ્દાંજલી આપી હતી અને બાદમાં બે મિનિટનું મૌન ઊપસ્થિત જન સમુદાય પાસે પળાવ્યું હતું. અમિત ચાવડાએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, સત્તાની લાલચમાં ભાજપે કોંગ્રેસના 8 ગદ્દારોને કરોડો રૂપિયામાં ખરીદ્યા છે. રાજ્યસભાની એક બેઠક વધે એ માટે આડા રસ્તે એકઠા કરેલા કરોડો રૂપિયાના કોથળા ભાજપે ખુલ્લા મૂકી દીધા હતા જેમાં મેરજા જેવા ગદ્દારો વેચાઈ ગયા છે. મેરજાએ કોંગ્રેસનો જ નહીં પણ લાખો મતદારોનો વિશ્વાસઘાત કર્યો છે. મળેલા જનાદેશનું અપમાન કર્યું છે. આવા વિશ્વાસઘાતીને સબક શીખવાડવા માટે 3 તારીખે કોંગ્રેસને મત આપીને જયંતીભાઈ પટેલને ખૂબ મોટી લીડથી વિજયી બનાવશો એમ કહી અમિત ચાવડાએ ઉમેર્યું હતું કે, આ માત્ર પેટા ચૂંટણી જ નથી પણ એક લડાઈ છે. બેઈમાન સામે ઈમાનદારની અને ગદ્દાર સામે વફાદારની લડાઈ છે. આ લડાઈમાં જીત ઈમાનદારી અને વફાદારીની જ થશે એવો આત્મવિશ્વાસ અમિત ચાવડાએ વ્યક્ત કર્યો હતો અને મોરબીના હિત માટે ઈમાનદાર અને સ્વચ્છ વ્યક્તિત્વને ચૂંટવા માટે પુનઃ અપીલ કરી હતી.

- text