મોરબી-માળીયા વિધાનસભા બેઠક પર લાગુ થઈ આદર્શ ચૂંટણી આચાર સંહિતા

મોરબી : ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણીની તારીખો જાહેર થવા સાથે જ ચૂંટણીની આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. અબડાસા, લીમડી, ધારી, મોરબી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણી યોજાનાર છે ત્યારે 29 સપ્ટેમ્બરે જ આચારસંહિતા અમલી બની ચૂકી છે. પાછલા મહિનાઓ દરમિયાન ગુજરાત વિધાનસભામાં ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામું આપતા હાલ ગુજરાતની આઠ વિધાનસભાની પેટા ચૂંટણી આવી પડી છે ત્યારે કોરોના કાળ દરમ્યાન આ પહેલી વાર ચૂંટણીનું આયોજન થવા જઈ રહ્યું છે.

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો માટે પેટા ચૂંટણીની જાહેરાત થતાં જ આદર્શ આચારસંહિતા લાગુ થઈ ચૂકી છે. આચાર સંહિતા લાગુ થયા બાદ રાજકીય પાર્ટીઓ પર અમુક પ્રકારના અંકુશ લાગી જતાં હોય છે. જે મુજબ હાલ ચાલી રહેલા સરકારી કામો કે સરકારી યોજનાઓ ચૂંટણીના પરિણામ સુધી સ્થગિત થઈ જતા હોય છે. જે પ્રમાણે જોતા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના અમલીકરણ, કુદરતી આપત્તિઓના સંજોગોમાં રાહત કાર્યો, બચાવ કાર્યો, દુષ્કાળ, પુર દરમ્યાન પીવાના પાણીના કામો, પાતાળ કૂવાના ખોદકામ, ઘાસચારો, કૃષિ સહાય, ખેડૂતોને સબસીડી, નવા વિકાસલક્ષી કામો, શ્રમ આધારિત કે નાણાંકીય લાભો, એમપી, એલએડી અને એમએલસી એલએડી હેઠળના કામો, નવા પ્રકલ્પો, કાર્યક્રમો, રાહત કે નાણાકીય ગ્રાન્ટ ફાળવણીની શરૂઆત કે જાહેરાત ખાનગી મિલકતોનું ડિફેસમેન્ટ કે સરકારી મિલકતનો પ્રચાર માટે ઉપયોગ જેવી બાબતો જે તે વિધાનસભાના મત વિભાગ પૂરતી જ મર્યાદિત રહેશે. જે તે વિધાનસભા મતવિસ્તારના સમગ્ર ક્ષેત્રને કે સમગ્ર જિલ્લાને લાગુ પડશે નહીં. ઉપરોક્ત જાહેર થયેલ વિધાનસભા મતક્ષેત્ર સિવાયના જિલ્લામાં વિકાસ કામો કે રાહત કાર્યો ચાલુ જ રહેશે. સમગ્ર જિલ્લામાં આચાર સંહિતા લાગુ પડશે નહીં.

જો કે, મંત્રીઓના પ્રવાસ, સરકારી વાહનોનો ઉપયોગ, સરકારી ખર્ચે જાહેરાત, ઉદ્ઘાટન સમારંભ, સરકારી સમારંભો, સરકારી અતિથીગૃહોનો ઉપયોગ, નવી યોજનાની જાહેરાત સહિતની તમામ બાબતો જે તે વિધાનસભા મત વિસ્તાર જે જિલ્લામાં છે તે સમગ્ર જિલ્લાને લાગુ પડશે. હાલમાં જે 8 બેઠકો માટે પેટા ચૂંટણી જાહેર થઇ છે તે કચ્છ, જિલ્લો સુરેન્દ્રનગર, મોરબી, અમરેલી, બોટાદ, વડોદરા, ડાંગ અને વલસાડ જિલ્લામાં સરકારી માલ મિલકતનો ઉપયોગ, વાહનોનો ઉપયોગ કરી શકાશે નહીં. જો કોઇ ઉમેદવાર આદર્શ આચાર સંહિતાનો ભંગ કરશે તો ભારતનું ચૂંટણી પંચ, નવી દિલ્હી, મુખ્ય નિર્વાચન અધિકારી, જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ ચૂંટણી અધિકારી જે ઉમેદવાર સામે કાર્યવાહી હાથ ધરશે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate