મોરબી : મુખ્યમંત્રી જે રૂટ પરથી પસાર થવાના છે તે રસ્તાઓની 48 કલાકમાં જ કાયાપલટ!!

- text


મોરબીના તંત્રએ 48 કલાકમાં નવા રસ્તા અને સફાઈ કરી સાબિત કરી દીધું કે તંત્ર ધારે તો એક ઝાટકે લોકોની સમસ્યા હલ કરી શકે છે!!

મોરબી : મોરબી વિધાનસભા પેટા ચૂંટણી અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે. એક તરફ તંત્ર ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત છે તો બીજી તરફ રાજકીય પક્ષ પણ પ્રચાર પ્રસાર માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આગામી 28 ઓક્ટોબરના રોજ સીએમ વિજય રૂપાણી પણ મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં સભા ગજાવવાના છે.

ત્યારે સીએમની મોરબી મુલાકાતને પગલે મોરબી વહીવટી તંત્ર સક્રિય બની ગયું છે. સીએમનું હેલિપેડ સામાંકાઠા વિસ્તારમાં પરશુરામ પોટરી ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવ્યું છે. હેલિપેડથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધીનો રૂટ 4 કિમીનો છે. અને આ રૂટમાં સીએમને સબ સલામત દેખાડવા તંત્ર છેલ્લા 48 કલાકથી સક્રિય થઈ ગયું છે. અને મુખ્યમંત્રી જે રૂટ પરથી પસાર થવાના છે તે રૂટ પરના રોડને મઢવાનું કામ, રોડ આસપાસ સફાઈ, દવાનો છટકાવ કરવા સહિત વર્ષોથી બંધ પડેલી કે ચોરાઈ ગયેલી લાઈટોની જગ્યાએ નવી લાઈટ ફિટ કરવામાં આવી રહી છે.

હાલ તંત્ર જે રીતે કામગીરી કરી રહ્યું છે તે જોતા એક વાત સ્પષ્ટ છે કે મોરબીનું તંત્ર પ્રજાને સુવિધાઓ આપવા સક્ષમ છે જો 48 કલાકમાં આટલી કામગીરી થઈ શકતી હોય તો વર્ષના 365 દિવસમાં સમગ્ર શહેરને રળિયામણું અને સુવિધા યુક્ત બનાવી શકાય તેમ છે. પણ તેના માટે ઇચ્છાશક્તિની જરૂર છે. આ ઈચ્છા શક્તિ નેતાઓની મુલાકાત સમયે આવે તેના બદલે કાયમી પણ રાખવામાં આવે તો છેલ્લી ઘડીએ જે દોડધામ જોવા મળે તેની કદાચ જરૂરિયાત પણ ન પડે.

જ્યારે ભાજપના પ્રચાર માટે આવતા મુખ્યમંત્રીથી કોઈને ફાયદો થાય કે ના થાય પરંતુ મોરબીના લોકોને હાલ તો નેતાની મુલાકાતનો થોડો ઘણો ફાયદો થયો છે. ત્યારે લોકો હળવી શૈલીમાં એવી ટકોર પણ કરી રહ્યા છે કે મોરબીના તંત્રને જગાડવા મુખ્યમંત્રીએ મહિનામાં એક વાર મોરબીની મુલાકાત લેવી જોઈએ અને દર વખતે અલગ અલગ રૂટ પરથી પસાર થવું જોઈએ જેથી મોરબીના રોડ રસ્તાની તો કાયાપલટ થતી રહે..!!!

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text