પ્રામાણિકતા હજુ જીવે છે : રોકડ રૂ. 5 લાખ ભરેલી ખોવાઈ ગયેલી બેગ મૂળ માલિકને પરત કરી!

મોરબી અપડેટના માધ્યમથી ભાવેશભાઈ જીવાણીએ મહેશભાઈ શેરસીયાને બેગ પરત કરી ઈમાનદારી દાખવી

મોરબી : સામાન્ય રીતે, મનુષ્યના ભણતર પછીનું જીવન પૈસાને મેળવવાની ભાગદોડમાં પસાર થતું હોય છે. કારણ કે પૈસા વ્યક્તિને વૈભવી જીવનશૈલી માટે તો જરૂરી છે જ. પરંતુ પ્રાથમિક જરૂરિયાતો પ્રાપ્ત કરવી પૈસા વિના શક્ય નથી. ત્યારે જો કોઈ મહેનત વિના અચાનક મોટી રોકડ રકમ મળી આવે, ત્યારે કોઈવાર માનવીનું મન લલચાઈ જતું હોય છે. ત્યારે પ્રામાણિકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપી શકાય તેવો એક કિસ્સો સામે આવ્યો છે. મોરબીના એક વ્યક્તિએ રોકડ રૂ. 5 લાખ ભરેલી ખોવાઈ ગયેલી બેગ મૂળ માલિકને પરત કરીને ઈમાનદારી દાખવી છે.

ટંકારાના બંગાવડીની સરકારી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ અને મોરબી શહેરમાં ધર્મલાભ સોસાયટીમાં રહેતા જીવાણી ભાવેશભાઈ કરમશીભાઈને ગઈકાલે તા. 14ના રોજ સાંજે મોરબીના શનાળા રોડ પર મહેશ હોટલ પાસેથી એક બેગ મળેલ હતી. જે બેગમાં રોકડ રકમ રૂ. 5 લાખની સાથે એક કારની ચાવી અને ડાયરી હતી. આ અંગે ભાવેશભાઈએ મોરબી અપડેટને જાણ કરતા મોરબી અપડેટના ફેસબૂક પેજ પર ભાવેશભાઈના કોન્ટટેક્ટ નંબર સાથે ખોવાયેલ બેગની વિગત જાહેર કરવામાં આવી હતી. જે વિગત થોડી મિનિટોમાં મૂળ માલિકના ધ્યાનમાં આવી હતી. આ બેગના મૂળ માલિક મહેશભાઈ નરશીભાઈ શેરસીયા (શ્રીજી સ્ટીલ, લાતી પ્લોટ-6)એ ભાવેશભાઈનો સંપર્ક કર્યો હતો. ભાવેશભાઈએ બેગની માલિકીની ખરાઈ કરી રોકડ રૂ. 5 લાખ ભરેલી બેગ મૂળ માલિક મહેશભાઈને પરત કરી હતી. આ તકે આટલી મોટી રકમ પરત કરવા બદલ મહેશભાઈએ ભાવેશભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો.

હાલના સમયમાં જયારે અવારનવાર ઓનલાઇન ફ્રોડ કે ઉછીના પૈસા પાછા ન આપવા જેવા પૈસાની છેતરપિંડીના અનેક કિસ્સાઓ જોવા-સાંભળવા મળતા હોય છે. અથવા તો વ્યક્તિ પૈસા મેળવવા માટે મહેનત કરવા માટે તૈયાર નથી હોતો અને ચોરી, છેતરપિંડી કરી પૈસા મેળવવાનો શોર્ટ કટ અપનાવે છે. ત્યારે મોરબીના ભાવેશભાઈએ રૂ. 5 લાખ જેવી રકમ માટે કોઈ લાલચમાં આવ્યા વિના નિ:સ્વાર્થભાવે મોરબી અપડેટના માધ્યમથી મહેશભાઈને પરત કરી છે. અને આચાર્યપદને ખરા અર્થમાં સાર્થક કર્યું છે. તો એ વાતમાં શંકાને સ્થાન નથી કે કળિયુગમાં પણ હજુ પ્રામાણિકતા જીવે છે!


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate