મોરબી પાલિકા પ્રમુખ કેતન વિલપરા અને 8 સભ્યોના કેસરિયા !!

કોંગ્રેસના 100 જેટલા કાર્યકરોએ પક્ષ સાથે છેડો ફાડી ભાજપનો ખેસ પહેર્યો

મોરબી : મોરબી- માળિયા વિધાનસભાની પેટાચૂંટણી ટાણે જ કોંગ્રેસમાં ભંગાણ શરૂ થયું છે. અગાઉ જિલ્લા પંચાયત પ્રમુખ બાદ હવે પાલિકા પ્રમુખ અને પાલિકાના અન્ય 8 સભ્યોએ આજે કેસરિયા કરી લીધા છે.

મોરબી- માળિયા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના ટિકિટની ફાળવણીને લઈને કોંગ્રેસમાં ઉકળતો ચરૂ જોવા મળી રહ્યો છે. ટીકીટ ફાળવણીને લઈને અનેક નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે. જેના કારણે અગાઉ જિલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલીયાએ કોંગ્રેસને અલવિદા કહીને ભાજપમાં પ્રવેશ કર્યો હતો. ત્યારે આજરોજ ફરી નગરપાલિકા પ્રમુખ કેતન વિલપરાએ પણ કોંગ્રેસને બાય- બાય કહી દીધું છે. તેઓની સાથે પાલિકાના 8 સભ્યો બીપીનભાઈ દેત્રોજા, અશોકભાઈ કાંજીયા, જયદીપસિંહ રાઠોડ, અરૂણાબા જાડેજા, ઇન્દ્રીશભાઈ જેડા, નવીનભાઈ ધૂમલિયા, જીતુભાઇ ફેફર, રાજુભાઇ ચારોલાએ પણ કોંગ્રેસ પક્ષને છોડી દીધો છે.

પાલિકા પ્રમુખ અને 8 સભ્યોએ આજે વિધિવત રીતે ભાજપનો ખેસ પહેરી ભાજપમાં પ્રવેશ કર્યો છે. ઉપરાંત અંદાજે 100 જેટલા કોંગી કાર્યકરો પણ તેઓની સાથે ભાજપમાં જોડાયા છે. આમ કોંગ્રેસમાં ચૂંટણી ટાણે જ ભંગાણ શરૂ થયું હોય રાજકારણમાં ભારે ચકચાર જાગી છે.


આંતરિક જુથવાદ અને સંગઠનમાં અસહકારને કારણે કોંગ્રેસ છોડ્યું : કેતન વિલપરા

પાલિકા પ્રમુખ કેતન વિલપરાએ ‘મોરબી અપડેટ’ને જણાવ્યું કે કોંગ્રેસમાં જૂથવાદ છે અને સંગઠન તરફથી પણ સહકાર મળતો નથી. વધુમાં કાઉન્સિલરો પોતાના અંગત કામમાં જ વ્યસ્ત રહેતા હોય પ્રજાના કામમાં ધ્યાન દેતા ન હોય જેથી કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં પ્રવેશ કર્યો છે.