ટંકારા : સ્મશાન તરફ જતા માર્ગની દુર્દશાથી હાલાકી ભોગવતા હજારો નાગરિકો

- text


કામચલાઉ રીપેરીંગ કરેલા માર્ગ પર ઉડતા કપચી-કાંકરાથી ભયજનક અકસ્માતોનું તોળાતું જોખમ 

ટંકારા : હાલ ચૂંટણી વ્યવસ્થામાં વ્યસ્ત તંત્ર અને લાગુ થયેલી ચૂંટણી આચાર સંહિતા વચ્ચે મોરબીના જે વિસ્તારમાં મુખ્યમંત્રીની જાહેરસભા યોજવવા જઈ રહી છે એ વિસ્તારની રાતોરાત કાયાપટલ કરી દેવાતા ટંકારાવાસીઓમાં આશ્ચર્ય સાથે ભારોભાર નારાજગી પ્રવર્તી રહી છે. કેમકે ટંકારાના સ્મશાને જતા માર્ગ પર ચોમાસા પહેલાથી જ રિપેરીંગના નામે કરાયેલા અણધડ કામને લઈને સ્થાનિકો તેમજ વાંકાનેર તરફથી આવતા જતા વાહનચાલકો ભારે હાડમારી ભોગવી રહ્યા છે. ત્યારે તંત્ર તરફથી ઠાલા અશ્વાસનો સિવાય કશી નક્કર કામગીરી કરવામાં આવતી નથી.

ટંકારાના અમરાપર ટોળ રોડ પર સ્થિત મુખ્ય સ્મશાનગૃહ તરફ જવાના માર્ગે ચાલુ વર્ષે થયેલા વરસાદ બાદ ગાબડા પડી ગયા હતા. વારંવારની રજૂઆતો બાદ તંત્ર દ્વારા આ માર્ગ પર માટી, કપચી અને પથ્થરો નાંખી ગાડું ગબડાવાયું હતું. જે ટૂંક સમયમાં જ હતું ન હતું થઈ જતા આ માર્ગ પરથી પસાર થતા અસંખ્ય વાહનચાલકો, ખેતીના પાક લઈને પસાર થતા ખેડૂતો, સ્મશાને જતા ડાઘુઓ અને સ્થાનિક રહેવાસીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ટૂંક સમયમાં આ માર્ગ વ્યવસ્થિત રીપેર થઈ જશે એવા ઠાલા વચનો આપતા તંત્રવાહકોએ છેલ્લે છેલ્લે આચારસંહિતા પુરી થયા બાદ ડામરકામ કરવાનું આશ્વાસન આપ્યું હતું.

ત્યારે બુધવારે મોરબીમાં યોજાનાર મુખ્યમંત્રીની જાહેરસભાને લઈને કરવામાં આવેલી સાફસફાઈ અને માર્ગ રીપેરીંગમાં આચાર સંહિતા આડે કેમ ન આવી એવો સવાલ ટંકારાવાસીઓના મનમાં ઉદ્દભવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લા પંચાયતના સદસ્ય મહેશ રાજકોટિયાએ પણ ઉક્ત માર્ગ રીપેર કરવા બાબતે સૂચનાઓ આપી હતી છતાં તંત્ર દ્વારા સમસ્યાનો નિવેડો ન આવતા સ્થાનિકોમાં ભારોભાર નારાજગી પ્રવર્તી રહી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text