હળવદમાં મગફળીના નીચા ભાવને લઇને ખેડૂતોનો હોબાળો : હરાજી બંધ કરાઈ

આવતીકાલે હળવદ માર્કેટ યાર્ડમાં મગફળીની આવક બંધ રહેશે, ગઈકાલ કરતા આજે ૫૯થી ૬૦ રૂ. બજાર નીચી રહેતા ખેડૂતોમાં રોષ
માર્કેટ યાર્ડમાં મગફળીની આવકનો ભરાવો થઇ જતાં આવતીકાલ માટે આવક બંધ રખાઇ છે : મહેશભાઈ પટેલ

હળવદ : હાલ હળવદ માર્કેટ યાર્ડમાં હળવદ સહિત આજુબાજુના તાલુકાના મોટી સંખ્યામાં ખેડૂતો કપાસ અને મગફળી વેચવા માટે આવી રહ્યા છે ત્યારે આજે ખેડૂતોને ગઇકાલ કરતાં મગફળીનો ભાવ નીચો રહેતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો અને માર્કેટ યાર્ડના સત્તાધીશોને રજૂઆત કરવા દોડી ગયા હતા અને હરરાજી બંધ કરવા જણાવાયું હતું. જેથી, હરરાજી બંધ કરવામાં આવી છે તો સાથે જ યાર્ડમાં મગફળીની આવકનો ભરાવો થઈ ગયો હોવાથી આવતીકાલે મગફળીની આવક બંધ રાખવાનો નિર્ણય માર્કેટ યાર્ડ દ્વારા કરવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.

હાલ રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે પણ મગફળી ખરીદી કરવામાં આવી રહી છે પરંતુ તેના કરતાં ખેડૂતોને ઓપન બજારમાં સારો એવો ભાવ મળી રહેતો હોય. જેથી, ટેકાના ભાવે મગફળી વેચવાને બદલે ઓપન બજારમાં ખેડૂતો મગફળી વેચવાનું વધુ પસંદ કરી રહ્યા છે. જો કે આજે એકાએક ગઇકાલ કરતાં ૫૦ થી ૬૦ રૂ.નો મગફળીનો ભાવ ગગડી જતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો અને હળવદ માર્કેટ યાર્ડમાં હોબાળો મચાવ્યો હતો. સાથે જ માર્કેટના અધિકારીઓને રજૂઆતો કરવામાં આવી હતી.

જેમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી મગફળીના યોગ્ય ભાવ ન મળે ત્યાં સુધી માર્કેટયાર્ડમાં હરરાજી બંધ કરવામાં આવે. જેથી, આજે હળવદ માર્કેટ યાર્ડમાં મગફળીની હરાજી બંધ કરવામાં આવી છે. સાથે જ આજે એક દિવસમાં ૧૩,૦૦૦ મણ જેટલી મગફળીની આવક હળવદ માર્કેટ યાર્ડમાં નોંધાઈ છે. જેથી, આવતીકાલે એટલે કે ૨૯ને ગુરુવારના રોજ હળવદ માર્કેટ યાર્ડમાં મગફળીની આવક લેવામાં આવનાર નહીં હોવાનું હળવદ માર્કેટ યાર્ડ દ્વારા જણાવાયું છે. સાથે જ આજે જે મગફળીની આવક થઈ છે તેની આવતીકાલે હરાજી કરવામાં આવશે તેમ પણ જાણવા મળ્યું છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate