મોરબીના મુખ્યમંત્રી આવાસોમાં પ્રાથમિક સુવિધાના પ્રશ્ને મહિલાઓનો પાલિકામાં મોરચો

પીવાના પાણી, ભૂગર્ભ ગટરની ગંદકી સહિતની સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી પાલિકામાં જ ધરણા પર બેસી રહેવાનો મહિલાઓ સહિતના સ્થાનિકોનો નીર્ધાર

મોરબી : મોરબીના મુખ્યમંત્રી આવાસો શરૂ થયા ત્યારથી જ પ્રાથમિક સુવિધાના ઠેકાણા ન હોય અને અગાઉની રજુઆતો પણ નીંભર તંત્રના પાપે બેઅસર રહેતા આજે રોજબરોજની સમસ્યાથી ધીરજ ખૂટી જતા અંતે મહિલાઓ સહિતના સ્થાનિકોએ પાલિકામાં મોરચો માંડયો છે. પીવાના પાણી તથા ઉભરાતી ગટરની ગંદકીથી ભોગવવી પડતી હાલાકીની સ્થાનિકોએ તંત્ર સમક્ષ હૈયાવરાળ ઠાલવી હતી. તેમજ આ પ્રાથમિક સુવિધાઓની સમસ્યાનો જ્યાં સુધી ઉકેલ ન આવે ત્યાં સુધી પાલિકામાં બેસી રહેવાની ચીમકી આપી છે.

મોરબીના મુખ્યમંત્રી આવાસોમાં પ્રાથમિક સુવિધાના પ્રશ્ને આજે સ્ત્રી, પુરૂષોનું ટોળું પાલિકા કચેરીએ ઘસી આવ્યું હતું. જો કે મહિલાઓ એટલી હદે રોષે ભરાય હતી કે જ્યાં સુધી તેમની સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી પાલિકામાં બેસી રહેવાની ચીમકી આપીને પાલિકા કચેરીની લોબીમાં સ્થાનિકો ધરણા પર બેસી ગયા હતા. સ્થાનિક લોકોએ તંત્ર સમક્ષ બળાપો ઠાલવ્યો હતો કે મોરબી મુખ્યમંત્રી આવાસ યોજના જ્યારથી શરૂ થઈ છે, ત્યારથી અત્યાર સુધી અસુવિધાની ભરમાર રહી છે. મુખ્યમંત્રી આવાસ યોજનાના 200થી વધુ મકાનોમાં સામન્ય વર્ગના પરિવારો રહે છે. પણ પ્રાથમિક સુવિધાઓના કોઈ ઠેકાણા જ નથી.

મુખ્યમંત્રી આવાસોમાં પીવાના પાણીનો ગંભીર પ્રશ્ન છે. છેલ્લા ચાર વર્ષથી પીવાનું પાણી આવતું નથી. વચ્ચે એક મહિના પાણી આપ્યું હતું. પણ એક મહિનામાં જ પાણી બંધ કરી દીધું હતું. તેથી, સ્થાનિક લોકોને ભારે હાડમારી વેઠવી પડે છે. ભૂગર્ભ ગટર ઉભરવાની પણ મોટી પળોજણ છે. ભૂગર્ભ ગટરના પાણીનો કોઈ નિકાલ જ ન હોય અને સફાઈ કર્મચારીઓ તમારી પ્રાઇવેટ ગટર હોવાનું કહીને ગટરની સફાઈ કરતા નથી. ભૂગર્ભ ગટર ઉભરવાની સમસ્યા વકરી ગઈ હોવાથી અગાઉ અનેક વખત આ બાબતે પાલિકામાં ફરિયાદ કરી છે. પણ આ પ્રશ્નનું નિરાકરણ જ થયું નથી. આ આવાસોમા પોપડા ઉખડવા તથા પ્રાથમિક સુવિધાનો અભાવ સહિતની અનેક સમસ્યાઓથી સ્થાનિકો ત્રસ્ત થઈ ગયા છે.

ગટરની સમસ્યા અને શુ કહે છે પાલિકા?

મુખ્યમંત્રી આવાસોમાં ગટરની સમસ્યા મામલે પાલિકાના ભૂગર્ભ વિભાગે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી આવાસોમાં પ્રાઇવેટ ગટર છે અને ત્યાં લોકોના ઘર આગળ જ ગટર છે. બાકી મેઈન ભૂગર્ભ ગટરની કુંડીઓ એક્દમ સાફ છે. ત્યાં કોઈ સમસ્યા નથી. આ ઘર-ઘરની પ્રાઇવેટ કુંડીઓ છે, તે સ્થાનિકોએ જાતે જ સફાઈ કરવાની રહેશે એવું જણાવ્યું હતું.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate