જ્યંતીલાલ પટેલે કેરાળા, ભરતનગર સહિતના ગામોમાં પ્રચાર અભિયાન ચલાવ્યું

અલગ અલગ વિસ્તારોમાં ચૂંટણી કાર્યાલયો ખુલ્લા મૂકી છેલ્લી ઘડીની રણનીતિ તૈયાર કરતા કોંગ્રેસના ઉમેદવાર

મોરબી : ગુરુવારે રાત્રે મોરબીના બાપા સીતારામ ચોકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી અને રાજ્યસભાના સાંસદ રાજીવ સાતવની જાહેરસભા યોજાય એ પહેલાં દિવસ દરમ્યાન કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ પટેલે વિવિધ ગામોનો ચૂંટણી પ્રચાર માટે પ્રવાસ કર્યો હતો.

“જીતશે જયંતિલાલ” અને “આપનો નેતા નહીં-સેવક બનવા આવ્યો છું”ના સૂત્ર સાથે જયંતિલાલે આજે વિવિધ વિસ્તારોમાં કોંગ્રેસના કાર્યાલયોના ઉદ્ઘાટન કરી કાર્યકરોને છેલ્લી ઘડીની મહેનતમાં લાગી જવાનું આહવાન કર્યું હતું. “વિજય કૂચ” અભિયાન દરમ્યાન જયંતીલાલ પટેલે ગુરુવારે કેરાળા ગામ અને ભરતનગર ગામની મુલાકાત લઈ સ્થાનીય આગેવાનો સાથે મળી ગ્રામજનો પાસે કોંગ્રેસને મત આપવાની અપીલ કરી હતી. સ્થાનીય કાર્યકરોને સાથે રાખી કોંગ્રેસની રણનીતિ અને મુદ્દાઓ સમજાવી ઘેર ઘેર પહોંચી લોકસંપર્ક મજબૂત બનાવવાનું આહવાન કરી પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.